Rajkot: ધોરાજી-ઉપલેટા પંથકમાં અપૂરતો વીજ પૂરવઠો મળવાને કારણે ખેડૂતો પરેશાન, પિયત ન આપી શકાતા પાક મુરઝાવાનાની ભીતિ
Rajkot: ધોરાજી-ઉપલેટા પંથકમાં અપૂરતો વીજ પૂરવઠઓ મળવાને કારણે ખેડૂતો પરેશાન છે. અપૂરતી વીજળીને કારણે પૂરતી પિયત ન આપી શકાતી હોવાથી રવિ પાક મુરઝાવાની ભીતિ સેવાઈ રહી છે.

રાજકોટ જિલ્લામાં ખેડૂતોને અપૂરતો વીજ પૂરવઠો મળતા ખેડૂતો પરેશાન છે. તંત્ર દ્વારા ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો આપવાનો દાવો તો કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કંઇક જુદી જ છે. રાજકોટના ધોરાજી-ઉપલેટા પંથકમાં અપૂરતો વીજ પુરવઠો મળવાને કારણે ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે. એક તરફ રવિ પાકમાં વિવિધ રોગોએ આક્રમણ કર્યું છે તો બીજી તરફ અપૂરતી વીજળીને કારણે પાકને પુરતી પિયત ન આપી શકાતી હોવાથી રવિ પાક મુરઝાવાની ભીતિ સેવાઇ રહી છે. જેના કારણે ખેડૂતોને પડતા પર પાટુ પડવા જેવો ઘાટ સર્જાયો છે.
ખેડૂત પોતાના પાકની તેના સંતાનોની જેમ માવજત કરે છે. તેને પૂરતી પિયત અને ખાતર મળી રહે તેની પૂરી તકેદારી રાખે છે, તેની પાછળ દિવસરાત ચોકી પહેરો કરે છે, રાત ઉજાગરા કરે છે. પરંતુ પૂરતો વીજ પૂરવઠો ન મળવાને કારણે તેને પાક નષ્ટ થવાની ચિંતા કોરી ખાય આથી જ પૂરતી વીજળી મળે તે માટે તેઓ વીજળી દેવની પૂજા કરતા જોવા મળે છએ.
ધોરાજી-ઉપલેટા પંથકના અનેક ખેડૂતોની આવી જ સ્થિતિ છે. ખેડૂતોને ફરી એક વખત અનિયમિત વીજ પુરવઠો મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોની હાલાકી વધી છે. એક તરફ માવઠાની સ્થિતિને કારણે રવિ પાકમાં વિવિધ રોગો પ્રસરી રહ્યા છે. તો બીજી તરફ પિયતના સમયે જ પૂરતી વીજળી ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે ચૂંટણી પહેલા ખેડૂતોને 10 કલાક વીજ પુરવઠો સમયસર મળતો હતો પરંતુ ચૂંટણી પૂરી થતાં જ ફરી વીજ ધાંધિયા શરૂ થયા છે. હવે માંડ 8 કલાક જ વીજળી મળે છે. વળી પાવરની વધઘટને કારણે પાકને પિયત આપવામાં બમણા સમયનો વેડફાટ થાય છે. આમ તો રવિ પાકનું વાવેતર તો પુષ્કળ પ્રમાણમાં થયું છે પરંતુ વારંવાર વાતાવરણમાં આવી રહેલા ફેરફારને કારણે મિલિબર્ગ અને મોલો મચ્છી જેવા રોગોએ રવિ પાક પર એટેક કર્યો છે.
એક તરફ અનિયમિત વીજળીના કારણે ખેડૂતો હેરાન છે તો બીજી તરફ કુદરત પણ જાણે કે ખેડૂતો પર રૂઠી હોય તેમ પાકમાં વિવિધ રોગોએ પગપેસારો કર્યો છે… ત્યારે તંત્ર ખેડૂતોને સમયસર અને પૂરતી વીજળી આપે તેવી ખેડૂતોની માગ છે.