અમદાવાદના અસલાલી વિસ્તારમાંથી મળેલા મૃતદેહનો ભેદ 4 વર્ષે ઉકેલાયો, ચોરી કરતા પહેલા મૃતકે બેભાન કરવા માટેનું ઇન્જેક્શન પોતાના પર અજમાવ્યું
મહિલાએ દેણું થઈ જતાં પોતાના ક્લાઈન્ટ નાં ઘરે ચોરીનો બનાવ્યો પ્લાન, અન્ય વ્યક્તિએ ચોરી કરતા પહેલા બેભાન કરવા માટેનું ઇન્જેક્શન પોતાના પર અજમાવ્યું, ઓવરડોઝ થઈ જતાં મોત નિપજ્યું. ચાર વર્ષે મૃત્યુનો ભેદ ઉકેલાયો. જાણો શું બની સમગ્ર ઘટના
અમદાવાદમાં એક એવી ઘટના સામે આવી છે કે જેની કોઈ ફિલ્મથી ઓછી નથી. અમદાવાદમાં ચાર વર્ષ પહેલા શાહીબાગ વિસ્તારમાંથી એક વ્યક્તિ ગુમ થયો હતો. જેની જાણવા જોગ નોંધ શાહીબાગ પોલીસ મથકમાં થઈ હતી, તો બીજી તરફ અમદાવાદ જિલ્લાના અસલાલી વિસ્તારમાંથી ચાર વર્ષ પહેલા એક મૃતદેહ મળ્યો હતો. જેની ઓળખ નહિ થતા અસલાલી પોલીસ મથકમાં અકસ્માત મોતની ફરિયાદ નોંધાઈ હતી.
જોકે હવે ચાર વર્ષ બાદ ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢ્યું કે અસલાલી વિસ્તાર માંથી મળેલો મૃતદેહએ શાહીબાગ વિસ્તાર માંથી ગુમ થનાર વ્યક્તિનો જ છે. જોકે શા માટે આ વ્યક્તિ મૃત્યુ પામ્યો તેની તપાસ કરતા જે સામે આવ્યું તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાર વર્ષ પહેલા એટલે કે વર્ષ 2020માં બનેલી એક ઘટનાનું સત્ય સામે લાવવામાં સફળતા મળી છે. ચાર વર્ષ પહેલા શાહીબાગ વિસ્તારમાં રહેતા નિલેશ પરમાર નામનો વ્યક્તિ ગુમ થયો હતો. જેની આજ દિવસ સુધી કોઈ ભાળ મળી ન હતી, તો બીજી તરફ અમદાવાદ ગ્રામ્યના કમોડ થી પીરાણા તરફ જતા રસ્તામાં ખેતરમાંથી એક અજાણી વ્યક્તિનું મૃતદેહ મળ્યો હતો. તેની પણ આજ દિવસ સુધી ઓળખ થઈ હતી નહીં. જોકે હવે ચાર વર્ષ બાદ શાહીબાગમાંથી ગુમ થયેલો વ્યક્તિ અને ખેતર માંથી મળેલો મૃતદેહ બંને એક જ નિલેશ પરમાર હોવાનું સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
શાહીબાગમાંથી ગુમ થયેલા યુવકનો કેસ ઉકેલાયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી કે નિલેશ પરમાર નામના વ્યક્તિનું કઈ રીતે મોત થયું છે. શા માટે નિલેશ પરમારનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો. નિલેશ પરમાર દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે કે કોઈ દ્વારા તેની હત્યા થઈ છે. આ તમામ મુદ્દાઓને લઈને જ્યારે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી. ત્યારે એવી ચોંકાવનારી હકીકત સામે આવી કે જેનાથી પોલીસ પણ અચંભિત થઈ ગઈ.
નિલેશ પરમારના મૃત્યુની હકીકત શોધતા ક્રાઈમ બ્રાન્ચને ધ્યાને આવ્યું કે માર્ચ 2020 માં આંબાવાડી પરિમલ ગાર્ડનની પાસે આવેલા ક્રિષ્ના ફ્લેટમાં ભારતીબેન જૈન નામના મહિલા રહે છે. ભારતી હેલ્થ કેરની પ્રોડક્ટ વેચે છે અને અલગ અલગ લોકોને તેની કંપની પ્રોડકટની ચેઇનમાં જોડવાનું કામકાજ કરે છે. ભારતીને વર્ષ 2018માં 24 લાખ રૂપિયા અલગ અલગ કંપનીમાં રોકાણ કર્યું હતું.
જોકે કોરોના કાળ આવતા પોતાનો ધંધો બંધ થઈ ગયો હતો. જેને કારણે ભારતીને 24 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. જે દેવું ચૂકતે કરવા માટે ભારતીને ઘરમાં રહેલા દાગીના ફાઇનાન્સ કંપનીમાં આપી 24 લાખ રૂપિયા મેળવ્યા હતા, પરંતુ ફાઇનાન્સ કંપનીમાં દર મહિને ચૂકવવાના વ્યાજની રકમ ભારતી ચૂકવી શકતા ન હતા. જેને કારણે ભારતી તેના એક ક્લાઈન્ટના ઘરે ચોરી કરવાનું નક્કી કર્યું.
ભારતીએ બનાવ્યો ચોરીનો પ્લાન
ચોરી કરવા માટે ભારતી તેના ઓળખીતા પ્રવીણકુમાર દુબે કે જે ડાયાલિસિસ ટેક્નિશિયન છે તેની મદદ લીધી હતી. ભારતી પ્રવિણકુમાર દુબેને તેના ક્લાઈન્ટ રત્નાબેનના મકાનમાં ચોરી કરવા માટેનો પ્લાન જણાવ્યો હતો અને પ્લાન મુજબ ભારતી પ્રવિણકુમાર પાસેથી મિડડાઝોલમ ઇન્જેક્શન પણ લીધું હતું કે જેનાથી સામેવાળી વ્યક્તિને બેભાન કરી શકાય અને બેભાન થાય તે દરમિયાન ચોરીને અંજામ આપી શકાય.
ભારતી જૈન ડાયાલિસિ ટેકનીશિયન પ્રવિણકુમાર દુબે પાસેથી બેભાન કરવા માટેનું ઇન્જેક્શન મેળવ્યા બાદ ચોરીને અંજામ આપી શકે તેવા વ્યક્તિની વ્યવસ્થા કરવા માટે પણ જણાવ્યું હતું. જેથી પ્રવીણકુમાર દુબે ચોરીના પ્લાનને અંજામ આપવા તેના પરિચિત યોગેશ ઉર્ફે ભૂરાનો સંપર્ક કર્યો હતો, યોગેશ તેના પરિચિત રાકેશ કોષ્ટિને જણાવ્યું હતું. રાકેશ દ્વારા પણ ચોરી માટે ના પાડતા તેણે કમલેશ સોલંકીને ચોરી માટે કહ્યું હતું અને કમલેશ સોલંકી એ જિગ્નેશ સોલંકી થકી નિલેશ પરમારને ચોરી માટે જણાવતા આખરે નિલેશ પરમાર ચોરીને અંજામ આપવા તૈયારી દર્શાવી હતી.
નિલેશ પરમારને ભારતી સાથે સંપર્ક કરાવ્યો હતો અને બંને ભારતીના ઘરે ચોરીના પ્લાન મુજબ ભેગા થયા હતા. જોકે અગાઉ ભારતી અને નિલેશ પરમારે જ્યાં ચોરી કરવાની છે તેની રેકી પણ કરી હતી. જે બાદ ચોરીને અંજામ આપવા આવેલા નિલેશ પરમારે ભારતી દ્વારા મેળવેલું ઇન્જેક્શન કઈ રીતે કામ કરશે અને કેટલા સમય સુધી વ્યક્તિ બેભાન રહેશે તે જાણવા માટે ઇન્જેક્શનનો પોતાના પર જ ઉપયોગ કર્યો હતો. જો કે ત્રણ ચાર કલાક સુધી નિલેશ પરમાર ભાનમાં નહીં આવતા ભારતી પ્રવીણ દુબેનો કોન્ટેક્ટ કર્યો હતો. જે બાદ પ્રવીણ દુબે, રાકેશ અને યોગેશ ભારતીના ઘરે પહોંચ્યા હતા અને પ્રવીણ દુબે નિલેશ પરમારને તપાસતા તેમ મૃત્યુ પામ્યો હોવાની જાણ થઈ હતી.
નિલેશ પરમાર મિડડાઝોલમ ઇન્જેક્શનનો પ્રયોગ કર્યો
નિલેશ પરમાર મૃત્યુ પામ્યો હોવાનું જાણ થતા રીક્ષા લઈને આવેલા રાકેશ કોસ્ટી તેમજ યોગેશ અને પ્રવીણ દુબે દ્વારા નિલેશ પરમારનો મૃતદેહ રિક્ષામાં લઈ એસપી રીંગ રોડ પર ફર્યા હતા અને આખરે નિલેશ પરમારના મૃતદેહને કમોડ થી પીરાણા જવાના રોડ ઉપર આવેલા ખેતરમાં ફેંકી નાસી ગયા હતા. આ તમામ વ્યક્તિઓ એક ચોરીને અંજામ આપવા માટેનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ એક નાની અમથી ભૂલને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. પોલીસે તો હાલો સમગ્ર બનાવવાનો ભેદ ઉકેલ્યો છે. પરંતુ પોલીસ હવે કઈ કલમો હેઠળ ગુનો નોંધી શકાય તેને લઈને કાર્યવાહી શરૂ કરી છે.
મહત્વનું છે કે પોલીસ દ્વારા જે પ્રાથમિક તપાસ કરવામાં આવી અને તમામ લોકોની પૂછપરછ કરી તેમાં સામે આવ્યું કે આ સમગ્ર પ્લાન 10 થી 12 મહિનાથી ચાલી રહ્યો હતો અને જો ચોરી થાય અને જે પણ રૂપિયા આવે તેમાંથી ભારતીબેનનું 24 લાખ રૂપિયાનું દેણું છે તેટલા રૂપિયા ભારતીબેન રાખે અને બાકીના તમામ રૂપિયા અન્ય વ્યક્તિઓ વચ્ચે વહેંચવામાં આવે તેવી પણ નક્કી કરવામાં આવ્યું હતું. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા તમામ વ્યક્તિઓને શાહીબાગ પોલીસને સોંપ્યા છે. જે બાદ હવે શાહીબાગ પોલીસ દ્વારા ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.