Vav Tharad Local Body Election Result 2026 : નવ રચિત વાવ થરાદ પર ભાજપનો ભગવો, એક સિવાયના તમામ તાલુકાઓ ભાજપ હસ્તક
બનાસકાંઠા જિલ્લામાંથી લોકમાંગને કારણે અલગ કરાયેલ વાવ થરાદ જિલ્લામાં વિવિધ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આજે જાહેર થયેલા પરિણામોમાં, મોટા ભાગના તાલુકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. જો કે લાખણી તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો ત્રિરંગો લહેરાયો છે.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાંથી નવા રચાયેલા વાવ થરાદ જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો છે. વાવ થરાદ જિલ્લાની આઠ તાલુકા પંચાયત પૈકી પાંચ તાલુકા પંચાયત પર ભાજપે કબજો જમાવી દીધો છે. જો કે, લાખણી તાલુકા પંચાયત કોંગ્રેસ હસ્તક ગઈ છે. આ સમાચાર લખાઈ રહ્યાં છે તે સમયે, દિયોદર, ભાભરમાં ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષના સરખે સરખા ઉમેદવારો જીતી ચૂક્યા છે. પરંતુ બે-ત્રણ બેઠકોની મતગણતરી ચાલી રહી છે.
બનાસકાંઠા જિલ્લાના નાગરિકોની લોકમાંગને આધારે બનાસકાંઠામાંથી નવા રચાયેલા વાવ થરાદ જિલ્લાની આઠ તાલુકા પંચાયત પૈકી, પાંચ તાલુકા પંચાયતમાં ભાજપે જીત મેળવી છે. જેમા રાહ તાલુકા પંચાયત, વાવ તાલુકા પંચાયત, થરાદ તાલુકા પંચાયત, ધરણીધર તાલુકા પંચાયત અને સૂઈગામ તાલુકા પંચાયતમાં ભાજપે જીત મેળવી છે. વાવ થરાદથી લાખણી તાલુકા પંચાયત કોંગ્રેસે અંકે કરી છે.
વાવ થરાદ જિલ્લાની મુખ્ય તાલુકા પંચાયત એવી થરાદ તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઈ છે. તાલુકા પંચાયતની કૂલ 24 માંથી 17 બેઠકો પર ભાજપની જીત થવા પામી છે. જ્યારે કોંગ્રેસના ફાળે એક બેઠ જાય તેવી સ્થિતિ છે.
ધરણીધર તાલુકા પંચાયતમાં પણ ભાજપે જીત અંકે કરી છે. વાવ થરાદ તાલુકા પંચાયતની ધરણીધર તાલુકા પંચાયતની 16 માંથી 12 બેઠકો પર ભાજપની જીત થવા પામી છે. જો કે, કોગ્રેસની 2 બેઠક ઉપર જીત થઈ છે. જ્યારે બે બેઠક પર અપક્ષ ની જીત થઈ છે.
વાવ થરાદના સુઈગામ તાલુકા પંચાયત ઉપર પણ ભાજપની જીત થવા પામી છે. સૂઈગામ તાલુકા પંચાયતની કૂલ 16 માંથી 09 બેઠકો પર ભાજપની જીત થવા પામી છે. જ્યારે કોંગ્રેસની સાત બેઠકો પર જીત થઈ છે.
વાવ તાલુકા પંચાયતમાં પણ ભાજપની જીત થવા પામી છે. 16 માંથી 10 બેઠકો પર ભાજપની જીત થઈ છે. જ્યારે કોગ્રેસની 6 બેઠક પર જીત થવા પામી છે. રાહ તાલુકા પંચાયતમાં પણ ભાજપની જીત થઈ છે. 16 માંથી 12 બેઠકો પર ભાજપની જીત જ્યારે કોગ્રેસના ઉમેદવારોનો 4 બેઠક પર વિજય થયો છે. એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે.