ઈઝરાયેલ-હમાસ યુદ્ધ : લંડનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન 4 પોલીસકર્મી ઘાયલ, 29 પ્રદર્શનકારીઓની ધરપકડ
ગાઝામાં હિંસક સંઘર્ષ વિરુદ્ધ પ્રદર્શન કરવા હજારો લોકો લંડનની શેરીઓમાં ઉતર્યા હતા. ત્યારે વિરોધને કાબૂમાં લેવા માટે વધુ ઝડપી અને સક્રિય કામગીરી કરવા 1,300થી વધુ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ચાર પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.
બ્રિટનમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વિરામની માગ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ દરમિયાન ચાર પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. લંડનની મેટ્રોપોલિટન પોલીસે હિંસા અને કાયદાના ભંગના આરોપસર 29 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે.
બ્રિટનના કયા ભાગોમાં પ્રદર્શન
મળતી માહિતી અનુસાર, પેલેસ્ટિનિયન એકતા અભિયાનના ભાગરૂપે લગભગ 30 હજાર પ્રદર્શનકારીઓ શનિવારે ટ્રફાલ્ગર સ્ક્વેર પર એક રેલી માટે એકઠા થયા હતા. દેખાવકારોના એક જૂથે ઓક્સફર્ડ સ્ટ્રીટ પર ધરણા પ્રદર્શન સાથે ટ્રાફિકને પણ અવરોધિત કર્યો હતો. દેખાવકારોએ લંડન અને સ્કોટલેન્ડના કેટલાક રેલ્વે સ્ટેશનો પર ધરણાં કર્યા, માન્ચેસ્ટર સહિત યુકેના અન્ય શહેરોમાં પણ વિરોધ પ્રદર્શનો થયા.
કાયદો અને વ્યવસ્થા જાળવવા 1300 પોલીસ અધિકારીઓ તૈનાત
મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે શનિવારે ગાઝામાં હિંસક સંઘર્ષ વિરુદ્ધ પ્રદર્શન કરવા હજારો લોકો લંડનની શેરીઓમાં ઉતર્યા હતા. ત્યારે વિરોધને કાબૂમાં લેવા માટે વધુ ઝડપી અને સક્રિય કામગીરી કરવા 1,300થી વધુ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ચાર પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.
29 લોકોની ધરપકડ
હિંસા અને અરાજકતા માટે ધરપકડ કરાયેલા 29 લોકોમાંથી ગંભીર વંશીય અપરાધો સહિત જાહેર વ્યવસ્થાના ગુનાઓ માટે 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એક બેનર પરના શબ્દોને યુકે ટેરરિઝમ એક્ટનો ભંગ માનવામાં આવ્યો હતો. આ અંગે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો ગાઝા પર પરમાણુ બોમ્બ ઝીંકવાની શેખી મારનારા મંત્રીને અપાયું પાણીચું
પોલીસ અધિકારી પર હુમલો કરવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય આરોપીઓને વંશીય દ્વેષ ભડકાવવા, શારીરિક નુકસાન પહોંચાડવા, હિંસક અવ્યવસ્થા અને અપમાનજનક શસ્ત્રો રાખવાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો