Surat: અડાજણમાં વાન ચાલકના નામે કંપની બનાવી થતી GSTની ચોરી ઝડપાઈ, ઇકો સેલે 2 આરોપીઓની કરી ધરપકડ
Surat News: ભેજાબાજોએ વાન ચાલકના નામે વેસ્ટ અને સ્ક્રેપનો ધંધો કરતી કંપની બનાવી 3.71 કરોડના 27 ખોટા બીલ પણ બનાવી લીધા હતા. વાન ચાલક ખાતામાંથી પૈસા ન ઉપાડી શકતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
સુરતના અડાજણમાં શાળાના વાન ચાલકના નામે બોગસ કંપની બનાવી GST ચોરી ઝડપાઈ છે. ઇકોસેલે CA નીતિન મહેશ્વરી અને મહેશ રાઠી નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપીઓએ વાન ચાલકના નામે રૂદ્ર એન્ટરપ્રાઈઝ નામની કંપની બનાવી હતી. ભેજાબાજોએ વાન ચાલકના નામે વેસ્ટ અને સ્ક્રેપનો ધંધો કરતી કંપની બનાવી 3.71 કરોડના 27 ખોટા બીલ પણ બનાવી લીધા હતા. વાન ચાલક ખાતામાંથી પૈસા ન ઉપાડી શકતા સમગ્ર મામલો સામે આવ્યો છે. સમગ્ર મામલે વાન ચાલકની ફરિયાદના આધારે પોલીસે CA અને દંપતી સહિત 7 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્કૂલવાનના ડ્રાયવરના નામે કંપની બનાવી
સુરતમાં સ્કૂલવાનના ડ્રાયવરના નામે કંપની બનાવી GST ચોરી કરી બીજી કંપની ચલાવતા હોવાનું સામે આવ્યું હતુ. રિંગરોડ પર 21st સેન્ચુરી કોમ્પ્લેક્સમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીતિન મહેશ્વરીને ત્યાં અરવિંદ બાલુ વોરાની શિવધારા ક્રિએશન અને અનસુર્યા વોરાની ઝરણા ફેશનનું GST-IT રીટર્નનું કામ કરતા હતા. તેમણે જ પોતાનું કરતબ અજમાવી સ્કૂલવાનના ડ્રાયવરના નામે કંપની બનાવી હતી. સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે સ્કૂલબસ ચાલકના નામે સવા કરોડનો ટેક્સ બાકી બોલતો હતો.
બંને આરોપીની ધરપકડ
રાજેશ પવારના નામની રૂદ્રા એન્ટરપ્રાઈઝ નામની કંપની વેસ્ટ-સ્ક્રેપનો ધંધો કરે છે એવુ બતાવ્યું હતું. કંપનીનો જીએસટી મેળવી ઇન્ટરેસ્ટ-પેનલ્ટી સાથે 1.16 કરોડનો ટેક્સ બાકી હતો. રાજેશના સસરા દીલીપ ભુવડના નામનો 9-9-18એ કન્સન્ટ લેટર આપેલો હતો. જેમાં રાજેશનો વેપાર ધંધો રૂદ્ર એન્ટરપ્રાઇઝના નામથી તેઓની પ્રોપર્ટીમાં કરવા અંગેનો ઉલ્લેખ છે. રાજેશના સસરા 6-9-1997માં મરણ પામ્યા હતા. એટલે ખોટો કન્સન્ટ બનાવ્યો હતો. જેમાં પોલીસે નીતિન કૈલાશ મહેશ્વરી અને મહેશ સાગર રાઠીની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં 1 હજાર કરોડની પકડાયેલી જીએસટી ચોરીમાં પણ ભંગારના વેપારી હોવાનું ખૂલ્યું હતું. કરોડોના ખોટા બીલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કહેવાથી મહેશ રાઠીએ અન્યની પાસે બનાવ્યા હતા. સુરત શહેરમાં કરોડો રૂપિયાના ખોટા બિલો બનાવી GST ચોરી કરવાના ગુનામાં અરવિંદ બાલુ વોરા અને તેની પત્ની અનસુર્યા અરવિંદ વોરા, દિપક મનજી મકરૂબીયા અને નીરૂસ એન્સેમ્બલ્સ અને રમેશ ગોપીરામ ગોયલ ભાગતા ફરે છે.
માલ ખરીદ્યો ન હોવા છતાં ડમી પેઢી રૂદ્રા એન્ટરપ્રાઇઝમાંથી માલ ખરીદીની ખોટી રીતે જીએસટીમાં ક્રેડિટ મેળવતી કંપનીઓ બોગસ બીલોની રકમ અરવિંદ વોરા-શિવધારા ક્રિએશન-2.45 કરોડ, અનસુર્યા અરવિંદ વોરા-ઝરણા ફેશન-3.71 કરોડ, દિપક મનજી મકરૂબીયા-2.49 કરોડ, નીરૂલ ઈન્સેમ્બલ્સ-31.92 લાખ, રમેશ ગોપીરામ ગોયલ-27.68 લાખ રુપિયા હતી. જેથી ઇકો સેલે તાત્કાલિક કાર્યવાહી કરી ચાર્ટર્ડ એકાઉન્ટ નીતિન મહેશ્વરી અને મહેશ રાઠી નામના બે આરોપી ઝડપી પાડયા હતા. હાલ પોલીસે અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.