વિકાસના દાવાઓ વચ્ચે ‘કાદવનું સામ્રાજ્ય’, ડીસાના આસેડા રામપુરમાં 20 વર્ષથી પાકો રસ્તો જ નથી
બનાસકાંઠાના ડીસા તાલુકાનું આસેડા રામપુર ગામ આઝાદીના દાયકાઓ પછી પણ પાયાની સુવિધાથી વંચિત છે. છેલ્લા બે દાયકાથી રસ્તાના અભાવે વિદ્યાર્થીઓના શિક્ષણથી લઈને વૃદ્ધોની તબિયત પર માઠી અસર પડી રહી છે. તંત્ર દ્વારા કોઈ રજૂઆત સાંભળવામાં ન આવતા હવે ગ્રામજનોએ એકસૂરે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાતમાં જ્યાં એક તરફ ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ વિલેજની વાતો થઈ રહી છે, ત્યારે બનાસકાંઠાના ડીસા તાલુકાનું આસેડા રામપુર ગામ વિકાસની વરવી વાસ્તવિકતા રજૂ કરી રહ્યું છે. આ ગામમાં છેલ્લા 20 વર્ષથી પાકો રસ્તો બન્યો નથી, જેના કારણે ગ્રામજનો નર્ક સમાન સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.
ભૌગોલિક અને વહીવટી ગૂંચવણનો ભોગ આસેડા રામપુર ગામની સૌથી મોટી કરૂણતા એ છે કે તે ત્રણ અલગ-અલગ વહીવટી ક્ષેત્રોમાં વહેંચાયેલું છે. ગામ ડીસા તાલુકામાં આવે છે, પરંતુ તેનો વિધાનસભા વિસ્તાર કાંકરેજ લાગે છે અને લોકસભા બેઠક પાટણ જિલ્લા હેઠળ આવે છે. આ વહીવટી ત્રિભેટાના કારણે જ્યારે પણ ગ્રામજનો રજૂઆત કરવા જાય છે, ત્યારે પ્રતિનિધિઓ જવાબદારી એકબીજા પર ઢોળી દે છે. પરિણામે, ગામની સમસ્યા સાંભળવા કોઈ તૈયાર નથી.
વિદ્યાર્થીઓ અને વૃદ્ધોની હાલત દયનીય ગામની એક વિદ્યાર્થીનીએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, “પાકો રસ્તો ન હોવાથી અમારે કાચા અને ઉબડ-ખાબડ રસ્તા પરથી શાળાએ જવું પડે છે. ચોમાસામાં તો સ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે રસ્તા પર કાદવ-કીચડના થર જામી જાય છે, જેના કારણે અમે શાળાએ જઈ શકતા નથી અને અમારું ભણતર બગડે છે.” માત્ર બાળકો જ નહીં, પરંતુ બીમાર વૃદ્ધોને હોસ્પિટલ લઈ જવા માટે પણ એમ્બ્યુલન્સ ગામમાં આવી શકતી નથી.
ચૂંટણી બહિષ્કારની ચીમકી ગ્રામજનોનો આક્ષેપ છે કે, “ચૂંટણી આવે ત્યારે જ નેતાજીના દર્શન થાય છે, મત માંગ્યા પછી કોઈ મોઢું બતાવતું નથી.” અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય આવતા હવે આખું ગામ આકરા પાણીએ છે. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો વહેલી તકે રસ્તાનું કામ શરૂ કરવામાં નહીં આવે, તો આગામી તમામ ચૂંટણીઓનો તેઓ સંપૂર્ણપણે બહિષ્કાર કરશે.
ટ્રમ્પે વેનેઝુએલાના એક્ટિંગ પ્રેસિડેન્ટ હોવાનો કર્યો દાવો, વાંચવા માટે અહીં ક્લિક કરો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ

