Surat : પાર્કિંગની રામાયણ : ચૌટા બજારમાં રસ્તા પર પાર્ક કરાયેલા વાહનો પર બેનરો લગાવાતા વિવાદ વકર્યો
લારી - ગલ્લા અને ફેરિયાઓ દબાણ કરવાની સાથે હવે સ્થાનિકો સાથે માથાકુટ પણ કરી રહ્યા છે. આ સ્થિતિમાં જો વહેલી તકે આ સમસ્યા દુર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં અસામાજીક તત્વો એવા ફેરિયા અને સ્થાનિકો વચ્ચે નિશ્ચિતપણે ધિંગાણુ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
શહેરના (Surat )ચૌટા બજારમાં કાયમી દૂષણ(Nuisance ) સાબિત થઈ રહેલા દબાણો વિરૂદ્ધ હવે સ્થાનિકો આર-પારની લડાઈ લડી લેવાના મુડમાં હોય નજરે પડી રહ્યું છે. સુરત મનપા દ્વારા ચૌટા બજારમાં લારી – ગલ્લા અને ફેરિયાઓનું દબાણ દુર કરવા છતાં પણ સ્થાનિકો દ્વારા રસ્તાની વચ્ચોવચ્ચ ગાડીઓ પાર્ક(Parking ) કરીને પોતાનો વિરોધ અકબંધ રાખવામાં આવ્યો છે.
જોકે, હવે સ્થાનિકો અને જુના વેપારીઓ દ્વારા પોતાની ગાડીઓ પર બેનર લગાડીને તંત્ર અને દબાણકર્તાઓ વિરૂદ્ધ આક્રોશ ઠાલવવાની સાથે – સાથે નગરજનોને પડી રહેલી તકલીફ બદલ દિલગીરી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.શહેરના કોટ વિસ્તારમાં આવેલ ચૌટા બજારમાં લારી – ગલ્લા અને ફેરિયાઓના દબાણની સતત વધી રહેલી ફરિયાદ અને દાદાગીરી વચ્ચે હવે સ્થાનિકોનો આક્રોશ સાતમા આસમાને પહોંચી ચુક્યો છે.
હાલમાં જ એક મોટર સાયકલ સવાર યુવક સાથે માથાકુટ બાદ સ્થાનિકોએ દબાણના ન્યૂસન્સ સામે અનોખો વિરોધ શરૂ કર્યો છે. રસ્તાની વચ્ચોવચ્ચ ગાડીઓ પાર્ક કરવાને પગલે ફિક્સમાં મુકાયેલા વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે ચૌટા બજારમાં દબાણ દૂર કરવાની કામગીરી તો કરી હતી પરંતુ મનપાની ટીમની રવાનગી બાદ આ વિસ્તારમાં ફેરિયાઓ અને લારી – ગલ્લાવાળાઓનું ન્યૂસન્સ પુનઃ કાયમ થઈ જવા પામ્યું હતું.
આ સ્થિતિમાં આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા આ સમસ્યાના કાયમી નિકાલ માટે આર-પારની લડત શરૂ કરવામાં આવી છે. આજે માત્ર રહેવાસીઓ જ નહીં પરંતુ સ્થાનિક જુના વેપારીઓ દ્વારા પણ દબાણ વિરૂદ્ધ પોતાનો આક્રોશ અને વ્યથા ઠાલવવામાં આવી હતી. રસ્તાની વચ્ચોવચ્ચ ગાડીઓ પાર્ક કરવાની સાથે બેનરોમાં કરે કોઈ ભરે કોઈ… જુના વેપારી ચૌટા બજાર છોડવા મજબુર થઈ રહ્યા છે. ચૌટા બજારને બચાવવા સહકાર આપવાની સાથે લોકોને થઈ રહેલી તકલીફ બદલ પણ માફી માંગવામાં આવી છે.
આ સંદર્ભે વેપારીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ચૌટા બજારમાં દબાણની કાયમી સમસ્યા અંગે છાશવારે ફરિયાદો – રજુઆતો કરવા છતાં આ મુદ્દે કોઈ કાયમી સમાધાન કરવામાં તંત્ર વામણું પુરવાર થયું છે. લારી – ગલ્લા અને ફેરિયાઓ દબાણ કરવાની સાથે હવે સ્થાનિકો સાથે માથાકુટ પણ કરી રહ્યા છે. આ સ્થિતિમાં જો વહેલી તકે આ સમસ્યા દુર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં અસામાજીક તત્વો એવા ફેરિયા અને સ્થાનિકો વચ્ચે નિશ્ચિતપણે ધિંગાણુ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો :