Breaking News : રાજકોટ લૂંટ-હત્યા કેસમાં મોટો વળાંક! પંચનામા વખતે આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, પછી સર્જાય ફિલ્મી દ્રશ્યો, જુઓ Video
રાજકોટ લૂંટ અને હત્યા કેસના આરોપી અનુરાગ રાજપૂતને પંચનામા માટે એરપોર્ટ નજીક લઈ જવામાં આવ્યો ત્યારે તેણે છુપાવેલ હથિયાર વડે પોલીસ પર ફાયરિંગ કર્યું.

રાજકોટમાં તાજેતરમાં બનેલા ચકચારી લૂંટ અને હત્યા કેસના મુખ્ય આરોપી અનુરાગ રાજપૂતને ડિસ્કવરી પંચનામા માટે ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યો ત્યારે એક નાટકીય વળાંક આવ્યો હતો. આરોપીએ પોલીસ પર ફાયરિંગ કરતા જવાબી કાર્યવાહીમાં તેને પગમાં ગોળી વાગી હતી અને તે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટના રાજકોટ એરપોર્ટ નજીક બની હતી, જ્યાં પોલીસ ટીમ હથિયાર શોધખોળ માટે આરોપીને લઈ ગઈ હતી.
આરોપી અનુરાગ રાજપૂતે પોલીસને ચકમો આપવાનો પ્રયાસ
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અનુરાગ રાજપૂત આજી GIDC વિસ્તારમાં થયેલી લૂંટ અને હત્યાનો મુખ્ય આરોપી અને માસ્ટરમાઇન્ડ છે. ગુનામાં વપરાયેલા હથિયારના પંચનામા માટે તેને રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા એરપોર્ટ નજીકના સ્થળે લઈ જવામાં આવી રહ્યો હતો. પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપી અનુરાગ રાજપૂતે પોલીસને ચકમો આપવાનો પ્રયાસ કર્યો હતો. તેણે અગાઉથી જ ઘટનાસ્થળે એક બીજું હથિયાર છુપાવેલું હતું. આ છુપાવેલું હથિયાર શોધી કાઢી, તેણે PSI વનરાજ ડોડીયા અને તેમની ટીમ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
પોલીસ પર થયેલા અચાનક હુમલાને પગલે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, PSI વનરાજ ડોડીયાએ બહાદુરીપૂર્વક પરિસ્થિતિનો સામનો કર્યો અને સ્વબચાવમાં જવાબી ગોળીબાર કર્યો હતો. પોલીસ ફાયરિંગમાં આરોપી અનુરાગ રાજપૂતને જમણા પગમાં ગોળી વાગી હતી, જેના કારણે તે ઘાયલ થયો હતો. સદનસીબે, પોલીસ ટીમનો કોઈ જવાન ઇજાગ્રસ્ત થયો નહોતો.
ઇજાગ્રસ્ત આરોપી અનુરાગ રાજપૂતને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા જ રાજકોટ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. DCP ક્રાઈમ, DCP ઝોન 2 અને ACP સહિતના અધિકારીઓએ સમગ્ર મામલાની દેખરેખ રાખી હતી.
આ બનાવ સંદર્ભે રાજકોટના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે. સમગ્ર ઘટના રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન લંગડાનો એક ભાગ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે, જેમાં ગુનેગારોને કડક સજા આપવાનો સંદેશ આપવામાં આવે છે. આ લૂંટ અને હત્યા કેસમાં લોકો દ્વારા પણ ગુનેગારોને કડકમાં કડક સજા આપવાની માંગ ઉઠી હતી. આ કાર્યવાહી દ્વારા પોલીસે ગુનેગારો સામે કડક વલણ અપનાવવાનો સંદેશ આપ્યો છે. PSI વનરાજ ડોડીયા પણ સ્વસ્થ અને સુરક્ષિત છે.
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો, જુઓ Video
