ઈઝરાયેલને હરાવ્યાની ઈરાને કરી જાહેરાત, હવે અમેરિકા સામે કરશે કેસ
ઈરાન કહ્યું કે અમેરિકાએ તેના પરમાણુ ઠેકાણાઓને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે અને હવે વોશિંગ્ટનને તેની ભરપાઈ કરવી જોઈએ. ઈરાને એમ પણ કહ્યું છે કે, તેહરાન આ હુમલા અંગે અમેરિકા સામે સત્તાવાર ફરિયાદ નોંધાવશે.

ઈઝરાયેલ સામે બે સપ્તાહ સુધી યુદ્ધ કર્યા બાદ, ઈરાને જાહેરાત કરી છે કે, આ યુદ્ધમા ઈઝરાયેલને હરાવ્યુ છે. ઈરાન અને ઈઝરાયેલના યુદ્ધ વચ્ચે એકાએક કુદી પડેલા અમેરિકાને પણ ઈરાન બક્ષવાના મુડમાં નથી. ઈરાને હવે નક્કી કર્યું છે કે, અમેરિકાએ જેટલુ પણ નુકસાન કર્યુ છે તે ભરપાઈ કરવા માટે તેની સામે કેસ કરવો.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે બે અઠવાડિયા સુધી ચાલેલા ભીષણ યુદ્ધ પછી યુદ્ધવિરામ થયો હોવા છતાં, તણાવ હજુ પણ યથાવત છે. આ સમગ્ર સંઘર્ષમાં, અમેરિકા પણ ખુલ્લેઆમ ઈઝરાયલના સમર્થનમાં બહાર આવ્યું અને ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર બંકર બસ્ટર બોમ્બ ફેંક્યા હતા. હવે ઈરાન વોશિંગ્ટન પાસેથી આ હુમલાની કિંમત વસૂલવાની તૈયારી કરી રહ્યું છે.
ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચીએ પણ પહેલી વાર સ્વીકાર્યું છે કે પરમાણુ મથકોને ભારે નુકસાન થયું છે. તેમના મતે, ઈરાન સામેનો સંઘર્ષ ઇઝરાયલી મિસાઇલ હુમલાઓથી શરૂ થયો હતો, જેમાં ઈરાનના પરમાણુ, મિસાઇલ અને લશ્કરી મથકોને સીધા નિશાન બનાવવામાં આવ્યા હતા.
“ફોર્ડો સંપૂર્ણપણે નાશ પામ્યો”, અમેરિકાનો દાવો
અમેરિકાના રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તુલસી ગબાર્ડના મતે, ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ મથકો નતાન્ઝ, ફોર્ડો અને ઇસ્ફહાન સંપૂર્ણપણે નાશ પામ્યા છે. તેમણે કહ્યું કે જો ઈરાન ઇચ્છે તો પણ તેમને ફરીથી બનાવવામાં વર્ષો લાગશે. ઇઝરાયલના પરમાણુ ઉર્જા પંચે પણ યુએસ પ્રમુખ ટ્રમ્પના નિવેદનને સમર્થન આપ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે ફોર્ડો મથક સંપૂર્ણપણે નાશ પામ્યો છે.
ઈરાનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા હુસૈન કરમનપોરના મતે, સંઘર્ષમાં 627 લોકો માર્યા ગયા છે જ્યારે 4870 લોકો ઘાયલ થયા છે. રાજધાની તેહરાનમાં મોટાભાગના લોકો માર્યા ગયા છે.
શું ખરેખર સંઘર્ષ બંધ થયો છે?
ગોળીબાર બંધ થયો હોવા છતાં, પરિસ્થિતિ સામાન્ય થઈ નથી. અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત થવાની શક્યતા છે, પરંતુ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ફરી દુશ્મનાવટ ભડકી શકે છે. ઈરાન વળતર માટે કેસ તૈયાર કરી રહ્યું છે, ત્યારે અમેરિકા અને ઈઝરાયલ તેને પોતાની જીત ગણાવી રહ્યા છે.
ઈરાન હુમલો કરવા માટે તૈયાર છે.
કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન હુમલો કરવા માટે તૈયાર છે. ઈરાનને હજુ પણ તેના લશ્કરી અને પરમાણુ મથકો પર હુમલાનો ભય છે. ઈરાનના લશ્કરી અધિકારીઓએ પહેલાથી જ કહ્યું છે કે જો બીજો હુમલો થશે તો અમે જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે કેટલાક પશ્ચિમી મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી અને તે તેને ફરીથી શરૂ કરી શકે છે. કેટલાક ઇઝરાયલી અધિકારીઓએ એવા સંદેશા પણ આપ્યા છે કે તેઓ ઈરાન પર ફરીથી હુમલો કરી શકે છે.