રાજકોટવાસીઓ થઈ જજો સાવધાન, હવે હેલમેટ નહીં પહેરો તો થશે દંડ, પોલીસે શરૂ કરી ટ્રાફિક ડ્રાઈવ
Rajkot: રાજકોટમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજણ આપવામાં આવી હતી. સાથોસાથ હેલમેટ નહીં પહેરનારા વાહનચાલકો સામે હવે કડક હાથે કામ લેવાના પણ સંકેત ટ્રાફિક પોલીસે આપ્યા છે.
રાજકોટવાસીઓ હવે જો હેલમેટ નહીં પહેરો તો દંડ ચુકવવા માટે થઈ જજો તૈયાર. જી હાં રાજકોટમાં હાલમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી ચાલી રહી છે અને શહેરના અલગ અલગ વિસ્તારો અને શાળાના બાળકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટેની સમજણ આપવામાં આવી હતી. આ સાથે શહેર ટ્રાફિક પોલીસે હેલમેટને લઈને પણ કડક કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે.
મીડિયા સાથેની વાતચીતમાં ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે જણાવ્યુ કે વાહનચાલકો માટે હેલમેટ ખુબ જ જરૂરી છે. મોટાભાગના અકસ્માતના કિસ્સાઓમાં હેલમેટ નહીં પહેરવાને કારણે વાહનચાલકનું મોત થાય છે. ત્યારે ટુવ્હીલર ચાલકો હેલમેટ પહેરે તે માટે ટ્રાફિક પોલીસ સક્રિય થઈ છે. ટ્રાફિક સપ્તાહમાં પણ હેલમેટ પહેરવા પર ભાર મુકવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હેલમેટ સાથે બાઈક રેલી કરીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે વાહનચાલકોએ હેલમેટ પહેરવા માટે તૈયાર રહેવું પડશે. પોલીસની સાથે તમામ બાઈક ચાલકોએ પણ હેલમેટ પહેરવું પડશે તેવું ડીસીપીએ કહ્યું હતું.
માત્ર દંડ નહીં, લોકોનો સહકાર જોઈએ છે-પૂજા યાદવ
પૂજા યાદવે વધુમાં કહ્યું હતું કે શહેરમાં લોકો 100 ટકા હેલમેટ પહેરે તે માટે પોલીસ સક્રિય છે. જો કે પોલીસનો હેતુ માત્ર દંડ કરવાનો નથી,કડક કાર્યવાહીથી જરૂર હેલમેટ પહેરાવી શકાય છે અને હેલમેટ નહીં પહેરનાર પાસેથી દંડ વસુલી શકાય છે, પરંતુ લોકોનો સાથ સહકાર જરૂરી છે. લોકો સામે ચાલીને હેલમેટનો ઉપયોગ કરે તે જરૂરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવશે તેમને વિશ્વાસમાં લેવામાં આવશે ત્યારબાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.
હેલમેટના કડક નિયમની પોલીસે જ કરી શરૂઆત
થોડા દિવસો પહેલા રાજકોટ પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે હેલમેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ જવાનો અને પોલીસ પરિવારના કોઇ સભ્ય હેલમેટ પહેર્યા વગર બાઇક લઇને બહાર નીકળે તો તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માત્ર પોલીસ અને તેના પરિવારના 100 જેટલા લોકોને ટ્રાફિક અંગેનો દંડ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ બાદ હવે સામાન્ય માણસને પણ ટ્રાફિક પોલીસ દ્વારા હેલમેટ પહેરવાની વિનંતી કરવામાં આવી છે જો હેલમેટ નહીં પહેરવામાં આવે તો આગામી દિવસોમાં દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: રાજકોટમાં વધુ એકવાર દારૂબંધીના ઉડ્યા લીરેલીરા, ટ્રાફિક વોર્ડનની કારમાંથી 68 બોટલ વિદેશી દારૂની ઝડપાઈ
હાઇકોર્ટે પણ કરી હતી ટકોર
રાજ્યમાં હેલમેટના નિયમની કડક અમલવારી માટે 17 જાન્યુઆરીના રોજ હાઈકોર્ટે પણ ટકોર કરી હતી. હાઈકોર્ટ દ્વારા સરકાર પાસે હેલમેટની અમલવારીને લઈને ખુલાસો પણ માંગવામાં આવ્યો હતો. હાઈકોર્ટના નિર્દેશ બાદ પોલીસ દ્વારા રાજ્યભરમાં હેલમેટ અંગેની ડ્રાઈવ ચલાવવામાં આવે તેવી પુરી શક્યતા છે. એટલા માટે જ પોલીસ લોકજાગૃતિ સાથે લોકોને હેલમેટ પહેરવા માટેની અપીલ પણ કરી રહ્યા છે.