Vaccination Price Rise: બાળકોની BCG, મીઝલ્સ અને MR વેક્સીનના ભાવ વધ્યા, કેન્સરની દવાઓ પણ થઈ મોંઘી
બાળકોના રસીકરણ માટે ઉપયોગમાં લેવાતી કેટલીક મહત્વપૂર્ણ વેક્સીનના ભાવમાં વધારો થયો છે. BCG, મીઝલ્સ અને MR વેક્સીન ઉપરાંત કેટલીક કેન્સરની દવાઓ પણ મોંઘી થતા આરોગ્ય ખર્ચમાં વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

આરોગ્ય સેવાઓનો ખર્ચ સતત વધી રહ્યો છે અને હવે તેનો સીધો પ્રભાવ બાળકોના રસીકરણ પર પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બાળકોને આપવામાં આવતી કેટલીક મહત્વપૂર્ણ વેક્સીનના ભાવમાં વધારો નોંધાયો છે. BCG, મીઝલ્સ અને MR (Measles-Rubella) જેવી રસી હવે પહેલા કરતાં વધુ ખર્ચાળ બની ગઈ છે. આ બદલાવના કારણે માતા-પિતાના આરોગ્ય બજેટ પર વધારાનો બોજ પડી શકે છે.
BCG વેક્સીનનો ઉપયોગ મુખ્યત્વે ક્ષયરોગ (ટ્યુબરક્યુલોસિસ) સામે રક્ષણ આપવા માટે થાય છે, જ્યારે મીઝલ્સ અને MR વેક્સીન બાળકોને ગંભીર વાયરસજન્ય બીમારીઓથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બાળકોના સ્વાસ્થ્ય માટે આ રસીકરણ અત્યંત જરૂરી માનવામાં આવે છે. ભાવ વધારાને કારણે ખાનગી હોસ્પિટલ અને ક્લિનિકોમાં રસીકરણનો ખર્ચ વધુ વધી શકે છે.
વેક્સીનના ભાવમાં કેટલો વધારો થયો?
નવા સુધારેલા દરો અનુસાર બાળકોને આપવામાં આવતી કેટલીક મહત્વપૂર્ણ રસીના ભાવમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
- BCG વેક્સીન (0.10 ml પ્રતિ ડોઝ)નો ભાવ અગાઉ ₹8.20 હતો, જે હવે વધારીને ₹9.89 કરવામાં આવ્યો છે. એટલે કે પ્રતિ ડોઝ ₹1.69નો વધારો થયો છે.
- મીઝલ્સ-રુબેલા (MR) વેક્સીન (0.5 ml પ્રતિ વાયલ)નો ભાવ અગાઉ ₹72.90 હતો, જે હવે વધીને ₹87.93 થયો છે. એટલે કે પ્રતિ વાયલ ₹15.03નો વધારો નોંધાયો છે.
- મીઝલ્સ વેક્સીન (0.5 ml પ્રતિ વાયલ)ની કિંમત અગાઉ ₹51.40 હતી, જે હવે વધારીને ₹62 કરવામાં આવી છે. એટલે કે તેમાં ₹10.60નો વધારો કરવામાં આવ્યો છે.
કેન્સરની સારવાર પણ થઈ મોંઘી
માત્ર વેક્સીન જ નહીં, પરંતુ કેટલીક અગત્યની કેન્સર દવાઓના ભાવમાં પણ વધારો નોંધાયો છે. કેન્સરની સારવાર પહેલેથી જ ખર્ચાળ માનવામાં આવે છે અને હવે દવાઓના વધેલા ભાવ દર્દીઓ અને તેમના પરિવારો માટે વધુ પડકાર ઉભા કરી શકે છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે સારવારના ખર્ચમાં વધારો લાંબા ગાળે દર્દીઓની સારવારની ઉપલબ્ધતા અને સગવડતા પર અસર કરી શકે છે.
કેમ વધ્યા વેવેક્સીનના ભાવ?
વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ દવાઓ અને વેક્સીનના ઉત્પાદન ખર્ચમાં વધારો, કાચા માલની કિંમતમાં વધારો, પરિવહન ખર્ચ અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં આવેલા પડકારો જેવા પરિબળો આ ભાવવધારા પાછળ જવાબદાર હોઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આરોગ્ય ક્ષેત્રમાં મેડિકલ ઇન્ફ્લેશન સતત વધી રહી છે, જેના કારણે સામાન્ય લોકો માટે આરોગ્ય સેવાઓનો ખર્ચ વધતો ગયો છે.
રસીકરણમાં બેદરકારી રાખવી નહીં
આરોગ્ય નિષ્ણાતો ભારપૂર્વક કહે છે કે ભાવમાં વધારો થયો હોવા છતાં બાળકોના રસીકરણમાં કોઈપણ પ્રકારની બેદરકારી રાખવી જોઈએ નહીં. સમયસર રસીકરણ બાળકોને ગંભીર અને જીવલેણ બીમારીઓથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. સરકાર અને આરોગ્ય સંસ્થાઓ માટે હવે એ મહત્વપૂર્ણ બનશે કે તેઓ જરૂરી વેક્સીન અને જીવનરક્ષક દવાઓ સામાન્ય લોકો સુધી પરવડે તેવા દરે ઉપલબ્ધ રહે તેની વ્યવસ્થા કરે.
આ વધતા આરોગ્ય ખર્ચ વચ્ચે પરિવારો માટે પોતાના આરોગ્ય બજેટનું આયોજન વધુ જરૂરી બન્યું છે. ખાસ કરીને નાના બાળકો ધરાવતા પરિવારો અને લાંબા ગાળાની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે આ ભાવવધારો ચિંતાનો વિષય બની શકે છે.
