Breaking News : લાંબા વિરામ બાદ મેઘ મહેર.. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ સહિતના વિસ્તારોમાં વરસાદ, જુઓ Video
રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘમહેર જોવા મળી.

રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળ્યું હતું. તાપીના ઉકાઈમાં સૌથી વધુ 11.81 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે સુરતના ઉમરપાડામાં 8.35 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ડાંગના સુબીરમાં 5.71 ઈંચ અને વઘઈમાં 5.67 ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યના 13 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 30 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 60 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદના કારણે ઊભા પાકને પણ નવજીવન મળ્યું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
તાપી જિલ્લામાં મેઘમહેર
તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ સાર્વત્રિક વરસાદથી મેઘમહેર જોવા મળી છે. જિલ્લામાં ઉકાઈમાં સૌથી વધુ 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સોનગઢમાં 5.31 ઈંચ, ઉચ્છલમાં 3.81 ઈંચ અને વ્યારામાં 2.2 ઈંચ વરસાદ વરસ્યો છે. ડોલવણ અને વાલોડમાં પણ 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે નિઝર તાલુકામાં 7 મિમી અને કુકરમુંડામાં 6 મિમી વરસાદ નોંધાયો છે.
લાંબા સમય બાદ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વરસાદથી ખેતરોમાં ઊભા પાકને રાહત મળી છે. સાર્વત્રિક વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. જોકે, મુશળધાર વરસાદ બાદ હાલમાં વરસાદે વિરામ લીધો છે.
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ
સુરત જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ વરસાદે જોર પકડ્યું છે. ઓલપાડ, માંડવી અને માંગરોળ સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. કરંજ, તડકેશ્વર અને કીમ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
વરસાદને કારણે ગણપતિ આગમનની તૈયારીઓમાં પણ વિઘ્ન સર્જાયું છે. બીજી તરફ, વરસાદ વરસતાં ખેતરોમાં ઊભા પાકને જીવનદાન મળ્યું છે. ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે.
ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
ભરૂચ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. મુખ્ય માર્ગો સહિત ગણેશ પંડાલોમાં પણ પાણી ભરાતાં લોકોની મુશ્કેલી વધી હતી. અંકલેશ્વરમાં પણ આશરે 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ભરૂચ જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અંકલેશ્વરમાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભરૂચ અને હાંસોટમાં 3 ઈંચ, વાલિયામાં 2.5 ઈંચ તથા ઝઘડિયા અને નેત્રંગમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. વાગરામાં 1.5 ઈંચ અને જંબુસરમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. સાર્વત્રિક વરસાદના કારણે જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ડાંગ જિલ્લામાં ફરી મેઘમહેર
ડાંગ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં આહવામાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. સાપુતારામાં 2.73 ઈંચ, વઘઈમાં 5.63 ઈંચ અને સુબીરમાં 5.92 ઈંચ વરસાદ વરસ્યો છે.
ભારે વરસાદના કારણે ડાંગના ઝરણાં અને ધોધ ફરી જીવંત બન્યા છે. અંબિકા નદીમાં પાણીની આવક વધતાં ગીરા ધોધનું નયનરમ્ય દૃશ્ય જોવા મળી રહ્યું છે. વરસાદ બાદ ડાંગની પ્રાકૃતિક સુંદરતામાં પણ વધારો થયો છે.
નવસારી જિલ્લામાં તમામ તાલુકામાં વરસાદ
નવસારી જિલ્લામાં મોડી રાતથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. નવસારી, જલાલપોર અને ગણદેવી ઉપરાંત ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે.
સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદના કારણે ડાંગર, શેરડી અને શાકભાજીના પાકને રાહત મળી છે. લાંબા વિરામ બાદ થયેલા વરસાદથી ખેતી માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે.
નર્મદા જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રી
નર્મદા જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા વરસ્યા છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 2.57 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ડેડિયાપાડા તાલુકામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ થયેલા વરસાદથી ખેડૂતોને રાહત મળી છે અને જિલ્લામાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે.
સુરતના આ વિસ્તારોમાં 15 દિવસથી પાણી જ નથી આવ્યું, લોકોમાં રોષનો ભડકો, જુઓ Video
