સુરત (Surat) માં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) દ્વારા પદવી પ્રમાણપત્રો (Degree certificates) માટે કરવામાં આવેલો ફી વધારો અને ફોલ્ડર, કુરિયરના વિકલ્પો તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યા છે. સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારી અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા ફી વધારાનો વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને પદવી પ્રમાણપત્રની ફીમાં વધારો સ્થગિત કરી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ પ્રમાણપત્રો મેળવવા માટે અરજી ફોર્મમાં પાંચ વિકલ્પો આપવામાં આવ્યા હતા. પ્રથમ વિકલ્પ વિદ્યાર્થી જાતે ઉપસ્થિત રહી ફોલ્ડર સિવાય પદવી મેળવવા માંગતા હોય તેની ફી 250 રૂપિયા, બીજો વિકલ્પ વિદ્યાર્થીઓ જાતે ઉપસ્થિત રહી ફોલ્ડર સહિત પદવી મેળવવા માંગતા હોય તેની ફી 600 રૂપિયા, ત્રીજો વિકલ્પ વિદ્યાર્થી અનુપસ્થિત રહી કુરિયર દ્વારા વીમા સહિત ફોલ્ડર સિવાય પદવી મેળવવા માંગતા હોય તેની ફી 400 રૂપિયા, ચોથો વિકલ્પ વિદ્યાર્થી અનુપસ્થિત રહી કુરિયર દ્વારા વીમા અને ફોલ્ડર સહિત પદવી મેળવવા માંગતા હોય તેની ફી 750 રૂપિયા અને પાંચમો વિકલ્પ વિદ્યાર્થી અનુપસ્થિત રહી રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી ફોલ્ડર સિવાય પદવી મેળવવા માંગતા હોય તેની ફી 300 રૂપિયા રાખવામાં આવી હતી.
યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા ફી વધારવાનો વિરોધ પૂર્વ સિનિડકેટ અને સેનેટ સભ્ય ડો. ભાવેશ રબારી અને આપની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો અને ફી વધારો પરત ખેંચવા માંગ કરવામાં આવી હતી. જેને પગલે યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો જે મુજબ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા પાંચ વિકલ્પો પૈકીના પ્રથમ વિકલ્પ સિવાયના બાકીના વિકલ્પો હાલ પૂરતા તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યા છે. એટલે કે વિદ્યાર્થી જાતે ઉપસ્થિત રહી ફોલ્ડર સિવાય પદવી પ્રમાણપત્ર માટે 250 રૂપિયા ફી આપવાની રહેશે.
નોંધનીય છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ ઓગસ્ટ 2022માં યોજાવા જઇ રહ્યો છે. જેની તૈયારીઓ પણ યુનિવર્સીટી દ્વારા શરૂ કરવામાં આવી છે. જોકે હાલ પદવી પ્રમાણપત્રની ફીમાં કરવામાં આવેલા તોતિંગ વધારાથી યુનિવર્સીટી વિવાદમાં આવી હતી. પરંતુ સિન્ડિકેટ સભ્યો અને વિદ્યાર્થી સંગઠનોના વિરોધ બાદ યુનિવર્સીટી સંચાલકોએ આ નિર્ણય સ્થગિત કરવાની ફરજ પડી છે.