Surat : એસટીએમ કૌભાંડ મુદ્દે મનપા કચેરી પર હલ્લાબોલ, આપના 14 કોર્પોરેટરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ પાર્ટી ફંડ ભેગું કરવા માટે સુરત ટેકસટાઇલ માર્કેટમાં રૂપિયા 4 હજાર કરોડનો ગોટાળો કર્યો છે. અને સુરત મહાનગર પાલિકાની તિજોરી સાથે સુરતની જનતાને ડામ આપ્યો છે.
Surat : ગયા ગુરુવારે મનપાની સ્થાયી સમિતિની મિટિંગ મળે તે પહેલાં આમ આદમી પાર્ટીના (AAM Aadmi Party) નગરસેવકો (Corporators)દ્વારા સુરત ટેક્ષટાઇલ માર્કેટ મુદ્દે મિટિંગ હોલની બહાર જ બેનરો સાથે ભાજપ સરકાર ચોર છે અને સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ ચોર છે ના સૂત્રોચ્ચાર કર્યા હતા. જેથી આખરે શાસકોએ તાત્કાલિક પોલીસ (police) બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે અને માર્શલોએ નગર સેવકોની ટીંગાટોળી કરી ખસેડ્યા હતા. આ મુદ્દે ગતરોજ મનપા સિક્યુરિટીના વડા જાગ્રત નાયકે લાલગેટ પોલીસ મથકમાં આમ આદમી પાર્ટીના 14 કોર્પોરેટરો સામે સરકારી ફરજમાં રુકાવટ, છુટ્ટાહાથની મારામારી અને સ્થાયી સમિતિ અધ્યક્ષને અપમાનજનક શબ્દપ્રયોગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સુરત મહાનગર પાલિકાની ગયા ગુરુવારે સ્થાયી સમિતિની મિટિંગ મળી હતી. રિંગરોડ પર આવેલ સુરત ટેક્ષટાઇલ માર્કેટ વિવાદ વધુ ઘેરો બન્યો છે. શાસકોએ સત્તાના જોરે મનપા અને સુરતની જનતા સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાના આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ પાર્ટી ફંડ ભેગું કરવા માટે સુરત ટેકસટાઇલ માર્કેટમાં રૂપિયા 4 હજાર કરોડનો ગોટાળો કર્યો છે. અને સુરત મહાનગર પાલિકાની તિજોરી સાથે સુરતની જનતાને ડામ આપ્યો છે. ‘આપ’ના નેતા દ્વારા આ સમગ્ર કૌભાંડમાં સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલને જવાબદાર ઠેરવી તેમના રાજીનામાની માંગ કરવામાં આવી છે.
ગુરુવારે સ્થાયી સમિતિની મિટિંગ હોવાના કારણે આમ આદમી પાર્ટીના નગરસેવકોએ મિટિંગ હોલની બહાર હંગામો કર્યો હતો અને મિટિંગ હોલની બહાર રસ્તો બ્લોક કરી દીધો હતો.
જેથી શાસકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા લાલગેટ પીઆઇ તથા ચાર પીએસઆઇ સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અને માર્શલોએ આપ ના નગરસેવકોની ટીંગાટોળી કરી દૂર ખસેડ્યા હતા. આ સમયે પરેશ પટેલ મિટિંગમાં જવા માટે આવતા ‘આપ’ના નગરસેવકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
જેથી પોલીસ, માર્શલો અને નગરસેવકો વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. ત્યારે આ સમગ્ર કેસની અંદર સુરત મહાનગર પાલિકાના સિક્યુરિટીના વડા જાગૃત નાયક દ્વારા ગતરોજ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કોની – કોની સામે ફરિયાદ
જેમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણધણ, કનુ ગેડીયા, પાયલ સાકરીયા, ઘનશ્યામ મકવાણા, રાજેશ મોરડીયા, સેજલ માલવીયા, ધર્મેન્દ્ર વાવલિયા, કિરણ ખોખાણી, અશોક ધામી, શોભના કેવડિયા, જીતેન્દ્ર કાછડીયા, રચના હિરપરા, વિપુલ સુહાગીયા, દીપ્તિ સાકરીયા મળી કુલ ૧૪ સામે સરકારી ફરજમાં રૂકાવટ નો ગુનો નોંધાવ્યો છે. આ ઉપરાંત તેઓએ ફરિયાદમાં માર્શલ સાથે છુટ્ટા હાથની મારામારી કરી બળપ્રયોગ કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. એટલું જ નહીં જાગ્રત નાયકે આ ફરિયાદમાં સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલને બદનામ કરવા માટે ભાજપ સરકાર ચોર છે તથા ભાજપ હાય-હાયના નારા સાથે અપમાન જનક શબ્દપ્રયોગ કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરતાં લાલગેટ પોલીસે તમામ કોર્પોરેટરો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : કિવમાં ફાયરિંગ શરૂ થયું અને સૌરભે યુક્રેન છોડવાનો નિર્ણય લીધો, સૌરભની ચાર દિવસના સંઘર્ષ ગાથા જાણી તમે દ્રવી ઉઠશો