સુરત જિલ્લા પંચાયતનું 1662 કરોડનું બજેટ ફક્ત 26 મિનિટમાં મંજૂર
મજબૂત વિરોધ પક્ષ વિના અંદાજપત્રને માત્ર 26 મિનિટમાં મંજૂર કરી દેવાયું હતું. અધૂરામાં પૂરું હોય તેમ 7 મિનિટ તો શાસક પક્ષના બે સદસ્યોની પેન્શન મુદ્દે થયેલી ચડભડ માં ગઇ હતી. છેલ્લા ચારેક મહિના પછી મળેલી બજેટ બેઠકમાં હેડવાઇઝ ચર્ચા કરવામાં એકાદ સભ્યના અપવાદને બાદ કરતા સભ્યો ઠોઠ સાબિત થયા હતા.
સુરત જિલ્લાના (District ) વિકાસ માટે શાસક પક્ષ દ્વારા તૈયાર અંદાજપત્રમાં (Budget ) જિલ્લા માટે કરવામાં આવેલા વર્ષ 2022-23 નું રૂપિયા 1662.52 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
સુરત જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા છે ભાજપે અંદાજપત્રને વિકાસલક્ષી ગણાવ્યું હતું. ઉપરાંત પ્રમુખ ભાવેશ પટેલે હવે આપણે સૌએ બહુ લાંબો સમય અડચણ વેઠવી પડશે નહીં અને આગામી 16 માસમાં જિલ્લા પંચાયતનું નવું ભવન કાર્યરત થઇ જશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસના બે સદસ્યોએ આંકડાની માયાજાળવાળું બજેટ ગણાવીને વખોડી કાઢયું હતું.
સુરત જિલ્લા પંચાયતની બજેટ બેઠક જિલ્લા પંચાયત ભવનમાં પ્રમુખ ભાવેશ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વર્ષ છે 2022-23નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. સહકારી પ્રવૃત્તિ અને સ્વભંડોળની આવક મળીને કુલ સૂચિત અંદાજિત આવક 1662.53 કરોડ તથા આગામી વર્ષે અનુદાનની 990.38 કરોડ, દેવા વિભાગ 28 કરોડ તેમજ સ્વભંડોળનું 64.27 કરોડ મળી 1082.68 કરોડ રૂપિયાની આવક અંદાજવામાં આવી છે તેની સામે રૂપિયા 1027 કરોડ રૂપિયાના ખર્ચની જોગવાઇ ઓ કરી વર્ષના અંતે રૂપિયા 511.68 કરોડની પુરાંત રહેશે.
સ્વભંડોળમાં મુખ્યત્વે સામાન્ય વહીવટ, મહેકમના 4.13 કરોડ, મહેસુલ પંચાયતને વિકાસ ક્ષેત્રે 15.70 કરોડ, શિક્ષણ ક્ષેત્રે 4.78 કરોડ, આયુર્વેદિક અને આરોગ્યક્ષેત્રે 1.59 કરોડ, સંકલિત બાળ વિકાસ યોજના ક્ષેત્રે 36.88 લાખ. ખેતીવાડી ક્ષેત્રે 2.84 કરોડ, કુદરતી આફત જેવા સમય માટે 25 લાખ, સહકાર ક્ષેત્રે 3 લાખ, સિંચાઇ ક્ષેત્રે 7.06 કરોડ, જાહેર બાંધકામ ક્ષેત્રે 17.97 કરોડ, પરચુરણ કામો માટે 4.44 કરોડ મળીને બજેટનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરત જિલ્લા પંચાયતના સ્વભંડોળના રાજ્યના સૌથી મોટા બજેટને તમામ સદસ્યોએ આવકાર્યું હતું. જોકે મજબૂત વિરોધ પક્ષ વિના અંદાજપત્રને માત્ર 26 મિનિટમાં મંજૂર કરી દેવાયું હતું. અધૂરામાં પૂરું હોય તેમ 7 મિનિટ તો શાસક પક્ષના બે સદસ્યોની પેન્શન મુદ્દે થયેલી ચડભડ માં ગઇ હતી. છેલ્લા ચાર મહિના પછી મળેલી બજેટ બેઠકમાં ચર્ચા કરવામાં એકાદ સભ્યના અપવાદને બાદ કરતા સભ્યો ઠોઠ સાબિત થયા હતા. ઉપરાંત જિલ્લા પંચાયતનું નવા ભવન નું કામકાજ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આગામી 16 માસમાં આ નવું ભવન તૈયાર થઇ જશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.
15 માં નાણાપંચ અને સ્વભંડોળની રકમમાં થી માળખાકીય કામો કરાશે
રાજ્ય અને કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓમાં 15 માં નાણાપંચ અને સ્વભંડોળની સંયુક્ત રકમમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય કામો હાથ ધરવાની શાસક પક્ષે ખાતરી આપી હતી. જેમાં રસ્તા , પાણી , ગટર , સિચાઇ અને સફાઇ જેવી પાયાની સુવિધાઓ ઉપરાંત શિક્ષણ , આરોગ્ય અને આંગણવાડીના બાળકો માટેની સુવિધાઓમાં વધારો કરાશે. વધુમાં ખેડૂતો . પશુપાલકોની આર્થિક પ્રગતિ થાય તેવું આયોજન કરવાની તથા પછાત વર્ગના કલ્યાણ માટેની યોજનાઓના અમલીકરણ દ્વારા સ્થિતિ સુધારવાની ખાતરી આપી હતી .
અંદાજપત્રમાં નવા વર્ષમાં જિલ્લા માટે શું ? -પંચાયત ક્ષેત્રે સમરસ 78 ગ્રામ પંચાયતોને સોલાર પેનલ આપવા 2 કરોડની જોગવાઇ
-ધોરણ 1 થી 3ના વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપવાની યોજના માટે 1 કરોડ ની જોગવાઇ
-આઝાદીકા અમૃત મહોત્સવ માટે 5 લાખ ની જોગવાઇ
-મહાપુરુષોની જન્મ જયંતી ઉજવણી માટે 5 લાખ -લીલો પડવાસ જમીન સુધારણા માટે 50 લાખ
-અશક્ત તેમજ ખાંડા ઢોરો માટે ઘાસચારો ની યોજના પાછળ રૂપિયા 5 લાખ ની જોગવાઇ
-વિદેશ અભ્યાસ માટે શૈક્ષણિક સહાય , હળપતિ સમાજ તેમજ અન્ય પછાત વર્ગની દીકરીઓ માટે નાણાકીય સહાય યોજના માટે 15 લાખની જોગવાઇ કરવામાં આવી છે.
નિવૃત કર્મચારીના પેન્શન મુદ્દે શાસક પક્ષના બે ચેરમેન વચ્ચે ચણભડ
સામાન્ય સભામાં બહુમતીના જોરે બજેટ મંજૂર કરી દેવાયા બાદ જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ રોહિત પટેલ એ નિવૃત કર્મચારીના પેન્શનના મુદ્દે પોઇન્ટ ઉઠાવ્યો હતો જેને લઇને તેમની બાજુમાં જ આરૂઢ ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિના અધ્યક્ષ અફઝલ ખાન પઠાણે આવા પ્રશ્નો પક્ષની અંદરના છે આપણે જાહેરમાં ચર્ચા ન જોઇએ એમ કહેતા બંને વચ્ચે ચણભડ થઇ હતી જોકે પ્રમુખે વચ્ચે દરમિયાનગીરી કરીને બાજી સંભાળી લઇ બંને ચેરમેનને શાંત પાડ્યા હતા એટલે કે શાસક પક્ષમાં જ સંકલન નો અભાવ જોવા મળ્યો હતો .
આ પણ વાંચો :