રાજકોટ મનપા અને પોલીસ આમને-સામને, સરકારી કાર્યક્રમમાં જ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાતા વિવાદ
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાનો એક કાર્યક્રમ અને પોલીસે મનપા સામે જ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધતા વિવાદ થયો છે. પોલીસની આ કાર્યવાહીથી મનપાના સત્તાધિશો ગિન્નાયા છે અને આ ફરિયાદનો રેલો ગૃહરાજ્યમંત્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે.
આમ તો સરકારી કાર્યક્રમો સરકારની પરવાનગી સાથે ઉજવાતા હોય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા દિવાળીના પર્વમાં કરવામાં આવેલી ડીજે વીથ રોશનીના કાર્યક્રમમાં પોલીસે જ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધતા વિવાદ સર્જાયો છે.પોલીસની આ કાર્યવાહીથી રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ લાલઘૂમ થયા છે અને આ અંગે પોલીસ કમિશનરની ફરિયાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી કરવામાં આવી છે.
10 વાગ્યા બાદ ડીજે વાગતા કાર્યવાહી
દિવાળીના પર્વ પર રાજકોટ મહાનગરપાલિકા દ્રારા રેસકોર્ષ ખાતે મિની કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.રેસકોર્ષની ફરતે લાઇટીંગ અને ડીજેનું આયોજન કરવામાં આવ્યું હતું.રાત્રીના 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી ડીજે વીથ લાઇટીંગ રાખવામાં આવ્યુ હતું. જો કે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર કર્મચારી સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ વચ્ચે મધ્યસ્થી કરવા છતા પોલીસે વાત સાંભળી ન હતી અને ફરિયાદ નોંધી દેતા વિવાદ સર્જાયો હતો.
ફરિયાદના પગલાં ગાંધીનગર સુધી પડ્યા
રાજકોટ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર સામે નોંધાયેલી ફરિયાદના કારણે રાજકોટ મહાનગરપાલિકાએ પોલીસને જાણ કરી હતી. આ સરકારી કાર્યક્રમ છે અને દિવાળીનું પર્વ હોવાને કારણે ફરિયાદ ન કરવાની વિનંતિ કરવામાં આવી હતી. જો કે પોલીસે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન હોવાનું કહીને કેસ દાખલ કર્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતા રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારો, શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ દ્રારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરી હતી. ભાજપના નેતાઓએ પોલીસના આપખુદી વર્તનની ફરિયાદ કરી હતી.
ભાજપ અને પોલીસ આમને સામને હોવાનો આ ત્રીજો બનાવ
રાજકોટ ભાજપ અને પોલીસ આમને સામને હોય તેવો આ પહેલો બનાવ નથી. આ અગાઉના કિસ્સાઓમાં પણ પોલીસનું વર્તન યોગ્ય ન રહ્યું હોવાની ફરિયાદ કરી હતી. જેમાં ભાજપ દ્રારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સાસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારે પણ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન બતાવીને પોલીસે કાર્યક્રમ બંધ કરાવ્યો હતો. ત્યારબાદ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ત્રણ સ્થળોએ સ્ક્રિનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જો કે આ કાર્યક્રમને અનુલક્ષીને પોલીસ બંદોબસ્ત અને મંજૂરી આપવાની ના પાડી હતી. જો કે ત્યારબાદ સરકારની મધ્યસ્થીથી અંતે મંજૂરી આપી હતી. આ ઉપરાંત ભાજપના એક નેતા દ્રારા નવરાત્રી પહેલા અને પછી સાત થી આઠ દિવસ ચાલતા નવરાત્રી પર્વમાં 12 વાગ્યા સુધી દાંડિયા ચાલુ રાખવાની પરવાનગી આપવાની માંગ કરી હતી. જો કે પોલીસ કમિશનર દ્રારા આ વાતને પણ ઉડાવી દેવામાં આવી હતી.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો