Surat: પ્રેમ પ્રકરણમાં થઈ યુવકની હત્યા, પોલીસે હત્યા કરનાર 4 ઇસમોને ઝડપી પાડ્યા, જાણો સમગ્ર મામલો
સુરતના ડિંડોલીમાં પ્રેમપ્રકરણને લઇને એક બુટલેગર યુવકને માથામાં સ્ટીલનો ફટકો મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પ્રેમસંબંધમાં બોલાચાલી થયા બાદ યુવકની હત્યા કરનાર ચારની ડિંડોલી પોલીસે ધરપકડ કરી હતી.

Surat: સુરતના ડિંડોલીમાં પ્રેમપ્રકરણને લઇને એક બુટલેગર યુવકને માથામાં સ્ટીલના રોડનો ફટકો મારીને હત્યા (Murder) કરી દેવામાં આવી હતી. પ્રેમસંબંધમાં બોલાચાલી થયા બાદ યુવકની હત્યા કરનાર ચારની ડિંડોલી પોલીસે ધરપકડ કરી હતી. હાલમાં પોલીસે ચાર ઈસમોની ધરપકડ કરી અને તપાસ હાથ ધરી છે કે હત્યા કયા કારણોસર કરવામાં આવી અને તેની પાછળ કોણ કોણ સંકળાયેલા છે. હત્યા કરનાર અને ધરપકડ થયેલી વ્યક્તિ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાની વાત સામે આવી રહી છે જેથી પોલીસ માટે તેમની તપાસ કરવી ખૂબ જ મહત્વની બની રહેશે.
પ્રાપ્ત વિગતો મુજબ સુરતના ડિંડોલીમાં નવાગામ પાસે લક્ષ્ણ નગર સોસાયટીમાં રહેતો ઉજ્જવલ રાજેશ ઉપાધ્યાય નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. જ્યારે રાત્રિના સમયે હત્યા કરવામાં આવી ત્યારે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. ત્યારે માહિતી મળી હતી કે, આ યોગ્ય હત્યા તેના મિત્રએ કરી છે અને ત્યાં ડીંડોલી પોલીસે આ હત્યા કરનાર ભૂષણ બંસીલાલ પાટીલ (રહે. નવાગામ ડિંડોલી), રાહુલ ઉર્ફે ભોલો પ્રજાપતિ (રહે.નવાગામ ડિંડોલી), સુનિલ ઉર્ફે સુનીયો આધાર પાટીલ (રહે. પ્રભુનગર, લિંબાયત) તેમજ ગજાનંદ ઉર્ફે ગજ્જુ સુભાષ પાટીલ (રહે. આરડી નગર, લિંબાયત)ને પકડી પાડવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા આ હત્યાનો ભેદ ઉકેલાયો હતો. ઉજ્જવલ અને ભૂષણ પાટીલની બહેન વચ્ચે પ્રેમસંબંધ હતો, આ વાતને લઇને ભૂષણ અને ઉજ્જવલ વચ્ચે મોબાઇલ ઉપર માથાકૂટ થઇ હતી. ત્યારબાદ ઉજ્જવલ અને તેનો મિત્ર ભૂષણને મળવા માટે ગયા હતા. ભૂષણ અને તેના બીજા મિત્રો ઓટલા ઉપર બેઠા હતા ત્યારે ઉજ્જવલે ભૂષણના મિત્ર સુનિલને કહ્યું કે, ‘મારી કોઇ ભુલ નથી, હું ભૂષણ સાથે આવું નહીં કરુ, તમારી ગેરસમજ થઇ છે’. આ દરમિયાન જ સુનિલે તેની પાસેના સ્ટીલના પાઇપ સાથે ઉજ્જવલને માથાના ભાગે હુમલો કરી દીધો હતો. ઉજ્જવલ ત્યાં જ ઓટલા પાસે બેભાન હાલતમાં નીચે પડ્યો હતો. ત્યારબાદ સુનિલ, ભૂષણ અને તેના બીજા બે મિત્રો ઉજ્જવલને માર મારવા લાગ્યા હતા. ઉજ્જવલને તાત્કાલીક સારવાર માટે 108 મારફતે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી ભૂષણ, સુનિલ, રાહુલ અને ગજાનંદ નામના યુવકની ધરપકડ કરી હતી.