અમેરિકામાં એક સ્ટેજ પર જોવા મળશે બંને વિરોધી દેશના વડાઓ, જાણો કેમ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સિવાય સાનફ્રાન્સિસ્કોમાં અન્ય નેતાઓનો જમાવડો પણ થશે. તેમાં જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને રશિયાના ડેપ્યુટી સીએમ એલેક્સી ઓવરચુક આવશે.
અમેરિકાના સાનફ્રાન્સિસ્કોમાં APEC ગ્રુપની બેઠક ચાલી રહી છે. 11 નવેમ્બરે શરૂ થયેલી આ ગ્રુપ બેઠક 17 નવેમ્બરે ઈકોનોમિક લીડર્સ રિટ્રીટની સાથે પૂર્ણ થશે, તેની વચ્ચે આવતીકાલ બુધવારે 15 નવેમ્બરે APEC શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેનની સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. બંને દેશોની વચ્ચે વધતા તણાવને જોતા આ મુલાકાત ખાસ માનવામાં આવી રહી છે, ખાસ વાત એ છે કે એક વર્ષ બાદ બંને દેશોના નેતા એક સ્ટેજ પર જોવા મળશે.
શું છે APEC?
APEC એક પ્રાદેશિક આર્થિક મંચ છે, જેની સ્થાપના 1989માં થઈ હતી, આ ગ્રુપનો ઉદ્દેશ્ય એશિયા પેસિફિકની વધતી નિર્ભરતાનો લાભ ઉઠાવવો અને પ્રાદેશિક આર્થિક એકીકરણના માધ્યમથી વિસ્તારને સમૃદ્ધ બનાવવાનો છે. તેના 21 સભ્ય છે. જેમને અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. જેમાં ઓસ્ટ્રેલિયા, બ્રુનેઈ, ન્યૂઝીલેન્ડ, પાપુઆ ન્યૂ ગિનિ, ફિલીપાઈન્સ, ઈન્ડોનેશિયા, મલેશિયા, વિયતનામ, સિંગાપુર, થાઈલેન્ડ, જાપાન, દક્ષિણ કોરિયા, રશિયા, કેનેડા, અમેરિકા, મેક્સિકો, પેરૂ અને ચિલી છે. ખાસ વાત એ છે કે આ ગ્રુપમાં તાઈવાન અને હોંગકોંગ પણ સામેલ છે, જે ચીનથી અલગ આઝાદ થઈને તેના શિખર સંમેલનમાં ભાગ લે છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ ભારત આ ગ્રુપનું સભ્ય નથી પણ ભારતના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ શિખર સંમેલનમાં ભાગ લે છે.
ભારત APECનું સભ્ય બનવા ઈચ્છે છે
ભારત પણ સમય સમય પર APECમાં સામેલ થવા માટે અપીલ કરતું રહે છે પણ સભ્યતાના વિસ્તાર પર અનૌપચારિક પ્રતિબંધ હોવાના કારણે તે સામેલ થઈ શકતુ નથી. એક રિપોર્ટ મુજબ પહેલા ભારતે 1991માં APECમાં સામેલ થવા માટે જણાવ્યું હતું પણ તે સમયે સરકારે ઉદારીકરણ અને વૈશ્વિકરણ માટે આર્થિક સુધારાઓ શરૂ કર્યા હતા. 2015માં યૂએસ ભારત સંયૂક્ત રણનીતિ વિઝનમાં અમેરિકાએ ભારતની આ રૂચિનું સ્વાગત કર્યુ હતું. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું હતું કે એશિયા પેસિફિક આર્થિક સહયોગ સમૂહમાં ભારતનું આવવું સારા સંકેત હશે, કારણ કે ભારતીય અર્થવ્યવસ્થા ગતિશીલ છે.
આ વર્ષે શું છે ખાસ?
APEC શિખર સંમેલનમાં આ વખતે સૌથી ખાસ વાત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત છે. ઉલ્લેખનીય છે કે આ મુલાકાતથી બંને દેશોની વચ્ચે સંબંધોમાં કોઈ ખાસ સુધારા નહીં થાય પણ આ બંને દેશોની વચ્ચે સતત વધી રહેલા તણાવમાં ઘટાડો કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે. બંને દેશોના રાષ્ટ્રધ્યક્ષકોની વચ્ચે આ મુલાકાત એક વર્ષ બાદ થશે, જેની તૈયારીઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી, તેની તૈયારીઓનું નિરક્ષણ કરવા માટે આ વર્ષે ચીની વિદેશ મંત્રી વાંગ યીએ અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. સંબંધોમાં નરમાઈ લાવવા માટે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ચીનના પ્રવાસ પર ગયા હતા.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો