અમદાવાદમા અકસ્માતનુ પ્રમાણ વધ્યુ, 3 દિવસમાં થયેલા 3 અકસ્માતમાં ત્રણના નિપજ્યા મોત
સવાલ એ થાય છે કે અમદાવાદ શહેરમાં આટ આટલી ઘટનાઓ બનવા છતાં હજુ લોકો જાગૃત બની રહ્યા નથી અને આડેધડ વાહનો ચલાવવાના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે.
અમદાવાદ (Ahmedabad) શહેરમાં વસ્તીની સાથેસાથે વાહનોની સંખ્યા પણ વધી રહી છે. જો કે ટ્રાફિક્ના નિયમનુ પાલન ના થતા અકસ્માતો(Accidents) વધી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં બનેલા અકસ્માતના ત્રણ બનાવમાં ત્રણ નિર્દોષ નાગરિકના મોત નિપજ્યા છે.
હાટકેશ્વર સર્કલની હચમચાવી દેનારી ઘટના
અમદાવાદ શહેરમાં ભારે વાહનોના લીધે એક બાદ એક લોકોના જીવ જઇ રહ્યા છે અને પોલીસ મુકપ્રેક્ષક બની ઘટનાઓની કાર્યવાહી કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. શુક્રવારે રાત્રે હાટકેશ્વર સર્કલ પાસે પણ આવી જ ઘટના બની. જેમાં જમીને ઘરે જતા દંપતીને એક ટ્રક ચાલકે ટક્કર લગાવતા મહિલા પર ટ્રક ફરી વળી હતી. આ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. આ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જોકે પોલીસે પણ હળવી કલમો લગાવી બેદરકારી દાખવી રહી હોય તેમ લાગી રહ્યું છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો દંપતી તેમના ભાઈના ઘરે જમીને વસ્ત્રાલ ખાતેના મકાને સુવા જતા હતા. એક્ટિવા લઈ જ્યારે પતિ પત્ની ઘરે જઇ રહ્યા હતા તે દરમિયાન સામેથી પુરઝડપે આવતા ટ્રકે દંપતીને અડફેટે લીધા હતા. ઘટનામાં વાહન ચલાવનાર યુવક પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે જ્યારે તેની પત્ની રોડ પર પટકાતા જ ટ્રકનું ટાયર તેમના પર ફરી વળતા ઘટના સ્થળે મહિલાનું મૃત્યુ નીપજ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રક ચાલક આગળ પણ એક કાર ચાલકને ટક્કર મારીને આવ્યો હતો અને બાદમાં વધુ એક અકસ્માત સર્જ્યો. આ ઘટનામાં હાલ આરોપી ફરાર છે. જેને શોધવા પોલીસે તપાસ શરૂ કરી.
નારોલ અને દુધેશ્વર બ્રિજ પાસે અકસ્માતમાં બેના મોત
તો આ અકસ્માતના પહેલાના બે દિવસમાં પણ અમદાવાદમાં અકસ્માતના બે બનાવ બન્યા હતા. નારોલ પાસે એક પિકઅપ વાને બાઇક સવારને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. તો દુધેશ્વર બ્રિજ પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું નીચે પટકાતા ઘટના સ્થળે મોત નીપજ્યું છે. આ બંને ઘટનામાં પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
પણ અહીં સવાલ એ થાય છે કે શહેરમાં આટ આટલી ઘટનાઓ બનવા છતાં હજુ લોકો જાગૃત બની રહ્યા નથી અને આડેધડ વાહનો ચલાવવાના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જેને રોકવા તેટલા જ જરૂરી છે. આ પ્રકારના અકસ્માતમાં જેની પણ ભૂલ છે તેની સામે પણ કડક કાર્યવાહીની જરૂર છે. જેથી સમાજમાં એક દાખલો ઉભો થાય અને આ પ્રકારના બનાવો ઓછા કરી શકાય.
આ પણ વાંચો-
ખાદ્ય તેલના ભાવોમાં ફરી વધારો, ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ.15નો વધારો
આ પણ વાંચો-