Kamrej : પારડી નજીકની પાંજર ખાડી નજીક ઠલવાતો કચરો સ્થાનિકોના આરોગ્ય માટે ખતરા સમાન
કેમિકલ(Chemical ) યુક્ત અને ગંદકી વાળા સળગેલા કચરાનો ધુમાડો હવામાં ભળી જતા શ્વાસમાં ભળતા ટી.બી,દમ તેમજ અસ્થમા જેવા રોગને સીધું આમંત્રણ આપે છે.
સુરત (Surat )જિલ્લાના કામરેજ (Kamrej )તાલુકાના ધોરણ પારડી નજીક આવેલી પાંજર ખાડી પાસે ઠલવાતા કચરાના(Dust ) ઢગલા માનવ સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થાય તેવી સ્થિતિ છે. એક તરફ પર્યાવરણ બચાવ જાગૃતિ માટે મોટા ઉપાડે અભિયાન ચલાવતી સરકાર જાણે માત્ર જાહેરાત કરીને જ સંતોષ માની લેતી હોય તેવું લાગી રહ્યું છે. જેનો જીવતો જાગતો નમૂનો એટલે કામરેજ વિસ્તારના ચોર્યાસી ગામના વિજય પેટ્રોલ પમ્પની સામે ઘલા પાટીયા તરફ જતા ને.હા નંબર 48 પર આવેલી પાંજર ખાડીનો છેડો પુરો થતા બરાબર ને.હા નંબર 48 ને અડીને જ ગંદકી યુક્ત કચરાના ઢગના ખડકલો જોવા મળે છે.
વાહન વ્યવહારથી ધમધમતા ને.હા નંબર 48 ની લગોલગ આવેલા એ કચરાના ઢગલા માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યા છે. લીલો અને સૂકો કચરાના ઢગલાઓ જ્યારે તેને બાળી નાખવા સળગાવી દેવાતા હોય છે ત્યારે તેમાંથી નીકળતો ધુમાડો ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તેમજ હવામાં રહેલા ઓક્સિજનમાં ભળતા માનવ જીવન માટે ખતરાની ઘંટડી રૂપ કહી શકાય. કારણ કે કેમિકલ યુક્ત અને ગંદકી વાળા સળગેલા કચરાનો ધુમાડો હવામાં ભળી જતા શ્વાસમાં ભળતા ટી.બી,દમ તેમજ અસ્થમા જેવા રોગને સીધું આમંત્રણ આપે છે.
સ્થાનિકોના કહેવા પ્રમાણે અહીં છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા વકરી રહી છે. જેને દૂર કરવા માટે તંત્રનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે. છતાં આજ દિન સુધી તેનું નિરાકરણ આવી શક્યું નથી. લોકોનું એ પણ કહેવું છે કે ને.હા નંબર 48 ને અડીને આવેલા કચરાના ગંદકી યુક્ત ઢગલાઓ શુ ગુજરાત પર્યાવરણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓની નજરે નહીં પડતા હોય કે પછી તેઓ પણ આંખ આડા કાન કરી પ્રજાના સ્વાસ્થ્ય માટેની બીમારી માટે સીધા જવાબદાર બની રહ્યા છે.
કામરેજના સ્થાનિકો માંગણી કરી રહ્યા છે કે આ કચરાને તાત્કાલિક દૂર કરવામાં આવે એટલું જ નહીં અહીં કચરો ઠાલવવા માટે જવાબદાર લોકોને શોધીને તેમના વિરુદ્ધ પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં તેઓ આવી ગંદકી ફેલાવતા પહેલા દસ વખત વિચાર કરે.