બાપ એવા બેટા અને વડ એવા ટેટા ! શુ આતંકના માર્ગે જ ચાલવા માગે છે ઓસામા બિન લાદેનના બે પુત્ર ?
કેટલાક અહેવાલો એવા સંકેત આપી રહ્યા છે કે ઓસામા બિન લાદેનના પુત્રોએ પણ તેમના પિતાના માર્ગ પર ચાલવાનું શરૂ કરી દીધું છે અને તેઓ ફરી એકવાર અલકાયદાની નવેસરથી રચના કરીને વિશ્વભરમાં આતંક મચાવી શકે છે. ફ્રાન્સમાં રહેતા ઓસામા બિન લાદેનના પુત્ર ઓમર બિન લાદેનને પણ આતંકવાદને ગુણગાન ગાવાના આરોપ બાદ દેશનિકાલ કરાયો છે. જ્યારે બીજો દીકરો અફઘાનિસ્તાનમાં પોતાની ખૂંખાર યોજનાઓને પાર પાડવામાં વ્યસ્ત છે.
અમેરિકાના ટ્વિન ટાવર પર વિમાન દ્વારા આતંકી હુમલો કરીને વિશ્વને ચોકાવી નાખનાર અલ કાયદાના સ્થાપક ઓસામા બિન લાદેનને 2011માં પાકિસ્તાનના એબોટાબાદમાં અમેરિકાના સેનાએ મારી નાખવા ઉપરાંત તેની લાશને દરિયાના પેટાળમાં ઊંડે ધરબી નાખી હતી. ટ્વિન ટાવરને આતંકી હુમલાથી ધ્વસ્ત કર્યા બાદ, અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ઓપરેશન 9/11 શરૂ કર્યું. જેમા અલ-કાયદાના નાના મોટા આતંકીઓને શોધી શોધીને મારી નાખવામાં આવ્યા અને અલ કાયદાની કમર તોડી નાખી.
છેલ્લે ઓસામા બિન લાદેનના મોત બાદ, અલ કાયદા આતંકની દુનિયામાંથી ખોવાઈ ગયું. પરંતુ તાજેતરના કેટલાક અહેવાલો એવા ગંભીર સંકેત આપી રહ્યા છે કે, ઓસામા બિન લાદેનના પુત્રો હવે ઓસામા બિન લાદેનના માર્ગે ચાલવા લાગ્યા છે. તેઓ ફરી એકવાર અફઘાનિસ્તાનમાં આતંકી સંગઠન અલ-કાયદાની પુનઃ રચના કરીને વિશ્વભરમાં આતંક ફેલાવી શકે છે.
ફ્રાન્સના ગૃહમંત્રી બ્રુનો રેટેલિયાએ કહ્યું કે, તેમણે ઓસામા બિન લાદેનના પુત્ર ઓમર બિન લાદેનને ફ્રાંસમાંથી હાંકી કાઢ્યો છે. તેના ફ્રાન્સ પરત ફરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ઓમર બિન લાદેનની કેટલીક આતંકવાદી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને ફ્રાંસ સરકારે આ પગલું ભર્યું છે. અગાઉ સપ્ટેમ્બરમાં સમાચાર આવ્યા હતા કે ઓસામા બિન લાદેનનો બીજો પુત્ર હમઝા બિન લાદેન જીવિત છે.
અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે હમઝા તેના ભાઈ અબ્દુલ્લા બિન લાદેન સાથે અફઘાનિસ્તાનમાં છુપાયેલો છે અને અલ કાયદાના પુનઃસ્થાપન અને વિસ્તરણ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી રહ્યો છે. એવુ પણ કહેવામાં આવી રહ્યું છે કે ઓમર બિન લાદેન 2015થી બ્રિટિશ મૂળની પત્ની સાથે ફ્રાન્સમાં રહેતો હતો.
શા માટે ઓમરને ફ્રાન્સમાંથી હાંકી કાઢવામાં આવ્યો?
ફ્રાંસના ગૃહમંત્રીએ ટ્વિટર પર માહિતી આપી હતી કે, સોશિયલ મીડિયા પર આતંકવાદનો ગુણગાન ગાવા અંગેનો આરોપ લગાવ્યા બાદ ઓમર બિન લાદેનને ફ્રાન્સમાંથી દેશનિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે ઓમર બિન લાદેને પોતાને નિર્દોષ હોવાનું રટણ કર્યે રાખ્યું છે. વાસ્તવમાં, ઓમરે 2023માં તેના પિતા ઓસામા બિન લાદેનના જન્મદિવસ પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટના આધારે તેને ફ્રાન્સમાંથી દેશનિકાલ કરવા અને ફરી ક્યારેય પણ ફ્રાન્સમાં પ્રવેશવા નહીં દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Je prononce ce jour une interdiction administrative du territoire à l’encontre de M. Omar Binladin, fils aîné du terroriste international Oussama Ben Laden. M. Binladin, installé dans l’Orne depuis plusieurs années en tant que conjoint de ressortissante britannique, a accueilli…
— Bruno Retailleau (@BrunoRetailleau) October 8, 2024
અફઘાનિસ્તાનમાં હમઝા બિન લાદેનની તૈયારી
ગયા મહિનામાં સામે આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનમાંથી અમેરિકન દળોની હકાલપટ્ટી બાદ, અલકાયદાએ ફરી પોતાના પગ જમાવવાનું શરૂ કરી દીધું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા પણ અહીં રહે છે અને તેની સુરક્ષા માટે લગભગ 450 જેટલા સ્નાઈપર્સ તહેનાત છે. હમઝાને ક્રાઉન પ્રિન્સ ઓફ ટેરર પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે અલ કાયદાને ફરીથી સ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યો છે.