Surat : વિમાનોના લેન્ડિંગમાં અવરોધરૂપ ઇમારતોના મામલે હાઇકોર્ટ જૂનમાં કરશે સુનાવણી
હાઈકોર્ટના (High Court) કડક વલણને કારણે મહાનગરપાલિકાએ પણ પ્રોજેક્ટને બીયુસી કેમ રદ ન કરવી જોઈએ તે અંગે નોટિસ આપી છે.
સુરત એરપોર્ટ(Airport ) રનવેની આસપાસ બનેલી બહુમાળી ઈમારતોનો (Building ) વિવાદ અવાર-નવાર સામે આવે છે. વિમાનોના લેન્ડિંગમાં અવરોધ ઉભી કરતી ઈમારતોના મામલામાં જૂનમાં (June ) હાઈકોર્ટમાં સુનાવણી થશે. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટ પિટિશન 63-2019ના કેસમાં પણ કાર્યવાહીના મૌખિક આદેશો આપવામાં આવ્યા હતા. જો કે એરપોર્ટ ઓથોરિટી દ્વારા રનવે ઓબ્સ્ટેકલ લિસ્ટ તૈયાર કર્યા બાદ લેવાયેલી કાર્યવાહી અંગે સુનાવણી બાકી છે. ત્યાં 20 એપ્રિલે ચીફ જસ્ટિસની કોર્ટમાં થયેલી સિવિલ એપ્લિકેશન પર આ કેસની સુનાવણી જૂનના ત્રીજા અઠવાડિયામાં રાખવામાં આવી છે.
સુરત એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “નડતરરૂપ બિલ્ડિંગની હાઈટની સમસ્યાના કારણે DGCAએ રન વેનો 615 મીટરનો ભાગ કાપી નાખ્યો છે.જેથી 2,950 મીટરના રન વેના બદલે ફક્ત 2,250 મીટર રન વેનો જ ઉપયોગ કરી શકાય એમ છે. ત્યારે જો બિલ્ડિંગની હાઈટ ઓછી કરવામાં આવે તો ફૂલ લેન્થ રન વેનો ઉપયોગ થઈ શકે છે અને ભવિષ્યમાં જો જરૂર જણાય તો 3,810 મીટર સુધી રન વેનું વિસ્તરણ પણ કરી શકાય.”
નોંધનીય છે કે કેટલીક ઊંચી ઇમારતો એરપોર્ટ પર ફ્લાઇટના લેન્ડિંગમાં અવરોધ ઉભી કરી રહી છે. હાઇકોર્ટ દ્વારા કાર્યવાહીના મૌખિક આદેશો આપ્યા બાદ AI દ્વારા આપવામાં આવેલા 27 અટકેલા પ્રોજેક્ટ્સના 108 ટાવરના AOC અંગે હાઇકોર્ટમાં વિવાદ ઊભો થયો હતો.
જોકે સમગ્ર વિવાદ બાદ એરપોર્ટ ઓથોરિટીએ સોગંદનામું આપ્યું હતું કે જે જગ્યાઓ માટે એનઓસી આપવામાં આવ્યું હતું ત્યાં બિલ્ડીંગનું નિર્માણ થયું નથી. આ અંગે હાઈકોર્ટના કડક વલણને કારણે મહાનગરપાલિકાએ પણ પ્રોજેક્ટને નોટિસ આપી બીયુસી કેમ રદ ન કરવી જોઈએ તે અંગે જણાવ્યું હતું. આ મામલે લાંબા સમયથી કોઈ કાર્યવાહી ન થતાં હાઈકોર્ટમાં રિટ પિટિશનર દ્વારા સિવિલ એપ્લીકેશન આપવામાં આવી છે. આ અરજીના આધારે, 63-2019 થી નોંધાયેલા આ કેસ પર મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં બોર્ડ પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલામાં આગામી સુનાવણી જૂનના ત્રીજા અઠવાડિયામાં થશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મહાનગરપાલિકાને એકશન ટેકન રિપોર્ટ સાથે હાજર થવા આદેશ કરાયો હતો. આગામી સુનાવણીમાં પાલિકા શું તૈયારી કરશે? તે જોવાની બાબત બની રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો