ગરમીમાં કેમ વધી જાય છે ‘નસ પર નસ ચડી જવાની’ પીડા? જાણો અસલી કારણ અને રાહત મેળવવાનો નુસખો
ઉનાળાનો પારો ચઢતાની સાથે જ હોસ્પિટલોમાં ‘મસલ્સ ક્રૅમ્પ’ એટલે કે સ્નાયુઓના ખેંચાણના દર્દીઓ વધી રહ્યા છે. ગંભીર પીડા આપતી આ સમસ્યા પાછળ શરીરમાં માત્ર પ્રવાહી જ નહીં, પણ કેટલાક ખાસ મિનરલ્સની ઉણપ પણ જવાબદાર છે. જાણો કેવી રીતે સામાન્ય ઘરગથ્થુ ઉપાયોથી તમે આ અસહ્ય દર્દમાંથી મુક્તિ મેળવી શકો છો.

જેમ જેમ તાપમાન વધે છે, તેમ તેમ માનવ શરીરમાં અનેક ફેરફારો થાય છે. તેમાંથી એક સામાન્ય પણ અત્યંત પીડાદાયક સમસ્યા છે ‘મસલ્સ ક્રૅમ્પ’, જેને આપણે સાદી ભાષામાં ‘નસ પર નસ ચડી જવી’ કહીએ છીએ. ડોક્ટરોના મતે, ગરમી અને ભેજવાળા વાતાવરણમાં આ સમસ્યા અનેકગણી વધી જાય છે, જેમાં પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધુ જોવા મળે છે.
કેમ થાય છે આ સમસ્યા?
ઉનાળામાં વધુ પડતા પરસેવાના કારણે શરીરમાંથી માત્ર પાણી જ નહીં, પણ સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્વના ‘ઇલેક્ટ્રોલાઇટ્સ’ પણ બહાર નીકળી જાય છે. આ મિનરલ્સ સ્નાયુઓના કાર્ય માટે અત્યંત જરૂરી છે. જ્યારે તેનું સંતુલન બગડે છે, ત્યારે નસ પર નસ ચડી જવાની કે પેટમાં ગોટલો ચડી જવાની સમસ્યા ઉભી થાય છે. ખાસ કરીને મહિલાઓમાં માસિક ધર્મ દરમિયાન હોર્મોનલ ફેરફાર અને ડિહાઇડ્રેશનને કારણે આ પીડા વધુ ગંભીર બને છે.
તરત રાહત મેળવવા માટે શું કરવું?
- શેક કરવો: જે જગ્યાએ નસ ખેંચાઈ હોય ત્યાં ગરમ પાણીની બોટલ કે હીટિંગ પેડથી શેક કરવાથી સ્નાયુઓ રિલેક્સ થાય છે અને દુખાવામાં તરત રાહત મળે છે.
- હળવી સ્ટ્રેચિંગ: યોગ અથવા હળવી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ બ્લડ સર્ક્યુલેશન વધારે છે, જેનાથી જકડાઈ ગયેલા સ્નાયુઓ છૂટા પડે છે.
- હાઇડ્રેશન: માત્ર સાદું પાણી જ નહીં, પણ નારિયેળ પાણી અથવા ORS (ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન) પીવું જોઈએ જેથી ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ જળવાઈ રહે.
ક્યારે સાવધાન રહેવું?
જો ઘરગથ્થુ ઉપાયો છતાં દુખાવો સતત રહેતો હોય, અથવા ક્રૅમ્પની સાથે સોજો, લાલાશ, ચક્કર આવવા કે ઉલટી જેવી સમસ્યા થાય, તો તેને અવગણવી જોઈએ નહીં. આ લક્ષણો ઇલેક્ટ્રોલાઇટની ભારે અસંતુલન અથવા કોઈ ગંભીર ઇન્ફેક્શનનો સંકેત હોઈ શકે છે. આવા કિસ્સામાં તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
ઉનાળામાં કેફીન (ચા-કોફી)નું વધુ પડતું સેવન ટાળો, કારણ કે તે શરીરને વધુ ડિહાઇડ્રેટ કરી શકે છે. તેના બદલે કેળા, ડેરી પ્રોડક્ટ્સ અને લીલા પાંદડાવાળા શાકભાજીને આહારમાં સામેલ કરો.
