વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના કેસમાં કોર્ટે ત્રણ આરોપીની જામીન અરજી ફગાવી છે. આરોપી નેહા દોષી, તેજલ દોષી અને જતિન દોષીએ કોર્ટ સમક્ષ જામીન માટે અરજી કરી હતી. જો કે કોર્ટે તેમના જામીનની અરજીને ફગાવી દીધી છે.
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કોર્ટમાં દલીલ કરતા કહ્યું હતું કે આરોપીઓને જામીન આપવાથી કેસની તપાસ પર વિપરિત અસર પડી શકે છે. પીડિત પરિવારના વકીલે પણ આરોપીઓને જામીન ન આપવા કોર્ટમાં રજૂઆત કરી હતી. કોર્ટે દલીલોને ગ્રાહ્ય રાખીને ત્રણેય આરોપીની જામીન અરજી ફગાવી. આમ દુર્ઘટના કેસના ત્રણેય આરોપીઓને હવે જેલમાં જ રહેવું પડશે.
બીજી તરફ વડોદરા હરણી બોટ દુર્ઘટનાના બંને આરોપીઓની રિમાન્ડ દરમિયાન પોલીસે પુછપરછ કરી. 5-5 ટકાના ભાગીદાર દીપેન અને ધર્મિલની પોલીસ રિમાન્ડ દરમિયાન પુછપરછ કરવામાં આવી. બંનેએ કોટિયા પ્રોજેક્ટમાં એક જ વર્ષમાં ભાગીદારી 60 ટકાથી ઘટાડી 10 ટકા કરી હતી. ભાગીદારી ઘટાડવા પાછળનું શું કારણ હોઈ શકે તેની તપાસ કરવામાં આવી રહી છે.
દુર્ઘટના બાદ દીપેન વડોદરાથી કરજણ ગયો હતો. કરજણથી કાર મારફતે મહારાષ્ટ્ર બોર્ડર પર પહોંચ્યો હતો. દીપેન શાહ પોલીસને સહકાર નથી આપી રહ્યો. પોલીસે મોબાઈલ ક્યાં ગયો, તેનો નંબર શું છે વગેરે પૂછતા દીપેન કહ્યું મને કંઇ જ ખબર નથી, ત્યારે હવે આરોપીઓના જામીન ફગાવાતા તેમની વધુ પુછપરછ કરવામાં આવશે.
વડોદરા જિલ્લા કલેકટરે હરણી બોટ દુર્ઘટના કેસનો રિપોર્ટ તૈયાર કરી દીધો છે. આખરે 19 દિવસે તપાસ રિપોર્ટ તૈયાર થઇ ગયો છે. સરકારે 10 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યો હતો. હવે બોટકાંડનો તપાસ રિપોર્ટ રાજ્ય સરકારમાં રજૂ કરવામાં આવશે.
વડોદરા જિલ્લા કલેકટરે તૈયાર કરેલા રિપોર્ટ બાદ બોટકાંડ પાછળના અસલી ચહેરાનો પર્દાફાશ થઇ શકે છે. વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકના મોત થયા હતા. જેમાં વધુ બે આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે.આરોપી દીપેન શાહ અને ધર્મીલ શાહની ધરપકડ કરવામાં આવી છે. જેઓ કોટિયા પ્રોજેકટમાં ભાગીદાર હતા.
Published On - 9:02 am, Sat, 10 February 24