તારીખ થઈ નક્કી, 10 દિવસ બાદ આ વૈશ્વિક સંસ્થા પાકિસ્તાનનો કરશે ચોખ્ખો હિસાબ કિતાબ, ખાવાના પણ પડી જશે ફાંફા
એક તરફ, કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, બદલો લેવા ભારતે ઉચ્ચારેલી પ્રતિજ્ઞાથી પાકિસ્તાન ડરી ગયું છે. બીજી તરફ, પાકિસ્તાન, આગામી 9 મેના રોજ મળનારી એક વૈશ્વિક સંસ્થાની બેઠકથી પણ ગભરાઈ ગયું છે. આ બેઠકમાં પાકિસ્તાનનું ભાવિ પણ નક્કી થવાનું છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, આ બેઠક પાકિસ્તાન માટે આર્થિક મોરચે સૌથી મોટી કસોટી બની જશે.

એક તરફ, કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ભારતના બદલો લેવાની પ્રતિજ્ઞાથી પાકિસ્તાન ડરી ગયું છે. બીજી તરફ, પાકિસ્તાન હવે બીજા એક મોટા ડરથી પણ ડઘાઈ ગયું છે. આ ડર IMFની બેઠકનો છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના એક્ઝિક્યુટિવ બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠક, આગામી 9 મેના રોજ યોજાવાની છે. જેમાં પાકિસ્તાનનું ભાવિ પણ નક્કી થવાનું છે. આ બેઠકના આધારે જ પાકિસ્તાનને નાણાં આપવા કે નહીં તે નક્કી કરવામાં આવશે.
હકીકતમાં, પાકિસ્તાને ગત વર્ષે જુલાઈમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF સાથે $7 બિલિયનના બેલઆઉટ પેકેજ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ 37 મહિનાના સોદા હેઠળ છ સમીક્ષાઓ કરવાની છે. હવે તેની પહેલી સમીક્ષા મે મહિનામા થવાની છે, જો તે મંજૂર થઈ જાય, તો પાકિસ્તાનને 7 બિલિયન બેલઆઉટ પેકેજ પૈકી 1 બિલિયન ડોલરનો આગામી હપ્તો મળી શકે છે અન્યથા નહીં.
પાકિસ્તાનનું ભાગ્ય 9 મે ના રોજ નક્કી થશે
આ સાથે, પાકિસ્તાને IMF પાસેથી 1.3 બિલિયન ડોલરની બીજી નવી લોન માટે પણ કરાર કર્યો છે, જે ગ્લોબલ વોર્મિગનો સામનો કરવામાં મદદ કરવાના નામે કરાયો છે. એટલે કે, 9 મે ના રોજ, IMF બોર્ડ બે બાબતો જોશે – પ્રથમ એ કે, પાકિસ્તાનનું પ્રદર્શન કેવું રહ્યું છે અને બીજું, નવી રેઝિલિયન્સ એન્ડ સસ્ટેનેબિલિટી ફેસિલિટી (RSF) લોન આપવી કે નહીં.
પાકિસ્તાન આ બેઠક અંગે કેમ ચિંતિત છે?
કારણ સ્પષ્ટ છે. પાકિસ્તાનનું અર્થતંત્ર હજુ પણ ICU માં છે. ફુગાવાએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે, વિદેશી હૂંડિયામણ ભંડાર ઘટ્યો છે અને રોકાણકારોનો વિશ્વાસ પણ હચમચી ગયો છે. IMF નું બેલઆઉટ પાકિસ્તાન માટે જીવનરેખા જેવું છે.
જોકે, માર્ચમાં, IMF ટીમે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને પછી કહ્યું હતું કે, પાકિસ્તાને આ કાર્યક્રમનો સારી રીતે અમલ કર્યો છે. ફુગાવાને નિયંત્રિત કરવા માટે વ્યાજ દર ઊંચા રાખવામાં આવ્યા છે અને ઉર્જા ક્ષેત્રમાં સુધારા લાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
વધુ એક ખામીને કારણે ભંડોળ અટકી શકે છે
આમ છતાં, પાકિસ્તાનની સમસ્યાઓ વધી છે કારણ કે IMFની શરતો કડક છે. જો IMFને લાગે છે કે ક્યાંય પણ કોઈ ખામી છે, તો ભંડોળ અટકી શકે છે. આ ઉપરાંત, IMFના આબોહવાના નામે નવા સોદા માટે ટેકનિકલ સ્તરની તૈયારીઓ હજુ પણ ચાલી રહી છે.
નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબે થોડા અઠવાડિયા પહેલા વોશિંગ્ટનમાં આશા વ્યક્ત કરી હતી કે મેની શરૂઆતમાં યોજાનારી બેઠક લીલી ઝંડી આપી શકે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જ્યાં સુધી IMF તરફથી “હા” નહીં મળે ત્યાં સુધી પાકિસ્તાન શાંતિથી રહેશે નહીં. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, આ બેઠક આર્થિક મોરચે પાકિસ્તાન માટે બીજી મોટી કસોટી બની ગઈ છે.
આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.