ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં સામેલ થનાર એકમાત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરિયા, જાણો તેમની રાજકીય કારકિર્દી
સરકારની આ કેબિનેટમાં એક માત્ર મહિલા પ્રધાન તરીકે ભાનુબેન બાબરિયા (Bhanuben Babariya)ને સ્થાન આપવામાં આવ્યું છે, તેમની સાથે નવા પ્રધાનમંડળે પણ શપથ લીધા છે.

15મી વિધાનસભામાં જંગી જીત બાદ ભાજપે સાતમી વખત ગુજરાતમાં સત્તા કબજે કરી છે. રાજ્યમાં મહાજીત બાદ ગાંધીનગરમાં આજે શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂપેન્દ્ર પટેલે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મુખ્યમંત્રીની સાથે અન્ય 16 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એક માત્ર મહિલાને કેબિનેટકક્ષાના પ્રધાન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. શપથ લીધા પહેલા ભાનુબેન બાબરિયાએ TV9 સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન ભાનુબેને જણાવ્યુ હતુ કે, મારા મતદારોએ મારા પર વિશ્વાસ મુક્યો તેના કારણે હું અહીં સુધી પહોંચી છુ. તેમણે જણાવ્યુ કે, ભારતીય જનતા પાર્ટી પર જનતાએ વિશ્વાસ મુક્યો છે ત્યારે તેમની અપેક્ષાઓ પર પાર પડવા માટે હું પક્ષ સાથે મળીને તમામ પ્રયત્નો કરીશ.
ભાનુબેન બાબરિયાને કેબિનેટ મંત્રીમંડળમાં સમાવેશ
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત નવા પ્રધાન મંડળે આજે શપથ ગ્રહણ કર્યા છે. તો આ નવા પ્રધાન મંડળમાં એક માત્ર મહિલા પ્રધાન ભાનુબેન બાબરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાનુબેન બાબરિયા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય છે. રાજકોટ જિલ્લાના 8 પૈકી એક માત્ર ધારાસભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્યના મહિલા ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને કેબિનેટ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભાનુબેન બાબરિયાએ એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.
મુળુ બેરા, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા મંત્રીમંડળમાં શપથ લીધા @BJP4Gujarat #Gandhinagar #Gujarat #TV9News pic.twitter.com/uviYckqHXY
— Tv9 Gujarati (@tv9gujarati) December 12, 2022
ભાનુબેને મોટા નેતાને હરાવ્યા
ભાનુબેનએ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા વશરામ સાગઠીયાને હરાવ્યા છે. ભાનુબેનને 1,19,695 મતો મળ્યા અને 48,946 મતોની સરસાઈથી તેઓ જીત્યા. આ સીટ પર કોંગ્રેસના ઉમેદવારને 29,000 વોટ મળ્યા હતા. આવી સ્થિતિમાં ભાનુબેન બાબરીયાનો મોટો વિજય થયો હતો. 2012ની ચૂંટણીમાં ભાનુબેન 11,466 મતોની સરસાઈથી જીત્યા હતા.
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નવો ચહેરો.
(1) બળવંતસિંહ રાજપૂત- કેબિનેટ
(2) મૂળુભાઈ બેરા- કેબિનેટ
(3) ભાનુબહેન બાબરીયા- કેબિનેટ
(4) પરષોત્તમ સોલંકી- રાજ્યકક્ષા
(5) બચુભાઈ ખાબડ- રાજ્યકક્ષા
(6) પ્રફુલ્લ પાનસેરીયા- રાજ્યકક્ષા
(7) ભીખુભાઈ પરમાર- રાજ્યકક્ષા
(8) કુંવરજી હળપતિ- રાજ્યકક્ષા
47 વર્ષીય ભાનુબેન બાબરીયાને પાર્ટીએ તેમને ફરીથી રાજકોટ ગ્રામ્ય બેઠક જીતવા માટે ટિકિટ આપી હતી. ભાનુબેનને ભૂતકાળમાં કરેલા કાર્યોની સાથે મહિલા હોવાનો લાભ પણ મળ્યો. ભાનુબેન સામે કોઈ ગુના નોંધાયેલ નથી. તેમ જ અત્યાર સુધી કોઈ મોટા ભ્રષ્ટાચારના કેસમાં તેમનું નામ સામે આવ્યું નથી. આ ચૂંટણીમાં કુલ 15 મહિલાઓ વિધાનસભામાં પહોંચી છે. જેમાંથી 14 મહિલાઓ ભાજપની ટિકિટ પર ધારાસભ્ય બની છે.
આ શપથવિધીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના કેન્દ્રીય નેતાઓ સહિત ભાજપના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહ્યાં છે. ભાજપના તમામ નવા જીતેલા ધારાસભ્યો પણ શપથવિધીમાં હાજર રહ્યા છે. ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા પણ નવી સરકારની શપથવિધીમાં ઉપસ્થિત રહ્યાં છે.