Congo Train Accident: આફ્રિકન દેશ કોંગોમાં ભીષણ ટ્રેન દુર્ઘટના, 60થી વધુ લોકોના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત
કોંગોમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે એક મોટી દુર્ઘટના થઈ છે, જેમાં 60થી વધુ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં માલગાડીના સાત ડબ્બા ઉંચી રેલ્વે લાઈન પરથી નીચે ઉતરીને ખાડામાં પડી ગયા હતા.
Congo Train Accident: આફ્રિકન દેશ (Africa) ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં (Congo) એક મોટી ટ્રેન દુર્ઘટના (Train Accident) થઈ છે, જેમાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે માલસામાન લઈ જતી એક ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં 100થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના શુક્રવારે રાત્રે લુઆલાબા પ્રાંતના લુબુડી વિસ્તારમાં (Lubudi area) બની હતી. અહેવાલો અનુસાર સામાન લઈને આ ટ્રેનમાં લોકો ગેરકાયદેસર રીતે મુસાફરી કરી રહ્યા હતા.
જો કે આ અકસ્માત પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં માલગાડીના સાત ડબ્બા ઉંચી રેલ્વે લાઈન પરથી નીચે ઉતરીને ખાડામાં પડી ગયા હતા. હાલ સાત લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 53થી વધુ મૃતદેહો હજુ પણ ખાડામાં પડેલા છે. ઘાયલોમાં બાળકો પણ સામેલ છે, જેના માતા-પિતા આ ટ્રેન (Train) અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. કેટલાક ઘાયલોને લુબુડીની નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેન મુનેદિતુ શહેરથી લુબુમ્બશી તરફ જઈ રહી હતી.
લોકો બહાર ન નીકળી શક્યા
સામાન્ય રીતે આ માલગાડીઓમાં લોકોને મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. જ્યારે આ ટ્રેનમાં લોકોને ગેરકાયદે મુસાફરી કરાવવામાં આવી રહી હતી, જે અકસ્માતનો ભોગ બની હતી. દુર્ઘટનાનું કારણ જાણવાના પ્રયાસો હાલ ચાલુ છે. સ્થાનિક મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સાત ડબ્બા ટ્રેનમાંથી અલગ થઈ ગઈ હતા અને ખાઈમાં પડ્યા હતા. જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને સમયસર બહાર નીકળવાનો સમય પણ મળ્યો ન હતો.
અગાઉ પણ આવા અકસ્માતો થયા
આ પહેલા પણ અહીં આવા અકસ્માતો થયા છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં લુઆલાબા પ્રાંતના મુત્શાતશા ક્ષેત્રમાં કેન્ઝેન શહેરમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. અકસ્માતનું કારણ ટ્રેકની નબળી જાળવણી હોવાનું કહેવાય છે. હાલમાં આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આવા અકસ્માતોના કારણે હાલ ટ્રેકની જાળવણી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો : Russia Ukraine War: પશ્ચિમી દેશોના પ્રતિબંધો સામે પુતિનનો પલટવાર, ઈન્ટેલેકચુઅલ પ્રોપર્ટી હેઠળના નિયમો કર્યા હળવા