ગાંધીનગરમાં ટાઈફોઈડનો કહેર, TV9ના અહેવાલ બાદ તંત્ર એકશનમાં, ડેપ્યુટી CM હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
ગાંધીનગરમાં ટાઈફોઈડના વધતા કેસોને લઈ આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી.
શહેરમાં ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ 104 દર્દીઓ ટાઈફોઈડથી અસરગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 42 દર્દીઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આજે વધુ 17 શંકાસ્પદ કેસો સામે આવતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે.
TV9ના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ડેપ્યુટી CM હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને દર્દીઓ, ડૉક્ટરો તથા અધિકારીઓ સાથે ચર્ચા કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ત્યારબાદ સચિવાલયમાં કલેક્ટર, મનપા કમિશનર અને આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી, વધતા કેસોને અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી.
ટાઈફોઈડના કેસો વધવાનું મુખ્ય કારણ પીવાના પાણીમાં દૂષણ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. શહેરના સેક્ટર 24, 28 અને આદિવાડા વિસ્તારમાં વધુ કેસ નોંધાયા છે. સિટી ઈજનેરને પાઇપલાઇનમાં લીકેજ શોધી તાત્કાલિક સમારકામ કરવા આદેશ અપાયા છે. અત્યાર સુધીમાં 10થી વધુ લીકેજ શોધી તેનું સમારકામ કરવામાં આવ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા 40 ટીમના 80થી વધુ કર્મચારીઓને ડોર-ટુ-ડોર સર્વેમાં ઉતારવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 10 હજાર ઘરોમાં 38 હજાર લોકોનો સર્વે કરાયો છે. સાથે જ 20 હજાર ક્લોરિન ટેબ્લેટ અને 5 હજાર ORSના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. ટાઈફોઈડના 31 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેના કારણે પીડિયાટ્રિક વોર્ડમાં બાળ દર્દીઓની સંખ્યા વધી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં નવો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. હાલ 1 થી 16 વર્ષની ઉંમરના બાળકોમાં વધુ અસર જોવા મળી રહી છે.
ડૉક્ટરોના જણાવ્યા મુજબ બાળકોમાં તાવ, ઉલટી, ડાયેરિયા અને શરીર દુખાવાના લક્ષણો જોવા મળી રહ્યા છે. ડૉક્ટરોએ વાલીઓને બાળકોને ઉકાળેલું જ પાણી આપવાની અને બહારનું ખાવાનું ટાળવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ RR ટીમે સેક્ટર 24, 27 અને આદિવાડામાં તપાસ કરી હતી, જેમાં પાણી પીવા લાયક ન હોવાનું રિપોર્ટ આવ્યું હતું. માર્ગ-મકાન, પાણી પુરવઠા વિભાગ અને મહાનગરપાલિકાના સંકલનના અભાવે અનેક ખામીઓ સર્જાઈ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તંત્ર દ્વારા ઝડપથી કેસ ઓછા થાય તે દિશામાં કામગીરી હાથ ધરાઈ છે અને આગામી દિવસોમાં પરિસ્થિતિ કાબૂમાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.