ચોંકાવનારો કિસ્સો! નશાના બંધાણી પુત્રએ માતા-પિતાને બેરહેમ માર માર્યો, બચાવ માટે પોલીસ બોલાવવી પડી
સંતાનોને વિદેશ મોકલવાના આકર્ષણ સામે લાલબત્તી રુપ કિસ્સો હિંમતનગરમાં સામે આવ્યો છે. જ્યાં વિદેશથી પરત આવેલા પુત્રએ માતા-પિતા અને બહેનને ઘરમાં જ બેરહેમ માર માર્યાની ઘટના સર્જાઈ છે. ધનાઢ્ય પરિવારના પુત્રની આ ઘટનાએ સૌને ચોંકાવી મૂક્યા છે.

બાળકોને વિદેશ મોકલનારાઓ સામે લાલબત્તી ચિંધનારો કિસ્સો સાબરકાંઠામાં સામે આવ્યો છે. હિંમતનગર શહેરમાં રહેતા એક ધનાઢ્ય પરિવારનો દીકરાને વિદેશ હરખભેર મોકલવામાં આવ્યો હતો. જોકે વિદેશથી ઘરે આવેલા દીકરાનું વર્તન જોઈને પરિવાર ચોંકી ઉઠ્યો હતો. તો વળી શનિવારની સવારે તો પરિવારને માથે આભ તૂટ્યા જેવી ઘટના સર્જાઈ ગઈ હતી. દીકરો નશાની માંગ સંતોષવાને માટે હિંસક સ્વરુપ ધારણ કરી ચૂકયો હતો.
ધનાઢ્ય પરિવારના પુત્રએ માતા-પિતા સહિતના પરિવારજનો પર જ હુમલો કરી દીધો હતો. હુમલાની ઘટનાને પગલે આડોશ પાડાશના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. તો વળી પુત્ર દ્વારા પરિવારજનો પર હુમલાને પગલે આખરે પોલીસની મદદ લેવાની જરુર સર્જાઈ હતી. મામલો પોલીસ મથકે તો પહોંચ્યો હતો, પરંતુ પુત્ર સામે જ ફરિયાદી બનવાને બદલે મિત્રોની મદદથી સમજાવટ કરી વાત થાળે પાડવા પ્રયાસ કર્યો હતો.
પુત્રએ માતા-પિતા પર કર્યો હુમલો
સંતાનને વિદેશ મોકલવાનો મોહ અનેક પરિવારોમાં વધતો જઈ રહ્યો છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપના દેશોમાં અભ્યાસ અને રોજગારીના બહાને સંતાનોને મોકલવામાં આવતા હોય છે. પરિવારથી હજારો કિલોમીટર દૂર રહેતા સંતાનો કેવી સ્થિતિ અને કેવી આદતોથી મજબૂર બની જાય છે એ જાણ થતી હોતી નથી. તો જ્યારે જાણ થાય છે, ત્યારે સ્થિતિ નિયંત્રણ બહાર નિકળી ચૂકી હોય છે. આવી જ ઘટના હિંમતનગર શહેરમાં બની છે.
શહેરના એક ફાઈનાન્સ પેઢીના માલિકના પુત્રને વિદેશમાં જઈને નશાની આદત થઈ ગઈ. સ્વદેશ પરત એટલે કે ઘરે આવ્યા બાદ તેની આદત તેનો પિછો છોડી રહી નહોતી. આથી તે નશાને સંતોષવા માટે પરેશાની અનુભવી રહ્યો હતો. આ દરમિયાન તેણે પોતાના જ પરિવારજનો પર હુમલો કરી દીધો હતો. પુત્રએ પોતાના જ માતા અને પિતા પર હુમલો કરીને બેરહેમ માર માર્યો હતો. તો વળી યુવકે તેની સગી બહેનને પણ માર માર્યો હતો.
મામલો પોલીસ મથકે પહોંચ્યો
પુત્રએ જે રીતે બેરહેમ મારા મારી અને ચિસાચીસ કરીને ડરામણી સ્થિતિ ઘરમાં પેદા કરી હતી, તેને લઈ પરિવારજનો પણ ચોંકી ગયા હતા. બચાવ માટે આખરે પોલીસની મદદ લેવાની જરુર જણાઈ હતી. જેથી પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો બચાવ માટે પહોંચ્યો હતો. પુત્ર સહિત પરિવારજનો પણ પોલીસ મથકે પહોંચ્યા હતા.
જ્યાં પોલીસ મથકમાં પરિવારજનો પુત્રના હાથ ઉપાડવાને લઈ ધ્રૂસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા હતા. ઘટનાની જાણકારી તેમના મિત્રોને થતા એ પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા. જોકે પિતાને માટે સૌથી મોટી મજબૂરી એ થઈ હતી કે, માર સહન કર્યા બાદ હવે પુત્ર સામે જ કેવી રીતે ફરિયાદી બનવું. આથી પિતાના મિત્રોએ પુત્ર અને પરિવારજનોને લાંબો સમય સમજાવટ માટે પ્રયાસ કર્યો હતો. અંતે પોલીસ ફરિયાદ કરવાને બદલે હાલ તો પરિવારજનો અને પુત્રને પોલીસ સ્ટેશનથી પરત લઈ જવામાં આવ્યા હતા.