ભારતીયોને હથકડી સાથે પરત મોકલવા મુદ્દે સંસદમાં હંગામો, વિપક્ષે સરકારને ઘેરી, પ્રિયંકાએ કહ્યુ મોદી ટ્રમ્પ સારા મિત્રો તો આવુ કેમ?
અમેરિકાએ ભારતીયોને પરત મોકલ્યા તેનાથી વધુ જે પ્રકારે તેઓને મોકલ્યા, તે ચિંતાનો વિષય છે. જાણે કે આ ભારતીયો કોઈ આતંકવાદીઓ હોય તેમ પગમાં અને હાથમાં સાંકળ બાંધીને તેઓને યાતના આપતા હોય તે પ્રકારે ભારત મોકલાયા છે. પરત આવેલા લોકો એવા ઘવાયા છે કે આ ટ્રોમા તેઓ ક્યારેય નહી ભૂલી શકે. આ મામલે હવે વિપક્ષ સરકારને ઘેરી રહી છે તો સરકારનું કહેવું છે કે વર્ષોથી અમેરિકા ગેરકાયદે લોકોને પરત મોકલી રહી છે, આ કોઈ પહેલીવાર નથી
અમેરિકાથી જે પ્રકારે ભારતીયોને વતન મોકલાયા છે તે સૌથી મોટું અપમાન નથી તો શું છે ? આ પ્રકારે પગમાં સાંકળ, હાથમાં હથકડી સાથે કોણ સામાન્ય લોકોને પરત મોકલે ? શું અમેરિકા એ વાતનો જવાબ આપશે કે આ લોકો આતંકી હતા ? શું તેઓએ તમારા દેશમાં કોઈ આતંકી હુમલા કર્યા હતા કે એમની સાથે પ્રાણીથી બદ્દતર વર્તન કરવામાં આવ્યું ? આ દ્રશ્યો અમેરિકાના અમાનવીય વલણના પુરાવા નથી તો બીજુ શું છે ? આ લોકોનું આ પ્રકારે અપમાન વિચાર કરો કે તેમના માનસ પર આજીવન રહેશે કે નહી ?
આ દ્રશ્યો સામે આવતાની સાથે જ દેશમાં રાજકારણ પણ બરાબરનું ગરમાયું છે…વિપક્ષે સંસદમાં પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિતના તમામ નેતાઓ જોવા મળ્યા હતા. તમામ લોકોએ કહ્યું કે આ ભારતનું અપમાન છે અને તે કોઈપણ સ્થિતિમાં ચલાવી લેવાય નહી
જોકે વિપક્ષે વાર કરતા સંસદમાં વિદેશ પ્રધાન એસ.જયશંકરે પણ ભાષણ આપ્યું જેમાં સ્થિતિ વિષે વાત કરી અને સાથે કહ્યુ કે આ કોઈ પહેલીવાર નથી અમેરિકા દ્વારા 2012થી ગેરકાયદે લોકોને પરત મોકલાય છે. US દ્વારા દેશનિકાલની પ્રક્રિયા ઈમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટ ICE ઓથોરિટી દ્વારા કરાઈ હતી. એરક્રાફ્ટ થકી દેશનિકાલની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા ICE દ્વારા 2012થી ચાલુ છે. જોકે અમને ICE દ્વારા જાણકારી અપાઈ છે સ્ત્રીઓ અને બાળકોને કેદ નહોતા કરાયા, તમામ લોકોને ખાવાનુ અને અન્ય તમામ ફેસિલિટી આપવામાં આવી હતી.
આ સાથે જ વિદેશપ્રધાને કહ્યુ હતુ કે અમે અમેરિકા સાથે સતત સંપર્કમાં છીએ, અને ચોક્કસ કરી રહ્યા છીએ કે પરત આવનારા કોઈપણને ક્યારેય અમાનવીય રીતે રાખવામાં ના આવે. સાથે જ તેઓએ ગેરકાયદે અમેરિકા મોકલતા લોકો પર પણ તવાઈ બોલાવવાની વાત કરી હતી.
જે પ્રકારે હાલ દેશભરમાં વીડિયો આવ્યા બાદ ઉહાપોહ જોવા મળી રહ્યો છે તેને જોતા સવાલ એ છે કે શું મામલો વધુ ગરમાશે ? શું રાજકીય ગરમાવો વધશે ? શું વિપક્ષ સરકારને વધુ ઘેરશે ? આ તમામ સવાલો હાલ છે. એ જોવું રહ્યું કે સરકાર આગામી દિવસોમાં આ મુદ્દાને કઈ રીતે હેન્ડલ કરે છે કારણ કે હાલ તો ભારતીયોનું અપમાન થયું છે અને તેનાથી સરકાર બેકફૂટ પર છે, તેમાં કોઈ બેમત નથી.