રાજ્યમાં લુખ્ખા તત્વો બેફામ, છાશવારે બની રહી છે તોડફોડ મારામારી ઘટના, મોરબીમાં લુખ્ખાઓની તોડફોડના CCTV આવ્યા સામે-Video
ગુજરાતની શાંતિ ડહોળનારા તત્વો બેફામ થયા છે. ક્યારેક સોસાયટીમાં તેઓ આતંક ફેલાવે છે તો ક્યારેક સેવાભાવી સંસ્થાઓની ઓફિસમાં જઇને તોડફોડ કરે છે. આખરે કેમ લુખ્ખા તત્વોને પોલીસ કે કાયદનો ડર નથી.
ગુજરાતની શાંતિ ડહોળનારા તત્વો ફરી બેફામ થયા છે. ક્યારેક સોસાયટીમાં તેમનો આતંક જોવા મળે છે તો ક્યારેક સેવાભાવી સંસ્થાઓની ઓફિસમાં જઈ તોડફોડ કરે છે આખરે લુખ્ખા તત્વોને પોલીસ કે કાયદાનો ડર નથી. કેમ આવા તત્વો સામે કોઈ કાર્યવાહી થતી નથી. ગુજરાતના બે જિલ્લાઓમાં આ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં સૌપ્રથમ મોરબીની વાત કરીએ. મોરબીમાં જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેનની ઓફિસમાં તોડફોડના સીસીટીવી સામે આવ્યા છે. બીજા દૃશ્યો સંપતિ સેવાકીય સંસ્થાની ઓફિસમાં લુખ્ખાઓની તોડફોડના સામે આવ્યા છે.
લુખ્ખાઓએ અહીં તોડફોડ શા માટે કરી તેનુ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. આ ઘટના બાદ સંસ્થાના સંચાલક અજય લોરિયાએ પ્રતિક્રિયા આપી કે અમારા કાર્યમાં વિઘ્ન નાખવાનું કામ કેટલા લોકો કરી રહ્યા છે. જેઓ કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી તોડફોડ પણ કરી રહ્યાં છે. કેટલાક વિધ્ન સંતોષી માણસો આવું કામ કરી રહ્યા છે. જેથી અમે જયેશ કાસુન્દ્રા, પ્રકાશ ભૂત સહિત 3 અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. મોરબીના એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ તરફ ભાવનગરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જવાહર મેદાનમાં ક્રિકેટ રમી રહેલા યુવક પર 4થી 5 ઈસમોએ છરી વડે હુમલો કરતા યુવક ગંભીર ઈજાગ્રસ્ત થયો છે. અન્ય લોકોએ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. સાથે જ કેમ હુમલો કર્યો તેને લઇને હજુ સુધી કોઇ કારણ સામે આવ્યું નથી. પરંતુ હાજર લોકોએ સમગ્ર ઘટનાને નજરે જોઇ હતી. યુવકે કહ્યું કે મને ખ્યાલ જ નથી કે મને શું કામ માર મારવામાં આવ્યો. જેથી સવાલ થયા કે શા માટે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી નથી કરવામાં આવતી.