ચોરનો ભાઇ ઘંટી ચોર ! જાણો સુરતમાં એક ચોર સાથે બનેલી આવી જ એક ઘટના
Surat News : મીઠીખાડી નુરા નજીક કરિયાણાની દુકાનમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. દુકાનનું શટર ઉંચું કરીને ચોર દુકાનમાં ઘુસી ગયો હતો. જયાં તેણે ટેબલના ખાનામાં મુકેલા રોકડ 70 હજાર રૂપિયાની ચોરી કરી હતી.
સુરતના લિંબાયત વિસ્તારમાં ચોરનો ભાઇ ઘંટી ચોર જેવી ઘટના સામે આવી છે. મીઠીખાડી નુરા નજીક કરિયાણાની દુકાનમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. દુકાનનું શટર ઉંચું કરીને ચોર દુકાનમાં ઘુસી ગયો હતો. જયાં તેણે ટેબલના ખાનામાં મુકેલા રોકડ 70 હજાર રૂપિયાની ચોરી કરી હતી. ત્યારે બીજા બે ચોર આ ચોરને ચપ્પુ બતાવીને ચોરીનો માલ સામાન લઈને ફરાર થઈ જાય છે. ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જયાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક ચોર પાસેથી બીજા ચોરો ચપ્પુની અણીએ લૂંટ ચલાવે છે. જો કે પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ચોરને ચોર જ લૂંટી ગયો
સુરતના લીંબાયત સ્થિત પ્રતાપનગર પાસે રહેતા નુર મોહમદ જાન મોહમદ શેખ લીંબાયત સુગરાનગર પાસે કરીયાણાની દુકાન ધરાવે છે. ગત 27 ડીસેમ્બરના રોજ મોડી રાતે તસ્કરોએ તેઓની દુકાનને નિશાન બનાવી હતી. જેમાં તસ્કરો દુકાનનું શટર ઉચું કરી દુકાનમાં પ્રવેશ્યો હતો. દુકાનમાંથી 70 હજારની રોકડ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આશ્ચર્યની બાબતે છે કે ચોર હજી તો ચોરી કરીને શટર ઊંચું કરીને ફરીથી બહાર નીકળે છે, ત્યાં બીજો ચોર આવીને તેની પાસેથી રૂપિયા લઈ લે છે.
લીંબાયત પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ
કરિયાણાની દુકાનમાં થયેલી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. દુકાનમાં ચોરી થઇ હોવાનું માલુમ પડતા દુકાન માલિકે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા તપસ્યા હતા. જેમાં રાત્રીના 4 વાગ્યાની આસપાસ ત્રણેક જેટલા ઈસમો તેઓની દુકાનને નિશાન બનાવે છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે ચોર શટર ઊંચું કરીને બહાર આવી રહ્યો છે ત્યારે અન્ય એક ચોર તેને હથિયાર બતાવીને તેના પોકેટમાં જે રોકડ રકમ હતી તે લઈ લે છે. દુકાન માલિક નુર મોહમદ જાન મોહંમદ શેખે જણાવ્યું હતું કે, બેંકમાં ભરવા માટે દુકાનમાં રાખેલા 70 હજારની રોકડ ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા, બે લોકો દુકાન બહાર હતા અને એક વ્યક્તિ દુકાનમાં પ્રવેશી ચોરી કરતો કેમેરામાં દેખાયો છે. આ સમગ્ર મામલે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યુ કે પોલીસ આરોપીઓને જલ્દી પકડી લે તેવી અમારી માગ છે.