Breaking News : માદુરો આજે પણ અમારા રાષ્ટ્રપતિ, અમેરિકા તાકીદે તેમને મુક્ત કરેઃ વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ શનિવારે વહેલી સવારે લશ્કરી કાર્યવાહી હાથ ધરીને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડી લીધા અને તેમને વેનેઝુએલા દેશમાંથી બહાર કાઢીને અમેરિકા લઈ જવાયા. ટ્રમ્પે જણાવ્યું હતું કે, જ્યા સુધી વેનેઝુએલામાં સત્તાનું હસ્તાંતરણ ના થાય ત્યાં સુધી અમેરિકા વેનેઝુએલામાં શાસન કરશે.

વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે, શનિવારે રાષ્ટ્રજોગ પ્રવચનમાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને તાકીદે મુક્ત કરવાની અમેરિકાને તાકીદ કરી અને નિકોલસ માદુરો આજે પણ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ હોવાનું જાહેર કર્યુ. નોંધનીય છે કે, યુએસ પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે.
માદુરો અને તેમની પત્નીને રાત્રિ દરમિયાન લશ્કરી કાર્યવાહી હાથ ધરીને, વેનેઝુએલાના તેમના સત્તાવાર નિવાસસ્થાનથી પકડી લેવામાં આવ્યા હતા. યુએસ ન્યાય વિભાગ દ્વારા દાખલ કરાયેલા આરોપમાં તેમના પર નાર્કો-આતંકવાદ ષડયંત્રમાં ભાગ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. બંનેને, નાર્કો-આતંકવાદ ષડયંત્ર બદલ કાર્યવાહીનો સામનો કરવા માટે ન્યૂયોર્ક લઈ જવાયા છે.
માદુરો વેનેઝુએલાના આજે પણ રાષ્ટ્રપતિ
વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે, નિકોલસ માદુરો વેનેઝુએલાના એકમાત્ર રાષ્ટ્રપતિ છે. દક્ષિણ અમેરિકન દેશમાં શનિવારે વહેલી સવારના સમયે લશ્કરી કાર્યવાહીમાં પકડાયા બાદ માદુરોના સ્થાને ડેલ્સી રોડિગ્ઝને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હોવાનું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું. ટ્ર્મ્પના આ નિવેદન બાદ, વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે માદુરો વેનેઝુએલાના આજે પણ રાષ્ટ્રપતિ છે.
રોડ્રિગ્ઝે કારાકાસથી સરકારી ટેલિવિઝન પર નેશનલ એસેમ્બલી સ્પીકર જોર્જ રોડ્રિગ્ઝ, ગૃહમંત્રી ડિઓસડાડો કાબેલો અને વિદેશ અને સંરક્ષણ પ્રધાનો સાથે વાત કરી હતી. રોડ્રિગ્ઝે માદુરોના અપહરણ વચ્ચે દેશની સુરક્ષા માટે શાંતિ અને એકતાની હાકલ કરી હતી અને કહ્યું હતું કે વેનેઝુએલા ક્યારેય કોઈ બીજા રાષ્ટ્રની વસાહત નહીં બને.
ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ બનાવવાનો દાવો
યુએસ પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે રોડ્રિગ્ઝે અમેરિકા સાથે સહયોગમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને વેનેઝુએલાને ફરીથી મહાન બનાવવા માટે જરૂરી પગલાં લેવા તૈયાર છે. અગાઉ, વિપક્ષી નેતા મારિયા કોરિના માચાડોએ કહ્યું હતું કે, એડમંડો ગોન્ઝાલેઝ 2024 ની ચૂંટણીના યોગ્ય વિજેતા હતા અને તેમણે વેનેઝુએલાની સત્તા સંભાળવી જોઈએ.
વેનેઝુએલામાં અમેરિકા કરશે રાજ : ટ્રમ્પ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે સત્તાનું સુરક્ષિત હસ્તાતરણ ના થાય ત્યાં સુધી અમેરિકા વેનેઝુએલાને સંચાલિત કરશે. અમેરિકાએ શનિવારે વહેલી સવારે લશ્કરી કાર્યવાહીમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડી લીધા અને તેમને દેશમાંથી બહાર લઈ ગયા. આ કાર્યવાહીથી એક શાસક રાષ્ટ્રપ્રમુખને પદ પરથી હટાવી દેવામાં આવ્યા. આ અમેરિકાની કાર્યવાહી તેલ સમૃદ્ધ લેટિન અમેરિકન દેશ પર મહિનાઓથી વધી રહેલા દબાણનું પરિણામ હોવાનું કહેવાય છે.
અમેરિકા-વેનેઝુએલા સાથે સંકળાયેલા અન્ય સમાચારો જાણવા માટે તમે અહીં ક્લિક કરો.