Ahmedabad Plane Crash : એક વાર આ ક્ષણ વિશે વિચારી જુઓ.. શું વીતી હશે, 150 થી વધુ મૃતદેહ ચકાસ્યા, તો પણ પત્નીનો મૃતદેહ ન મળ્યો..
અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 32 નાગરિકોના ડીએનએ નમૂના એકત્રિત કરવામાં આવ્યા છે. વડોદરાથી ત્રણ મેડિકલ અધિકારીઓને મદદ માટે મોકલવામાં આવ્યા છે. મૃતદેહોની ઓળખાણ અને પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે કેટલાક પરિવારે તેમના સ્વજનોને ઓળખવા અનેક મૃતદેહ ચકાસ્યા..

અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં સહાયરૂપ થવા વડોદરા જિલ્લાના આરોગ્ય વિભાગના ત્રણ મેડિકલ અધિકારીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. દુર્ઘટનામાં મૃત પામેલા શહેરના 32 નાગરિકોના ડીએનએ સેમ્પલ લેવા કરવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.
રવિવાર રાતથી મૃતદેહોની ઓળખની પ્રક્રિયા શરૂ થશે અને સોમવાર-મંગળવાર સુધીમાં તેમના પરિવારજનોને મૃતદેહો સોંપી દેવામાં આવશે. આ માટે 40 અધિકારીઓને જવાબદારી આપવામાં આવી છે.
ડીએનએ પ્રક્રિયામાં 40 અધિકારીઓની નિમણૂક: રહેવા અને સહાય માટે સંપૂર્ણ વ્યવસ્થા
વડોદરાથી આવેલા મૃતકોના પરિવારજનોને મદદરૂપ થવા માટે 40 ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેઓ પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવા, રહેઠાણ અને અન્ય સહાય માટે અમદાવાદમાં કાર્યરત છે. પરિવારજનો માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે.
“170થી વધુ મૃતદેહ જોયા, પણ કલ્પના ક્યાંય ન મળી…” – રાજેન્દ્રભાઈનો હૃદયદ્રાવક અનુભવ
રાજેન્દ્રભાઈએ જણાવ્યું કે, “મારો દીકરો છેલ્લા અઢી વર્ષથી લંડનમાં રહે છે. પત્ની કલ્પના તેને મળવા માટે લંડન જતી હતી. હું અને મારો નાનો દીકરો, જે હાલ 19 વર્ષનો છે, એમને એરપોર્ટ સુધી મુકવા ગયા હતા.” તેમણે વધુમાં કહ્યું, “કલ્પનાએ ગળામાં ચેન અને હાથમાં બ્રેસલેટ પહેર્યું હતું. દુર્ઘટના બાદ અમે તેની ઓળખ માટે એ જ આધારો શોધતા રહ્યા. પરંતુ તેમ છતાં તે ક્યાંય નજરે પડતી નહોતી.”
