કિવમાં ફાયરિંગ શરૂ થયું અને સૌરભે યુક્રેન છોડવાનો નિર્ણય લીધો, સૌરભની ચાર દિવસના સંઘર્ષ ગાથા જાણી તમે દ્રવી ઉઠશો
લઘુત્તમ 10 ડિગ્રી તાપમાનમાં પોલેન્ડ બોર્ડર ઉપર રાત્રી વિતાવવી અત્યંત કઠીન હતું, કિવથી અલગ અલગ વાહન મારફતે અમે પોલેન્ડ બોર્ડર પહોંચ્યા. પરંતુ તે પૂર્વે 40 કિલોમીટર સુધી પગપાળા ચાલવું પડ્યું હતું ,સામાન ઊંચકીને પગપાળા ચાલવું અત્યંત મુશ્કેલ હતું.
વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતો સૌરભ પરમાર (Saurabh Parmar) તેના પિતાના ધંધામાં મદદરૂપ થતો હતો, પરંતુ આર્થિક રીતે સદ્ધર થવા અને અભ્યાસ કરવાના આશય સાથે અંદાજે છ માસ પૂર્વે સૌરભ પરમાર યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યો હતો. સૌરભ કિવમાં એક ભારતીયના રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હતો. અને યુક્રેનમાં (Ukraine)સ્થાયી થવાની કોશિશ કરતો હતો. ત્યાં જ અચાનક રશિયા અને યુક્રેન (Russia and Ukraine)વચ્ચે તંગદીલી સર્જાઈ અને યુદ્ધ ફાટી નીકળ્યું, બે દેશો વચ્ચે તંગદિલી ઉભી થઇ ત્યારે પ્રારંભિક તબક્કામાં તો નહોતું લાગતું કે યુદ્ધ (WAR) થશે. તેથી કિવમાં રહેતા અન્ય ભારતીયોની સાથે સૌરભ પણ કિવમાં રહ્યો. પરંતુ ૨૪મી ફેબ્રુઆરીના દિવસે બપોરે ફાયરિંગ અને ધડાકાઓના આવાજો સાંભળતા જ લાગ્યું કે હવે કિવમાં રહેવા જેવું નથી. તેથી સૌરભ કેટલાક અન્ય સાથીઓ સાથે યુક્રેન પોલેન્ડ બોર્ડર (Ukraine-Poland border)પર પહોંચી ગયો, સૌરભ પોલેન્ડ બોર્ડર પર પહોંચ્યો ત્યારે ભારે ભીડ દેખાતી હતી.
લાગતું હતું કે પોલેન્ડમાં આશરો મળી રહેશે. પરંતુ કેટલાક ડિપ્લોમેટિક કારણોસર પોલેન્ડ બોર્ડર ઉપરથી ભારતીયોને પોલેન્ડમાં એન્ટ્રી મળી રહી નહોતી. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ ઓપરેશન ગંગા અને કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે.સિંઘ સહિતની ટીમ પોલેન્ડ પહોંચતા સૌરભ સહિત જેટલા પણ લોકો ફસાયેલા હતા. તેઓને સહીસલામત વતન પરત આવવાનો માર્ગ મોકળો થયો. અને આખરે શુક્રવારે સૌરભ વતન વડોદરા પહોંચી શક્યો.
૨૪મીએ કિવમાં ફાયરિંગ શરૂ થયું ત્યારથી વડોદરા પરત ફર્યો ત્યાર સુધીની સફરની દાસ્તાન સૌરભે tv9 સમક્ષ વ્યક્ત કરી. તેમાં જે ત્રણ દિવસ અને ત્રણ રાત્રી પોલેન્ડ બોર્ડર ઉપર કાઢી તે અત્યંત ભયાનક અને તણાવભરી હોવાનું સૌરભે જણાવ્યું.
લઘુત્તમ ૧૦ ડિગ્રી તાપમાનમાં પોલેન્ડ બોર્ડર ઉપર રાત્રી વિતાવવી અત્યંત કઠીન હતું, કિવથી અલગ અલગ વાહન મારફતે અમે પોલેન્ડ બોર્ડર પહોંચ્યા. પરંતુ તે પૂર્વે 40 કિલોમીટર સુધી પગપાળા ચાલવું પડ્યું હતું ,સામાન ઊંચકીને પગપાળા ચાલવું અત્યંત મુશ્કેલ હતું. છતાં પણ કોઈપણ હિસાબે યુદ્ધગ્રસ્ત વિસ્તાર છોડવો હતો. એટલે અમે બોર્ડર સુધી પહોંચી ગયા. બોર્ડર પર તો પહોંચી ગયા. પરંતુ બોર્ડરમાં એન્ટ્રી આપવામાં આવતી ન હતી. મારી સાથે અન્ય સંખ્યાબંધ ભારતીય નાગરિકો પોલેન્ડમાં પ્રવેશની રાહ જોઇને બેઠા હતા કે ક્યારે સત્તાવાર પ્રવેશ મળી જાય. મારી પાસે ખાવાપીવા માટેની કેટલીક વસ્તુઓ હતી. પરંતુ ઘણા લોકો પાસે ખાવાની વસ્તુ ખૂટી રહી હતી.
શરીર અત્યંત થાકેલું હતું પરંતુ ઊંઘ આવતી નહોતી. ઊંઘવું હતું. પરંતુ ચિંતા અને તણાવની વચ્ચે ઊંઘી શકાતું નહોતું, ઘણી વખત ઉભા ઉભા ઊંઘતા હતા,ક્યારેક હું મારી સુટકેસ બેગના ટેકે ઝોકું મારી લેતો હતો. ક્યારેક બાજુમાં ઉભેલ વ્યક્તિ હોય અથવા તો બેઠેલ વ્યક્તિ હોય તેના ઉપર પડતો હતો, ક્યારેક બાજુવાળો મારી ઉપર પડતો હતો, 25થી 27 ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ અને ત્રણ રાત્રી અમે જે રીતે કાઢી છે તે ક્યારેય ભૂલી શકાય એવી નથી, થાક ઠંડી વચ્ચે સ્નો પડી રહ્યો હતો. છતાં ગમેતેમ સલામત રીતે ઘરે પહોંચવાનો દ્રઢ નિશ્ચય કરેલો હતો. અને આખરે સરકારની મદદથી અમે ઘરે સલામત પહોંચી ચુક્યા છે. ઇન્ડિયન એમ્બેસી તથા સરકાર અમને ખૂબ જ મદદ કરી છે અને તે માટે અમે ભારત સરકારના આભારી છીએ.
સૌરભના પિતા મનહરભાઈએ વાત કરતા જણાવ્યું કે જે રીતે રિપોર્ટ મળી રહ્યા હતા. અને જે દેશની પરિસ્થિતિ સર્જાઈ હતી. તેને કારણે અહીં ચિંતિત હતા. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સાથે સતત સંપર્કમાં હતા. સૌરભ સલામત રીતે પરત ફરે તેવા સતત પ્રયત્નોને કારણે આખરે સૌરભનો સંપર્ક થઈ શક્યો. અને કેન્દ્ર સરકાર દ્વારા ચાર મંત્રીઓને અલગ-અલગ દેશોની સરહદો પર ઓપરેશન સોંપવામાં આવ્યું. તેમાં જનરલ વી.કે. સિંઘ અને તેઓની ટીમ દ્વારા હાથ ધરાયેલ ઓપરેશન અંતર્ગત સૌરભ સલામત પાછો ફર્યો, સૌરભ પરત ફર્યો છે તેની ખુશી છે પરંતુ સૌરભની માફકજ ભારતીય ફસાયેલા છે તેઓ પણ વહેલી તકે વતન પરત ફરે તેવી તેઓએ પ્રાર્થના કરી હતી અને સાથે સરકારને વિનંતી પણ કરી હતી.
સૌરભે જણાવ્યું કે હજુ પણ સંખ્યાબંધ ભારતીયો વતન આવવાની રાહ જોઈ રહ્યા છે. જે ત્યાં હાજર હતા તેઓએ સૌ પ્રથમ યુવતીઓ હતી તેઓ વતન પહોંચી જાય તેના માટે પ્રાથમિકતા આપી હતી. પુરુષો કે જેમાં હવે નોકરિયાત વર્ગને મોટી ઉંમરના લોકો છે તેઓ ફસાયેલા છે તેઓ વહેલી તકે આવે તેના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ કેન્દ્ર સરકારે પણ હવે વધુ પ્રયત્ન કરવાની જરૂર છે કારણકે હવે યુક્રેનની પરિસ્થિતિ વધુ ભયાવહ થતી જઈ રહી છે.
આ પણ વાંચો : ST બસમાં અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચારઃ જાણો, પાસ નિઃશુલ્ક કરવા અંગે શું કર્યું પૂર્ણેશ મોદીએ
આ પણ વાંચો : રાજકોટમાં દેશનું પ્રથમ સૌરઉર્જા આધારીત પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ મૂકાયું, મુવેબલ સિગ્નલથી વીજળી અને ખર્ચની પણ બચત થશે