સુરતની ઉધના પોલીસે હનીટ્રેપ કરતી ગેંગને ઝડપી પાડી, જાણો કેવી રીતે રત્નકલાકારને ફસાવ્યો હતો
સુરતમાં (Surat) રત્નકલાકારને મળવાના બહાને બોલાવી હનીટ્રેપમાં ફસાવી તોડ કરતી ગેંગને ઉધના પોલીસે ઝડપી પાડી છે. પોલીસે એક મહિલા સહીત 5 લોકોની ધરપકડ કરી છે.
સુરતમાં રત્નકલાકારને મળવાના બહાને બોલાવી હનીટ્રેપમાં ફસાવી તોડ કરતી ગેંગને ઉધના પોલીસે ઝડપી પાડી છે. પોલીસે એક મહિલા સહીત 5 લોકોની ધરપકડ કરી છે. આ ગેંગે રત્નકલાકાર પાસેથી 5 લાખની માગ કરી 50 હજાર તેમજ તેણીની પત્નીના કાર્ડમાંથી 18,999 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.
રત્નકલાકારને જાળમાં ફસાવ્યો
સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતા 38 વર્ષીય રત્નકલાકાર 6 મહિના અગાઉ પલસાણા ખાતે ગયા હતા. ત્યાંથી તે પરત ફરી રહ્યા હતા. તે વખતે તેમના બાઇકમાં પેટ્રોલ પૂર્ણ થઇ ગયું હતું. આ દરમ્યાન એક વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને પોતાની બાઈકમાંથી પેટ્રોલ કાઢી રત્નકલાકારને આપ્યું હતું. બાદમાં પોતાનું નામ જીતુ જણાવી રત્નકલાકારને વિશ્વાસમાં લઇ તેનો નંબર મેળવી લીધો હતો. બાદમાં અવાર નવાર તે રત્નકલાકારને ફોન કરીને વાતચીત કરતો હતો.
એક મહિલા સાથે બિભત્સ વીડિયો બનાવી માગી ખંડણી
ગત 6 માર્ચના રોજ ફરીથી રત્નકલાકારને ફોન કરીને ઉધના ખાતે મળવા બોલાવ્યો હતો. જે પછી રત્નકલાકાર જીતુને મળવા ગયો હતો. જે પછી જીતુ રત્નકલાકારને ઉધના બીઆરસી મંદિર પાસે આવેલા શિવ શક્તિ એપાર્ટમેન્ટના આઠમાં માળે ચા પાણી પીવાના બહાને લઇ ગયો હતો. જ્યાં રત્નકલાકાર રૂમમાં પ્રવેશતા જ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ દરમિયાન રૂમમાં એક મહિલા હાજર હતી. થોડી જ વારમાં અજાણ્યા ત્રણથી ચાર લોકો રૂમમાં પ્રવેશ્યા હતા. જેમાં બે લોકોએ હાથકડી અને પોલીસના લોગો વાળા માસ્ક પહેર્યા હતા. આ ઈસમોએ રત્નકલાકારને ધાક ધમકીઓ આપી માર માર્યો હતો. સાથે મહિલા સાથે તેનો બીભત્સ વિડીયો ઉતારી લીધો હતો અને બાદમાં તેની પાસે 5 લાખ રૂપિયાની માગણી કરી હતી.
રત્નકલાકારની પત્નીના ક્રેડિક કાર્ડમાંથી રુપિયા ઉપાડ્યા
ડરી ગયેલા રત્નકલાકારે મિત્ર હસ્તક 50 હજાર રૂપિયા મગાવી આપ્યા હતા. તેમજ અન્ય આરોપીઓએ તેની પત્નીનું ક્રેડીટ કાર્ડ પણ લઇ લીધું હતું અને માર મારી તેનો નંબર મેળવી તેમાંથી 18,999 રૂપિયા પણ ઉપાડી લીધા હતા. બાદમાં રત્નકલાકારને કોઈને કહેશે તો જાનથી મારી નાખીશું તેમ કહી ધમકીઓ આપી હતી.
જો કે આ સમગ્ર મામલે રત્નકલાકારે હિંમત ભેગી કરી ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉધના પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને પોલીસે આ ઘટનામાં જીતું ઉર્ફે જીતેન્દ્ર ઓમપ્રકાશ શર્મા , રાજેશ ઉર્ફે રાજ શંભુભાઈ પાટીલ, સુનીલ પુન્જુ સૂર્યવંશી, જ્ગેશ્વર ઉર્ફે રાજા રામનરેશ ચૌધરી અને સુમા મિરાજ મહેબુબ શેખ નામની મહિલાની ધરપકડ કરી છે અને આ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.