અમેરિકી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, મેટા અને ગૂગલને 56 કરોડનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો
અમેરિકાની લોસ એન્જલસ કોર્ટે સોશિયલ મીડિયાના ઈતિહાસનો સૌથી મોટો ચુકાદો આપ્યો છે. જ્યુરીએ માન્યું છે કે ફેસબુક (મેટા) અને યુટ્યુબ જાણીબુઝીને એવા ફીચર્સ ડિઝાઇન કરે છે જેનાથી યુઝર્સને લત લાગે છે.

અત્યાર સુધી સોશિયલ મીડિયા કંપનીઓ તેમના પ્લેટફોર્મ પર પોસ્ટ થતા કન્ટેન્ટની જવાબદારીમાંથી બચી જતી હતી, પરંતુ અમેરિકાની લોસ એન્જલસ કોર્ટે એક નવો અને ચોંકાવનારો રસ્તો શોધી કાઢ્યો છે. કોર્ટે માન્યું છે કે આ કંપનીઓ માત્ર ‘કન્ટેન્ટ’ માટે જ નહીં, પણ તેમના પ્લેટફોર્મની ‘ડિઝાઇન’ માટે પણ જવાબદાર છે, જે યુઝર્સને એડિક્ટ (વ્યસની) બનાવે છે.
ઐતિહાસિક દંડ અને ચુકાદો
બુધવારે જ્યુરીએ મેટા અને યુટ્યુબને દોષિત ઠેરવતા કુલ 6 મિલિયન ડોલર (આશરે 56 કરોડ રૂપિયા) નો દંડ ફટકાર્યો છે. આ દંડમાં મેટાનો હિસ્સો 70% અને યુટ્યુબનો 30% રહેશે. જ્યુરીએ સ્પષ્ટ કર્યું કે ટેક કંપનીઓએ ખોટા ઇરાદા, દબાણ અને છેતરપિંડીથી કામ કર્યું છે. તેમણે એવા જોખમો વિશે યુઝર્સને ચેતવણી ન આપી જે કંપનીઓ પહેલેથી જ જાણતી હતી.
કન્ટેન્ટ નહીં, ‘ડિઝાઇન’ પર થઈ કાર્યવાહી
સામાન્ય રીતે ‘સેક્શન 230’ હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ બચી જતા હોય છે, પરંતુ આ કેસમાં વકીલોએ દલીલ બદલી નાખી હતી. તેમણે કોઈ ખાસ વીડિયો કે પોસ્ટ પર સવાલ ઉઠાવવાને બદલે પ્લેટફોર્મના આર્કિટેક્ચર પર હુમલો કર્યો. કેવી રીતે ફીડ બને છે? કેવી રીતે યુઝરને વારંવાર પાછા આવવા મજબૂર કરવામાં આવે છે? આ બધું જ જાણીબુઝીને યુવાનોને નુકસાન પહોંચાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હોવાનું કોર્ટે સ્વીકાર્યું છે.
કંપનીના અંદરના દસ્તાવેજોએ ખોલી પોલ
ટ્રાયલ દરમિયાન કંપનીના કેટલાક આંતરિક રિસર્ચ રિપોર્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. આ મટીરિયલ દર્શાવતું હતું કે કંપનીના અધિકારીઓ પહેલેથી જ જાણતા હતા કે તેમનો આ સિસ્ટમ ડિઝાઇન યુવાન યુઝર્સ માટે જોખમી છે. છતાં સેફ્ટીને નજરઅંદાજ કરીને નફા માટે આ ડિઝાઇન ચાલુ રાખવામાં આવી. મેટાએ બચાવમાં પ્લેન્ટિફની પર્સનલ હિસ્ટ્રી અને મેડિકલ કારણો જવાબદાર હોવાની દલીલ કરી હતી, પરંતુ જ્યુરીએ તેને નકારી કાઢી હતી અને માન્યું હતું કે સોશિયલ મીડિયાની ડિઝાઇન નુકસાન પહોંચાડવામાં એક ‘સબસ્ટેન્શિયલ ફેક્ટર’ (મુખ્ય પરિબળ) સાબિત થઈ છે.
કેલિફોર્નિયાના કાયદા હેઠળ નેગ્લિજન્સ (લાપરવાહી) ના ચાર મહત્વના પાસાઓ – ડ્યુટી ઓફ કેર, ડ્યુટી બ્રીચ, કારણ અને નુકસાન – આ કેસમાં સાબિત થયા છે. આ ચુકાદો હવે ભવિષ્યમાં હજારો અન્ય કેસો માટે પાયો નાખશે અને ટેક કંપનીઓને તેમના યુઝર્સની સુરક્ષા બાબતે ગંભીર બનવા મજબૂર કરશે.
