Rain News : સુરતમાં મેઘ તાંડવ બાદ ખાડીમાં પૂરની સ્થિત, મેયરની રજૂઆત છતાં સતર્કતાના કોઈ જ પગલાં ન લેવાયાનો આક્ષેપ, જુઓ Video
ગુજરાતમાં મેઘરાજાએ ધૂંઆધાર બેટિંગ કરી છે. ત્યારે સુરતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. સરથાણા વાલમનગર ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાતમાં મેઘરાજાએ ધૂંઆધાર બેટિંગ કરી છે. ત્યારે સુરતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. સરથાણા વાલમનગર ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મેયર દક્ષેશ માવાણીએ પૂરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા કરી છે. ખાડીપૂરની સ્થિતિનો મેયરે તાગ મેળવ્યો છે. સુરતના મેયરે સૌથી મોટો દાવો કર્યો છે કે મહિના પહેલા ખાડી પૂર બાબતે રજૂઆત કરી હતી. ઝીંગા તળાવ દૂર કરવા કલેકટરને રજૂઆત કરી હતી. ખાડીપૂર બાબતે તંત્ર એકબીજાને ખો આપતું હોય તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે.
અધિકારીઓ મેયરનું પણ ન સાંભળતા ન હોવાનો આક્ષેપ !
દક્ષેશ માવાણીનું કહેવું છે કે તે આ અંગે હવે સરકારને રજૂઆત કરશે. અને સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવા પ્રયાસો હાથ ધરાશે. પરંતુ, હાલ સુરતમાં જે જળબંબાકારની સ્થિતિ છે તે અંગે મેયરે કરેલા દાવાઓ ખૂબ જ ચોંકાવનારા છે. આ દાવાઓ એ સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે લોકોની સમસ્યાના નિરાકારણમાં અધિકારીઓને રસ છે પણ કે નહીં ?
સુરતના ઉપરવાસમાં થયેલા અતિભારે વરસાદના પગલે સણિયા હેમાદ ગામ જળબંબાકાર થઈ ગયું છે. ખાડીપુરના કારણે ગામમાં પાણી ભરાયા છે જેના કારણે ગામના લોકોના ઘરો અને મંદિરો ડૂબી ગયા છે. આ ઘટનાને કારણે સણિયા હેમાદ ગામમાં જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક વહીવટીતંત્ર પૂરની સ્થિતિનો સામનો કરવા માટે પ્રયાસો કરી રહ્યું છે. આ ગામમાં દર વર્ષે ખાડીપુરના કારણે આવી જ સ્થિતિ સર્જાય છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. વરસાદની આગાહીઓ અને પૂરની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે.
ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો
બીજી તરફ ભારે ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારથી અત્યાર સુધીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે. અવિરત વરસાદથી સ્થાનિક નદીઓ ગાંડીતૂર બની છે. નદીઓના લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે. ઊંચવાન ગામમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. આ વિસ્તારમાં ખેતી મોટાભાગે વરસાદ પર નિર્ભર છે. કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિથી સ્થાનિકોની ચિંતા વધી છે.