Ahmedabad: કોનોકાર્પસને વૃક્ષ જમીન અને આરોગ્ય માટે હાનિકારક, વન વિભાગે જારી કર્યો પરિપત્ર, ધરી લાલબત્તી!
શોભા વધારતા કોનોકાર્પસ વૃક્ષો જમીન અને આરોગ્ય બંને માટે હાનિકારક હોવાનો પરિપત્ર રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે સંશોધન અહેવાલો મુજબ કોનોકાર્પસ વૃક્ષ માનવજીવન પર નકારાત્મક અસરો કરે છે.

બ્યુટીફિકેશન અને ગ્રીનરી માટે ઠેર ઠેર વાવેતર કરવામાં આવેલ કોનોકાર્પસ વૃક્ષ જમીન તેમજ મનુષ્યના આરોગ્ય માટે હાનિકારક હોવાનું સંશોધનોમાં સામે આવ્યા બાદ આખરે રાજ્યનું વન વિભાગ સફાળું જાગ્યું છે અને અધિકૃત પરિપત્ર કરી નર્સરી માં વાવેતર તેમજ લોકજાગૃતિ લાવવાનું ફરમાન કર્યું છે. દેખાવમાં સારા લાગતા અને જલ્દી ઉગતા કોનોકાર્પસ જમીન અને આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Ambaji Video: જવાનોની સેવાને ભક્તોની સલામ! અંબાજી મેળામાં પોલીસ સલામતી અને સુરક્ષા જાળવવા સાથે સહાય કરવા આગળ
શહેર-ગામ, હોટેલ કે ફાર્મ હાઉસ પર શોભા વધારતા કોનોકાર્પસ વૃક્ષો જમીન અને આરોગ્ય બંને માટે હાનિકારક હોવાનો પરિપત્ર રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે સંશોધન અહેવાલો મુજબ કોનોકાર્પસ વૃક્ષ માનવજીવન પર નકારાત્મક અસરો કરે છે.
જમીન અને લોકોના આરોગ્ય માટે હાનિકારક
કોનોકાર્પસના મૂળ જમીનમાં ઊંડે સુધી જઇ ખૂબ વિકાસ કરે છે. જેના કારણે જમીનમાં પાથરવામાં આવેલ કેબલ, ડ્રેનેજલાઈન અને તાજા પાણીની વ્યવસ્થા ને નુકસાન કરે છે. આ સિવાય એની પરાગરજના કારણે શરદી, એલર્જી અને અસ્થામાં થાય છે. માટે આ વૃક્ષો વન વિભાગની નર્સરીમાં ઉછેરવા તેમજ એનું વાવેતર કરવું નહીં તેમજ લોકજાગૃતિના કાર્યક્રમો પણ કરવા સૂચના અપાઈ છે. સરકારે આ નિર્ણય કર્યો છે ત્યારે કોનોકાર્પસને ગુજરાત યુનિવર્સીટી નો બોટની વિભાગના પ્રોફેસર પણ હાનિકારક ગણાવે છે.
ગુજરાત યુનિવર્સીટીના વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસર ભરત મૈત્રેય જણાવે છે કે વનસ્પતિનું મુખ્ય કામ તેના મૂળને ઊંડા સુધી સ્થાપિત કરવાનું હોય છે. જે કોનોકાર્પસ સારી રીતે કરે છે. મજબૂતરીતે જડ કરવાના કારણે પાઇપલાઇન અને કેબલને નુકસાન કરતા હોય છે. આ સિવાય સ્વાસ્થ્યને પણ અસર કરતા હોવાથી રહેણાંક વિસ્તારમાં ના હોય એ જરૂરી છે. કોનોકાર્પસની આડઅસર સાથે તેના કેટલાક ફાયદાઓ પણ છે. તે જમીનમાંથી ખારાસ દૂર કરવા સાથે જલસ્તર પણ ઊંચું લાવતું હોય છે.
અમદાવાદમાં ઠેર-ઠેર કોનોકાર્પસ
વનસ્પતિ શાસ્ત્ર તેમજ રાજ્યનું વન વિભાગ જે વૃક્ષને હાનિકારક ગણાવી રહ્યું છે તે વૃક્ષ અમદાવાદ શહેરમાં ગ્રીનરી અને બ્યુટીફિકેશન માટે જોવા મળી રહ્યા છે. અમદાવાદ મનપા દ્વારા પણ ભૂતકાળમાં વાજતે ગાજતે આ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. અમદાવાદના રિવરફ્રન્ટ રોડ પર તેમજ રિવરફ્રન્ટ કોનોકાર્પસ વૃક્ષ કુંડામાં જોવા મળી રહ્યા છે. ગુજરાત યુનિવર્સીટી, ડંપિંગ સાઇટ તેમજ મનપા સંચાલિત અનેક પાર્ટીપ્લોટમાં આ વૃક્ષો જોવા મળી રહ્યા છે ત્યારે મનપા તંત્ર આ વૃક્ષોને હટાવે એ જરૂરી બન્યું છે.