હરિધામ સોખડાના વારસદાર અંગે પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીનું સંયુકત નિવેદન, જાણો શું કહ્યું
26 સપ્ટેમ્બરે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અંતર્ધાન થયાનો દ્વિમાસિક સ્મૃતિદિન હોવાથી તેની પૂર્વસંધ્યાએ સ્મૃતિસ્થાને શાંતિથી દર્શન - ભજન થઈ શકે તે માટે કેટલાક ભક્તો એક દિવસ અગાઉ હરિધામ પહોંચ્યા હતા.
VADODARA : હરિપ્રસાદ સ્વામીજીના દ્વિમાસિક સ્મૃતિદિન પ્રસંગે હરિભક્તો હરિધામ મંદિરે પહોંચ્યા હતા અને હરિધામ મંદિરનાં સુકાન બાબતે હરિભક્તોએ ભક્તિસભર લાગણી વ્યક્ત કરી હતી. જો કે હરિધામ સોખડાના વારસદાર અંગે પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીનું સંયુકત નિવેદન સામે આવ્યું છે.
સંયુક્ત નિવેદનમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીએ સ્પષ્ટતા કરી હતી કે યોગી ડિવાઇન સોસાયટીના અધિષ્ઠાતા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અક્ષરધામગમન બાદ વારસદાર નક્કી કરવા કોઈ જ બેઠકનું આયોજન કરવામાં આવ્યું ન હતું. એ બાબતે સ્પષ્ટતા કરતાં હરિધામ મંદિરેથી પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધજીવન સ્વામીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે 26 સપ્ટેમ્બરે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અંતર્ધાન થયાનો દ્વિમાસિક સ્મૃતિદિન હોવાથી તેની પૂર્વસંધ્યાએ સ્મૃતિસ્થાને શાંતિથી દર્શન – ભજન થઈ શકે તે માટે કેટલાક ભક્તો એક દિવસ અગાઉ હરિધામ પહોંચ્યા હતા. ઉપસ્થિત ભક્તોમાંથી કેટલાક આગેવાન હરિભક્તોએ હરિધામ પરંપરાના ગાદીપતિ બાબતે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જેને વડીલ સંતો – હરિભક્તોની ઉપસ્થિતિમાં સાંભળવામાં આવી હતી.
આ નિવેદનમાં આગળ જણાવાયું છે કે, પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પચાસ વર્ષ પહેલાં યુગકાર્યની શરૂઆત કરી હતી. તેથી સ્વાભાવિક રીતે જ દેશ – વિદેશમાં બહોળો ભક્ત સમુદાય છે. પરમ પૂજ્ય સ્વામીજીની આજ્ઞાથી સંતો વિવિધ વિસ્તારો – પ્રદેશો – દેશોમાં વિચરણમાં જતા હોવાથી ત્યાંના ભક્તોને તેમના પ્રત્યે વિશિષ્ટ લાગણી હોય શકે છે. ભક્તો કોઈપણ પ્રસંગે એકત્ર થાય ત્યારે ઉચ્ચ સ્વરે ‘સ્વામિનારાયણ ‘ મહામંત્રની ધૂન કરીને કાર્યમાં પ્રભુની કૃપા માટે પ્રાર્થના કરે તે સંપ્રદાયની પ્રણાલિકા છે.
એ પ્રમાણે 25 સપ્ટેમ્બરે સાંજે પહેલાં ‘સ્વામિનારાયણ ‘ મહામંત્રની ધૂન કર્યા બાદ કેટલાક ભક્તોએ વડીલો પાસે પોતાની વાત મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ભક્તોએ વિવેકપૂર્વક રજૂ કરેલી લાગણી વડીલ સંતોએ શાંતિથી સાંભળી છે. હરિધામ પરંપરાના સૂત્રધારનો નિર્ણય પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજે જીવનપર્યત આપેલા આત્મીયતા તેમજ સંપ , સુહૃદભાવ , એકતા અને દાસત્વના ઉપદેશને દ્રષ્ટિમાં રાખીને જ કરવામાં આવશે તે સ્પષ્ટ છે.
પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં દિવ્ય અસ્થિને સ્વામિનારાયણ પરંપરાનાં પ્રાસાદિક સ્થળો ગઢડા , ગોંડલ, ચાણોદ , જુનાગઢ તેમજ હરિદ્વાર – ઋષિકેશ ખાતે વિસર્જિત કરવામાં આવનાર છે. તમામ ભક્તોને આ દિવ્ય પ્રસંગનો સારી રીતે લાભ મળે તે પ્રકારનાં આયોજન માટે વિચારવિમર્શ કરવાના હેતુથી 26 સપ્ટેમ્બરે સાંજે કાર્યકર્તાઓની એક બેઠક રાખવામાં આવી હતી. ભારે વરસાદની આગાહીને કારણે આ બેઠક મુલતવી રાખવામાં આવી છે. હરિધામના સૂત્રધારની વરણીનો કોઈ જ કાર્યક્રમ રાખવામાં આવ્યો ન્હોતો, તેવું આ નિવેદનના અંતમાં જણાવવામાં આવ્યું છે.