Surat: વિદેશ અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીઓએ વેકસીનેશન માટે લાઇન લગાવી
સુરત મહાનગરપાલિકા દ્વારા પાલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે પૈકી સોમવારે 247 વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવી છે.

કોરોનાના કેસોને (Corona Cases) કાબુમાં કરવા માટે સરકારે હવે તમામ મશીનરીને કામે લગાડી છે. સરકાર હવે વેક્સિનેશન (Vaccination) પર મહત્તમ ભાર આપી રહી છે. અભ્યાસ માટે વિદેશ જનાર વિદ્યાર્થીઓને પણ કમી નથી તેવામાં આવા વિદ્યાર્થીઓને વેક્સિન મુકવા માટે સરકારે જાહેરાત કરી છે.
સુરત શહેરમાંથી અભ્યાસ માટે વિદેશ જનાર આ વિદ્યાર્થીઓની સંખ્યા પણ સૌથી વધારે છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પાલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી સુરત મનપાને 1063 અરજીઓ મળી છે જે પૈકી સોમવારે 247 વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવી છે.
સુરત શહેરમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં વિધાર્થીઓ વિદેશ વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે જાય છે. ઓનલાઇન એક્ઝામ આપી કે વિદેશની કોલેજો કે યુનિવર્સિટીઓમાં લાખો રૂપિયા ફી ભરીને તેઓ પ્રવેશ લે છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોરોનાને કારણે સમગ્ર વિશ્વ એક બીજાથી કટ ઓફ થઈ ગયું હતું.
મહિનાઓ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ બંધ રહી હતી. યુનિવર્સિટી પણ બંધ હોય અનેક વિદ્યાર્થીઓ ભારત પાછા ફર્યા હતા. તો બીજી તરફ પ્રવેશ લેનારાઓને પણ એક વર્ષ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી પડી હતી.
પરંતુ હવે વિશ્વની જાણીતી યુનિવર્સિટીઓ તથા કોલેજોમાં ફરી અભ્યાસ શરુ થયો છે. ત્યારે વિદેશમાં અભ્યાસ માટે જવા માંગતા વિદ્યાર્થીઓએ વેક્સિન લેવાનું શરૂ કર્યું છે. વિદેશમાં વિવિધ ડિગ્રી મેળવવા માટે એડમીશન લેનારા વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન લીધા વિના પ્રવેશ નહીં આપવાના નિર્ણયને પગલે સરકારે તમામ ફોરેન સ્ટડી માટે જતા વિધાર્થીઓને તાત્કાલિક રસી આપવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણય અંતર્ગત સુરત મહાનગરપાલિકા અને અત્યાર સુધી 1067 જેટલી અરજીઓ મળી છે. જે પૈકી 247 વિદ્યાર્થીઓનું રસીકરણ કરી દેવાયું છે. જ્યારે આજે પણ 500 જેટલા વિદ્યાર્થીઓએ રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.