મોંઘવારીનો વધુ એક ડામ, ખાંડના ભાવમાં ભડકો, ₹55 ની કિલો ખાંડ હવે ₹70 એ પહોંચી ગઈ
એક તરફ ખાંડના ભાવ ભડકે બળી રહ્યા છે. ત્યારે કિંમતને કાબૂમાં લાવવા કેન્દ્ર સરકારે ઝીરો ડ્યુટીથી ખાંડ આયાત કરવાની છૂટ આપી છે. પણ, બીજી તરફ સવાલ એ છે કે શું તેનાથી ખરેખર ભાવ કાબૂમાં આવશે ? આ તમામ ઘટનાઓ વચ્ચે શેરડીની ખેતી કરતાં ખેડૂતોની સમસ્યા શું છે ? આવો... વિસ્તારથી સમજીએ.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડની અછત ઊભી થઈ છે અને તેને પગલે જ ખાંડના ભાવ ભડકે બળી રહ્યા છે. બજારમાં 52થી 55 રૂપિયે કિલો મળતી ખાંડ હાલ 70 રૂપિયે કિલો પર પહોંચી ગઈ છે. હોલસેલ માર્કેટમાં પણ જે રીતે ભાવ ઊંચકાયા છે તેને લીધે ગૃહિણીઓના બજેટ પર સીધી જ અસર પડવાની શક્યતા છે.
ભારતની વાત કરીએ તો દેશમાં 2.90 લાખ મેટ્રિક ટન ખાંડની જરૂરિયાત રહેતી હોય છે. તેની સામે 2.60 લાખ મેટ્રિક ટન ખાંડનું જ ઉત્પાદન થયું છે. 30 લાખ ટન ખાંડની ઘટને લીધે ડિમાન્ડ અને સપ્લાયનું બેલેન્સ ખોરાવાયું છે. દેશમાં ખાંડના કુલ ઉત્પાદનમાં 30 ટકા ખાંડનો ઘરેલુ વપરાશમાં ઉપયોગ થાય છે. જ્યારે 70 ટકા ખાંડ કોમર્શિયલ ઉપયોગમાં લેવાય છે. હાલ તહેવારોના ટાણે જ ભાવ ઊંચકાતા સામાન્ય લોકોની ચિંતા વધી છે. જો કે વેપારીઓનો દાવો છે કે સરકારે હવે આયાત ડ્યુટી ઘટાડતા ભાવ કાબૂમાં આવશે. અલબત્ સમગ્ર મામલે ખેડૂતોને પોતાની આગવી જ સમસ્યા છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે ભાવ ગમે તેટલાં વધે પરંતુ, ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર નથી મળતું. તો બીજી સુગર ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોનો દાવો છે કે સરકારે આયાત ડ્યુટી હટાવતા ગ્રાહકો પર હવે વધુ બોજ નહીં પડે. તો બીજી તરફ સારા ભાવ મળવાની આશાએ હવે વધુ ખેડૂતો શેરડીનું ઉત્પાદન કરવા તરફ આકર્ષાશે. દાવો કરાઈ રહ્યો છે કે ખાંડના આ ભાવ આવનારા સમયમાં ખેડૂતો માટે ફાયદાનો સોદો સાબિત થશે.
દાવાઓ વચ્ચે હકીકત જોઈએ તો ગ્લોબલ વોર્મિંગની અસરને લીધે શેરડીનું ઉત્પાદન દિવસેને દિવસે ઘટી રહ્યું છે. શેરડીનું ઉત્પાદન ઘટતાં ખાંડના ઉત્પાદન પર પણ અસર પડી છે. બીજી તરફ સરકારની નીતિને લીધે શેરડીના એક મોટા જથ્થાને ઈથેનોલના ઉત્પાદન માટે ડાયવર્ટ કરાયો છે. આક્ષેપ છે કે તેના લીધે ખાંડના ઉત્પાદન ઉપર પણ અસર પડી છે. સરકારે આયાત ડ્યુટી ઘટાડી છે. પરંતુ, નિષ્ણાતોના મત મુજબ હાલ વૈશ્વિક બજારોમાં પણ ખાંડની અછતની સ્થિતિ છે. જેને જોતા જો જરૂરિયાત મુજબનો જથ્થો ન મળે તો ભાવ ઘટાડાની શક્યતા ઓછી જ છે.