દક્ષિણ ગુજરાતમાં મન મુકીને વરસ્યા મેઘરાજા, નવસારી, વલસાડ, સુરતમાં ભારે વરસાદ બાદ પૂરના પાણીથી સર્જાઈ હાલાકી- જુઓ Video
દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા ઓળઘોળ છે અને ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે અનેક માર્ગો જળમગ્ન બન્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર હાલાકી પડી રહી છે. સુરતમાં ભારે વરસાદથી અનેક માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હોવાના દૃશ્યો સામે આવ્યા છે.
સૌરાષ્ટ્રની સાથે-સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં ફરી અનરાધાર વરસાદ વરસ્યો. ગઇકાલે સુરતમાં ભારે વરસાદને કારણે વણસેલી સ્થિતિ થાળે પડે તે પહેલા આજે ફરી વરસાદ ત્રાટકયો. એક તરફ ખાડીના પૂર તો બીજી તરફ વરસાદી પાણી. જેના કારણે સુરતીલાલાઓની મુશ્કેલી બમણી થઇ. નવસારીમાં ધોધમાર વરસાદને પગલે શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા સત્ય અહિંસા ગેટનો મુખ્ય માર્ગ જળમગ્ન થયો. બીજી તરફ વલસાડ પંથકમાં પણ વરસાદે હાલાકી સર્જી. ભારે વરસાદથી મુકુંદ ઓવરબ્રિજથી સુગર ફેક્ટરી ઓવરબ્રિજ વચ્ચે મસમોટા ખાડા પડ્યા. ભરૂચ શહેરમાં પણ ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા.
બારડોલીમાં વરાળ નજીક આવેલી શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ ફસાયા
સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાયા. આશાપુરા મંદિર નજીક ઘૂંટણસમા પાણી ભરાયા. વરાળ નજીક આવેલી શાળામાં પણ પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી. ભારે વરસાદથી મોટાભાગની શાળામાં રજા આપવામાં આવી હતી. કડોદરા સુરત મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી. સુરત શહેરની વાત કરીએ તો ભારે વરસાદથી અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. ડુંભાલ વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
નવસારીમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ
નવસારીમાં પણ મેઘરાજાએ પોતાની તોફાની બેટીંગ યથાવત રાખતા બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા સત્ય અહિંસા ગેટના મુખ્ય માર્ગ જળમગ્ન થયો. શહેરમાં જળબંબાકારની સ્થિતિથી લોકોને હાલાકીની સામનો કરવો પડી રહ્યો છે.
મધુબન ડેમની જળ સપાટી 72.25 મીટરે પહોંચી
આ તરફ વલસાડમાં ધોધમાર વરસાદથી મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. મધુબન ડેમની સપાટી 72.25 મીટરે પહોંચી હતી. ઉપરવાસમાં વરસાદથી ડેમમાં 29 હજાર 261 ક્યુસેક પાણીની આવક થઈ. મધુબન ડેમના 6 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા હતા, જેમાં 14,883 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું.
આ તરફ ભરૂચમાં ધોધમાર વરસાદથી શહેરમાં પાણી ભરાયા હતા. સેવાશ્રમ રોડ, પાંચબત્તી, ફટાતળાવ અને ફુરજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવનને માઠી અસર પહોંચી હતી.
Input Credit- Baldev Suthar, Nilesh Gamit- Navsari, Akshay Kadam- Valsad