Breaking News: સુરતમાં કાપોદ્રામાં વધુ એક 20 વર્ષિય યુવકનું હાર્ટએટેકથી મોત, ગોડાદરામાં 13 વર્ષની વિદ્યાર્થિનીનું બેભાન થયા બાદ મોત
Surat: સુરતમાં વધુ એક યુવાને હાર્ટએટેકમાં જીવ ગુમાવ્યો છે. કાપોદ્રામાં બપોરે જમ્યા બાદ બેભાન થઈ જતા રત્નકલાકારનું મોત નિપજ્યુ છે. યુવકનું હાર્ટએટેકથી મોત થયુ હોવાનું પ્રાથમિક તારણ છે. બેભાન થયા બાદ યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનુ મોત થયુ હતુ. હાલ યુવકની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડાઈ છે

Surat: ‘સાયલન્ટ કિલર’ સતત યુવાઓનો ભોગ લઈ રહ્યો છે. ત્યારે સુરતમાં વધુ એક 20 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. કાપોદ્રામાં બપોરના જમ્યા બાદ બેભાન થઈ જતા રત્નકલાકારનું મોત નિપજ્યું. હાર્ટએટેકથી યુવકનું મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. બેભાન થઈ જતા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકે દમ તોડ્યો. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોત અંગે વધુ માહિતી સામે આવશે.
ગોડાદરામાં આઠમાં ધોરણની વિદ્યાર્થિનીનું મોત
સુરતના ગોડાદરામાં 8 માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનુ અચાનક મોત નિપજ્યુ છે. શાળામાં બેભાન થયા બાદ 13 વર્ષિય વિદ્યાર્થિનીનું મોત થયુ હતુ. જો કે વિદ્યાર્થિનીના મોતનું સચોટ કારણ તો પીએમ થયા બાદ જ સામે આવશે. વિદ્યાર્થિનીના મોતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
કતારગામમાં 30 વર્ષિય યુવકનું હાર્ટએટેકથી થયુ મોત
આ અગાઉ કતારગામમાં પણ ગઈકાલે એક 30 વર્ષિય યુવકને ઉંઘમાં જ એટેક આવતા મોત નિપજ્યુ છે. રાત્રે મિત્ર સાથે જમીને ઘરે આવી યુવક ઉંઘી ગયો હતો. ઉંઘમાં જ એટેક આવતા મોત નિપજ્યુ હતુ. મૃત એમ્બ્રોઈડરીના કારખાનામાં નોકરી કરતો હતો.
અમદાવાદના વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત
આ તરફ અમદાવાદમાં ખાનપુર વિસ્તારમાં રહેતા 29 વર્ષિય યુવકને હાર્ટે એટેક આવ્યો છે. રાજસ્થાનથી તીર્થયાત્રા કરી પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાં હાર્ટ એટેક આવ્યો હતો. મૃતક યુવક 2 વર્ષની નાની દીકરી, પત્ની અને પરીવાર સાથે યાત્રા પર ગયો હતો.
કોરોના બાદ યુવાનોમાં હાર્ટએટેકના વધ્યા બનાવો
કોરોના બાદ દેશભરમાંથી એવા વીડિયો સામે આવી રહ્યા છે. જેમા સ્વસ્થ દેખાતા લોકો પણ અચાનક ઢળી પડે છે અને તેમનુ ઘડીના છઠ્ઠા ભાગમાં મૃત્યુ થઈ જાય છે. એ જીમમાં વર્કઆઉટ કરતા હોય કે પછી ડાન્સ કરી રહ્યા હોય. એ ગરબા રમતા હોય કે રનિંગ કરી રહ્યા હોય. રેગ્યુલર જીમમાં જનારા અને ફિટનેસ પ્રત્યે જાગૃત યુવાનોના પણ અચાનક હાર્ટએટેક આવવાથી મોત થવાના બનાવો વધ્યા છે. એક દિવસ પહેલા જ રાજકોટમાં 23 વર્ષિય યુવક ગરબા રમતા રમતા ઢળી પડ્યો અને તેનુ મોત થયુ હતુ. ગરબાનો શોખીન, તરવરાટથી ભરપુર યુવક ગરબા રમતા રમતા જ ઢળી પડ્યો હતો. આ તરફ અમદાવાદમાં પણ 32 વર્ષિય યુવકનું પણ ગરબાની પ્રેકટિસ દરમિયાન અચાનક હાર્ટ એટેક આવતા મોત થયુ હતુ.
નિષ્ણાતોનું માનીએ તો હાર્ટ એટેક પાછળ એક કારણ વ્યસન પણ છે. યુવાનોમાં વ્યસનનું પ્રમાણ ખૂબ જ વધારે છે. તમાકુ, ધુમ્રપાન અને દારૂના સેવનને કારણે યુવાનોમાં હૃદય રોગનું જોખમ વધી રહ્યું છે. બીજી તરફ આજકાલની લાઇફ સ્ટાઇલ એ પ્રકારની છે કે, યુવાનો માનસિક તણાવમાં જીવી રહ્યા છે. જેના કારણે યુવાનોમાં હૃદય રોગની શક્યતાઓ વધી રહી છે. એક કારણ ફાસ્ટફુડનું વધતું ચલણ પણ છે. યુવાનો સૌથી વધારે ફાસ્ટફુડ ખાઈ રહ્યા છે. જેના કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ જ વધે છે, પરિણામે યુવાનોમાં હૃદય રોગની શક્યતાઓ વધી રહી છે. આવા કિસ્સાઓમાં હવે યોગ્ય તપાસ, સંસોધન અને ઉકેલની જરૂર છે. સરકાર હૃદયરોગથી લોકો બચે તેવી માર્ગદર્શિકા બહાર પાડે તેવી પણ માગ થઈ રહી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો