રાજકોટ: સૌરાષ્ટ્રના વધુ એક ક્રિકેટરની IPLમાં એન્ટ્રી,રાજકોટના સમર્થ વ્યાસ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમશે
Rajkot: સૌરાષ્ટ્રના વધુ એક ક્રિકેટરની IPLમાં એન્ટ્રી થઈ છે. રાજકોટના સમર્થ વ્યાસ સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા જોવા મળશે. સમર્થ વ્યાસને હૈદરાબાદ સનરાઈઝર્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા.
સૌરાષ્ટ્રના વધુ એક ક્રિકેટર IPLમાં રમતા જોવા મળશે. આજે યોજાયેલા IPL 2023 માટેના ઓકશનમાં રાજકોટના સમર્થ વ્યાસને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 20 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા. ત્યારે રવિન્દ્ર જાડેજા, જયદેવ ઉનડકટ, ચેતન સાકરીયા અને ચેતેશ્વર પુજારા બાદ સૌરાષ્ટ્રના વધુ એક પ્લેયર દુનિયાની સૌથી લોકપ્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ IPLમાં ધૂમ મચાવશે.
સૌરાષ્ટ્રની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે સમર્થ
સમર્થ વ્યાસ સૌરાષ્ટ્રની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તેઓ સૌરાષ્ટ્ર તરફથી રણજી, વિજય હજારે ટ્રોફી જેવી ટુર્નામેન્ટસમાં સારું પર્ફોર્મન્સ કરી ચૂક્યા છે. Tv9 સાથેની વાતચીતમાં સમર્થએ જણાવ્યું કે ચેતેશ્વર પુજારાના પિતા અરવિંદભાઈ પુજારા તેમના કોચ છે અને તેમની હેઠળ જ તે એક ક્રિકેટર તરીકે તૈયાર થયા છે. સૌરાષ્ટ્રની ટીમમાં ચેતેશ્વર પુજારાનો પણ તેમને સારો એવો સપોર્ટ રહ્યો છે.વધુમાં સમર્થ જણાવ્યું હતું કે આજે સવારથી જ તેઓ ઓકશનને લઈને ખૂબ જ ઉત્સુક હતા અને આખરે હૈદરાબાદની ટીમ દ્વારા તેમને પસંદ કરવામાં આવતા ખૂબ જ ખુશ છે.તેમના પરિવારમાં પણ હરખનો પાર નથી.Tv9 સાથેની વાતચીતમાં સમર્થના પિતા બિપીનભાઈ વ્યાસએ જણાવ્યું હતું કે તેમનું સ્વપ્ન આજે પૂર્ણ થયું છે.જ્યારે તેમના માતાએ જણાવ્યું હતું કે સમર્થએ અહીંયા પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે અને તેઓ તેને ઇન્ડિયા તરફથી રમતા જોવા માગે છે.
સૈયદ મુસ્તાક અલી અને વિજય હઝારે ટ્રોફીના શ્રેષ્ઠ પરફોર્મન્સ બદલ થયું IPLમાં સિલેક્શન
હાલમાં જ રમાયેલી વિજય હજારે ટ્રોફીમાં સમર્થએ 131 બોલમાં ડબલ સેન્ચ્યુરી લગાવી હતી. જે વિજય હજારે ટ્રોફીના ઇતિહાસની માત્ર પાંચમી ડબલ સેન્ચુરી હતી. આ સાથે જ સમર્થએ તમામનું ધ્યાન ખેંચ્યું હતું.આ સિવાય સૈયદ મુસ્તાક અલી T20 ટ્રોફીમાં પણ સમર્થએ 177 ના સ્ટ્રાઈક્ રેટથી સૌરાષ્ટ્ર માટે 314 રન બનાવ્યા હતા ટુર્નામેન્ટના ચોથા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યા હતા.
સચિન તેંડુલકર અને ધોનીને મળવાનું સ્વપ્ન IPLના કારણે પૂર્ણ થશે
સચિન તેંડુલકર અને મહેન્દ્રસિંહ ધોની સમર્થના રોલ મોડલ છે. સમર્થએ જણાવ્યું હતું કે સચિન અને ધોનીને મળવું તેમનું સ્વપ્ન છે અને ipl ના કારણે તેનું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે. હાલની ભારતીય ટીમમાં સમર્થ હાર્દિક પંડ્યા તેનો ફેવરિટ ખેલાડી છે.Tv9 સાથેની વાતચીતમાં સમર્થએ વધુમાં જણાવ્યું કે ભારતીય ટીમ માટે તેનું તેમનું સ્વપ્ન છે અને ipl ભારતીય ટીમમાં સ્થાન બનાવવા માટે શ્રેષ્ઠ રસ્તો છે. અને તેથી જ તે ipl માં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માંગે છે.