Shakti Cyclone: જો ‘શક્તિ વાવાઝોડું’ ગુજરાત તરફ ફંટાયુ તો શું થશે? કેટલી ખાનાખરાબી સર્જી શકે? વાંચો
શક્તિ વાવાઝોડાનું સંકટ હજુ પણ ગુજરાતમાં મંડરાઈ રહ્યું છે. હાલ તેની દિશા ઓમાન તરફ હોવાનું જણાઈ રહી છે પરંતુ હવામાન વિભાગના અનુમાન મુજબ 6 ઓક્ટોબરને આસપાસ વાવાઝોડું તેની દિશા ફેરવી શકે છે અને ગુજરાતના દરિયાકાંઠા પર તેની અસર થવાની શક્યતા છે.

જો વાવાઝોડું ગુજરાત તરફ આવશે તો શું થશે? આ પ્રશ્ન હાલમાં દરેક ગુજરાતીઓના મનમાં સૌથી મોટો ભય બની રહ્યો છે. વાવાઝોડું દરિયાકાંઠે ટકરાય ત્યારે સૌથી પહેલા તો કચ્છ, જાફરાબાદ, દીવ, દ્વારકા, પોરબંદર અને ભાવનગર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓ અસરગ્રસ્ત થશે. વધુમાં અહીં તોફાની પવન સાથે ભારે વરસાદ પડવાની શક્યતા પણ છે.
વાવાઝોડા દરમિયાન સૌથી મોટો ખતરો તોફાની પવનથી હોય છે. 100 થી 120 કિ.મી. પ્રતિ કલાકના પવનથી મકાનોની છત ઉડી શકે છે, ઝાડ પડી શકે છે અને વીજળી પુરવઠો ખોરવાઈ શકે છે. દરિયામાં ઊંચા મોજાં ઉછળતાં માછીમારો માટે મોટું જોખમ ઊભી થઈ શકે છે. આથી પહેલેથી જ દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવે છે.
વાવાઝોડું ગુજરાત તરફ આવશે તો શું થશે?
વાવાઝોડું આવે ત્યારે ભારે વરસાદથી શહેરોમાં પાણી ભરાઈ શકે છે, વાહનવ્યવહાર ખોરવાઈ શકે છે અને ગામડાઓમાં ખેતીને નુકસાન થવાની શક્યતા રહે છે. ખાસ કરીને કપાસ અને રવિ પાક પર ભારે અસર પડે છે. ગુજરાત પરથી ચોમાસાએ હજુ સંપૂર્ણપણે વિદાય નથી લીધી અને એવામાં હવે વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું છે પરંતુ 6 ઓક્ટોબરે તેની દિશા પરિવર્તિત થઈ ગુજરાત તરફ ફંટાઈ શકે છે.
5 ઓક્ટોબર સુધી શક્તિ વાવાઝોડું ગતિ પકડશે અને 6 ઓક્ટોબરે યુ-ટર્ન લેશે એવી આગાહી છે. જો કે, ગુજરાત તરફ વળ્યા બાદ વાવાઝોડું ધીમું પડશે. 7, 8 અને 9 ઓક્ટોબરે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે શું જણાવ્યું?
હવામાન વિભાગે જણાવ્યું છે કે, વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. પવનની ઝડપ 40 થી 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. 4 થી 7 ઓક્ટોબર દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં દરિયાની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેશે તેવી સંભાવના છે. માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટેની ચેતવણી આપવામાં આવી છે.
અંબાલાલ પટેલે શું આગાહી કરી?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઓમાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન હોવાને કારણે ગુજરાત પર જોખમ ટળી શકતું નથી. તેમણે જણાવ્યું કે, જામનગર, પોરબંદર, રાજકોટ, કચ્છ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ભારતમાં 4 થી 8 ઈંચ વરસાદ થઈ શકે છે અને તેના કારણે ઠંડી વધશે.
સામાન્ય રીતે જોવામાં આવે તો વાવાઝોડું ઓમાન તરફ જઇ રહ્યું છે પરંતુ આવતીકાલે યુ-ટર્ન લઈને ગુજરાત તરફ વળી શકે છે. જો કે, આ દરમિયાન તેની તીવ્રતા નબળી પડી શકે છે. આમાં સીધો ખતરો ન હોવા છતાં પણ ભેજવાળું વાતાવરણ અને ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે.
