Vadodara: રખડતા ઢોરે વધુ એક યુવાનનો લીધો જીવ, તંત્રની બેદરકારીથી મોત થયાનો પરિવારનો આક્ષેપ
એક તરફ વડોદરા કોર્પોરેશન (Vadodara Corporation) દાવા કરે છે કે રખડતા ઢોર (Stray cattle)ના નિવારણ માટે પગલા લેવાઈ રહ્યા છે. જો કે આ દાવા પોકળ સાબિત થતા દેખાઈ રહ્યા છે.

વડોદરા (Vadodara)માં રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. જેના કારણે આમ લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ કોર્પોરેશન દાવા કરે છે કે રખડતા ઢોર (Stray cattle)ના નિવારણ માટે પગલા લેવાઈ રહ્યા છે. જો કે આ દાવા પોકળ સાબિત થતા દેખાઈ રહ્યા છે. કારણકે વડોદરામાં રખડતા ઢોરે વધુ એક યુવાનનો જીવ લીધો છે. સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ નજીક રખડતા ઢોરે એક વાહનચાલકને અડફેટે લેતા વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
વડોદરામાં સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ નજીકથી એક વાહનચાલક પસાર થઇ રહ્યો હતો. આ સમયે રસ્તા પર ઢોર રખડતા હતા અને સ્ટ્રીટ લાઈટ બંધ હતી. સ્ટ્રીટ લાઈટ બંધ હોવાના કારણે વાહનચાલક ગાયો જોઈ શક્યો નહતો અને વાહન ચાલક યુવાન રખડતા ઢોરની અડફેટે આવી ગયો હતો. રખડતા ઢોર અને તંત્રની બેદરકારીએ કારણે આ યુવાનનો જીવ ગયો હોવાનો મૃતક યુવાનના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. કારણકે દીકરાના મૃત્યુથી પરિવારે પોતાનો સહારો ગુમાવ્યો છે. આ પહેલા પણ વડોદરામાં રખડતા ઢોરની અડફેટે અનેક લોકોએ પોતાના હાથપગ ગુમાવ્યા છે અથવા તો પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ફરી એક યુવાને પોતાનો જીવ ગુમાવતા પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
રખડતા ઢોરની સમસ્યાએ માઝા મુકી હોવા છતાં કોર્પોરેશન (Corporation) મોટી-મોટી ડિંગો હાંકવામાંથી બાઝ નથી આવી રહ્યુ. ખુદ અમારા સંવાદદાતાએ આ સ્થિતિ અંગે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે વાત કરી હતી. જેમાં તેઓ જણાવે છે કે પહેલા કરતા હાલ ઢોરને પકડવા માટેની ટીમ પણ વધારી છે અને તેમને રાખવાની વ્યવસ્થા પણ વધારી છે. આવનારા સમયમાં જે પ્રમાણે બેઠકો થઈ છે અને લોકો પણ જાગૃત બન્યા છે, ત્યારે કોર્પોરેશન પણ સજાગતાથી આ સમસ્યા દૂર કરવા માટે કામગીરી કરી રહ્યું છે.
હેલ્પલાઈન પર માત્ર ફરિયાદ લેવાય, ટીમ આવશે કે નહીં તેની ખાતરી નહીં
જો કે કોર્પોરેશન જે પ્રમાણે હેલ્પલાઈનનો દાવો કરે છે ત્યારે એ હેલ્પલાઈન પર પણ અમારા સંવાદદાતા દ્વારા ફોન લગાવી રિયાલિટી ચેક કરવામાં આવ્યુ. જેમાં અમે જાણવા માગતા હતા કે કોર્પોરેશનના હેલ્પલાઈન નંબરમાં ફરિયાદ નોંધાવ્યા બાદ કાર્યવાહી કરાય છે કે નહીં? અને જો કાર્યવાહી થાય છે તો કેવા પ્રકારની થાય છે ? ત્યારે અમારા સંવાદદાતાએ ખંડેરાવ ફ્રુટ માર્કેટથી હેલ્પલાઈન પર ફોન કર્યો. જેમાં હેલ્પલાઈન કર્મી પર ફરજ બજાવતી મહિલાએ કમ્પલેઈન તો લઈ લીધી, પરંતુ ઢોર પકડવા માટે ટીમ કેટલીવારમાં આવશે તેનો કોઈ યોગ્ય ઉત્તર આપ્યો ન હતો.