Sweater Hygiene: સ્વેટરને કેટલા દિવસે ધોઈ નાખવુ જોઈએ, લાંબા સમય સુધી ધોયા વિના પહેરવાથી થાય છે આ નુકસાન- વાંચો
મોટાભાગના લોકો એક જ સ્વેટર ધોયા વિના સતત એક અઠવાડિયા સુધી પહેરે છે જો કે આવુ કરવુ સ્વાસ્થ્ય માટે બરાબર નથી. એક્સપર્ટ્સનું માનીએ તો સતત એકનું એક સ્વેટર ધોયા વિના લાંબો સમય સુધી ન પહેરવુ જોઈએ.

શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડા પહેરે છે. ઠંડીની સિઝનમાં સ્વેટર આપણા શરીરને પ્રોટેક્ટ કરવામાં મદદ કરે છે. જો કે કેટલાક લોકો એક જ સ્વેટરને વારંવાર પહેી લે છે અને અનેક દિવસો સુધી ધોયા વિના પહેરે છે. કેટલાક લોકો તો પુરી સિઝન દરમિયાન એક જ સ્વેટર પહેરે છે. તેને ધોતા પણ નથી. મોટાભાગના લોકો એ નથી જાણતા કે સ્વેટરને કેટલા દિવસ સુધી પહેરવુ યોગ્ય છે. હવે સવાલ એ ઉઠે છે કે શું સ્વેટર રોજ ધોવુ જરૂરી છે કે લાંબા સમય સુધી તેને પહેરી શકીએ છીએ. એક્સપર્ટ્સનું માનીએ તો એકનું એક સ્વેટર લાંબો સમય સુધી ધોયા વિના પહેરવાથી ખંજવાળ, એલર્જી, શ્વાસને લગતી સમસ્યા થઈ શકે છે.
4 થી 5 દિવસ પહેરીને સ્વેટર ધોઈ નાખવુ જોઈએ
દિલ્હી મેડિકલ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ અને એક સીનિયર ફિજિશ્યને સમજાવ્યું કે સ્વેટરને દરરોજ ધોવાની જરૂર નથી. જો તમે તેને સીધા તમારી ત્વચા પર ન પહેરો અને તેના બદલે અંદર ઈનર અથવા ટી-શર્ટ નીચે પહેરો, તો સ્વેટર 3 થી 5 દિવસ સુધી ટકી શકે છે. ઊન અને વૂલન કાપડમાંથી સરળતાથી ગંધ આવતી નથી, તેથી વારંવાર ધોવાની જરૂર નથી. જો કે, એક અઠવાડિયા પછી સ્વેટર ધોવુ જરૂરી છે. મહિનાઓ સુધી એક જ સ્વેટર પહેરવાનું બિનઆરોગ્યપ્રદ માનવામાં આવે છે અને તેનાથી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી શકે છે.
ડૉક્ટરો કહે છે કે લાંબા સમય સુધી સ્વેટર ધોયા વિના પહેરવાથી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે. સ્વેટરમાં પરસેવો, ધૂળ અને ત્વચાના તેલ એકઠા થાય છે, જેનાથી ખંજવાળ, ફોલ્લીઓ, એલર્જી અથવા ફંગલ ઈન્ફેક્શનનું જોખમ વધે છે. જે લોકોની સ્કિન સેન્સીટીવ છે. તેમણે એ વાતનું ધ્યાન રાખવુ જોઈએ કે ધોયા વિના એક જ સ્વેટર પહેરવુ એ માત્ર સ્કિન માટે જ નહીં પરંતુ શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. ગંદા સ્વેટરમાં ધૂળ અને એલર્જી જમા થાય છે. જે પહેરવાથી શ્વાસ દ્વારા શરીરમાં જાય છે. આ છીંક, નાક વહેવુ કે અસ્થમાં જેવી સમસ્યા વધી શકે છે.
તમને એ જાણીને નવાઈ લાગશે કે લાંબા સમય સુધી ધોયા વગર સ્વેટર પહેરવાથી તેની ગુણવત્તા અને આયુષ્ય પણ ઘટી શકે છે. પરસેવો અને ગંદકી ફેબ્રિકના તંતુઓને નબળા પાડે છે, જેના કારણે તે ઢીલું અથવા દુર્ગંધયુક્ત બને છે. યોગ્ય સમયાંતરે તેને સાફ કરવાથી તમારા સ્વેટરને લાંબા સમય સુધી નવુ દેખાવામાં મદદ મળે છે. જો તમે દરરોજ બહાર જાઓ છો, વધુ પડતો પરસેવો આવે છે, અથવા ધુમાડાવાળા કે ધૂળવાળા વિસ્તારમાં રહો છો, તો દર 2 થી 3 દિવસે તમારા સ્વેટરને ધોવુ જોઈએ. જો તમે તેનો ઉપયોગ ઓછો કરો છો, તો તેને 4 થી 5 દિવસ સુધી પહેરવું સલામત છે.
