રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા પહેલા સહકાર પેનલને ભાજપનું સમર્થન મળ્યું હતું. ઉમેદવારી નોંધાવતા પહેલા મળેલી બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા,ધારાસભ્ય દર્શિતા શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જો કે ઉમેદવારી નોંધાઇ તે પહેલા જ બેંકના પૂર્વ ચેરમેન કલ્પક મણિયારે બેંકમાં કૌંભાડો થઇ રહ્યા હોવાની વાત રજૂ કરતો વીડિયો વાયરલ કરતા બેંકનું રાજકારણ ગરમાયું છે.
છેલ્લા દોઢ વર્ષથી સંતાકુંકડીની જેમ ચાલતા મામા જ્યોતિન્દ્ર મહેતા અને ભાણેજ કલ્પક મણિયાર વચ્ચેનું કોલ્ડવોર હવે ચૂંટણી પહેલા ખુલીને સામે આવી ગયું છે અને સત્તા માટે બંન્ને વચ્ચે ખુલીને જંગ શરૂ થઇ છે.
અત્યાર સુધી નાગરિક સહકારી બેંક નાના માણસોની મોટી બેંક માનવામાં આવે છે પરંતુ આ બેંકમાં છેલ્લા થોડા સમયથી ભ્રષ્ટ્રાચાર શરૂ થયો હોવાનો કલ્પક મણિયારે આક્ષેપ કર્યો છે.કલ્પકે વધુમાં કહ્યું હતું કે આ બેંકમાં જુનાગઢ બ્રાન્ચમાં ૨૦ થી ૨૫ કરોડનું કૌંભાડ થયું છે મુંબઇની કાબલાદેવી બ્રાન્ચમાં પણ કરોડોનું કૌંભાડ થયું છે.
જો કે બેંકના સત્તાધીશો આ અંગે કાર્યવાહી કરવાને બદલે કૌંભાડકારીઓને છાવરી રહ્યા છે.બેંકમાં લોન આપવામાં મોટી ગેરરિતી થઇ છે.જો કે બેંકની શાખ ખરડાય તેવી વાતો કરીને કૌંભાડકારીઓને બચાવવામાં આવી રહ્યા છે.સત્તાધીશો સત્તાના મોહમાં છે ત્યારે કલ્પક મણિયારે આગામી બેંકની ચૂંટણીમાં સત્તા વિરોધી મતદાન કરીને બેંકને બચાવવા અપીલ કરી છે.
અંતમાં કલ્પક મણિયારે પોતાના વ્યક્તિગત સબંધોની વાત કરતા તેની પણ પરવા કર્યા વગર તેના મામા સામે પોતે મેદાને પડ્યા હોવાનો દાવો કર્યો હતો.કલ્પક મણિયારના વિડીયોથી સહકારી બેંકનું રાજકારણ ગરમાયું છે.
ભાણેજના આક્ષેપો અંગે પ્રથમ વખત જ્યોતિન્દ્ર મહેતા ઉર્ફે જ્યોતિન્દ્ર મામા મેદાને આવ્યા હતા.આજે સહકાર પેનલના કુલ ૨૧ જેટલા ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટેની મળેલી બેઠકમાં જ્યોતિન્દ્ર મામાએ કહ્યું હતું કે બેંકને ખોટી રીતે બદનામ કરવામાં આવી છે.બેંક આરબીઆઇના નિયમોને બંધાયેલી છે અને બેંકના નિયમોનું અને અક્ષરશ: પાલન કરીએ છીએ.બેંક સામે છેલ્લા દોઢેક વર્ષથી આક્ષેપો થઇ રહ્યા છે પરંતુ આજ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી અને બેંકની ડિપોઝીટમાં સતત વધારો થયો છે. જેથી લોકોને બેંક પર વિશ્વાસ છે.
જે લોકો આક્ષેપ કરી રહ્યા છે તેઓ સત્તા માટે આ કરી રહ્યા છે ચૂંટણી નજીક આવતી હતી એટલે આવા આક્ષેપો થઇ રહ્યા છે.જો કે એકપણના હજુ સુધી કોઇ પુરાવા નથી આપ્યા.RBI દર વર્ષે ઇન્સપેક્શન કરવા માટે આવે છે અને અમે નિયમોના પાલન માટે બંધાયેલા છીએ.
નાગરિક સહકારી બેંકના ઇન્ચાર્જ ચેરમેન જિમ્મી દક્ષિણીએ આક્ષેપો અંગે જવાબ આપતા કહ્યું હતું કે અત્યાર સુધી અમે અમારી સામે થયેલા આક્ષેપોનો જવાબ આપતા ન હતા કારણ કે અમારે અમારી લીટી લાંબી કરવી હતી પરંતુ હવે અમે આ આક્ષેપોને રદિયો આપીએ છીએ.અમારી સામે ૩૬ જેટલી અલગ અલગ સંસ્થાઓમાં ફરિયાદ કરી છે પરંતુ એકપણ ફરિયાદમાં કોઇ કાર્યવાહી થઇ નથી.અમારી સામે આક્ષેપો કરે છે પરંતુ કોઇ પુરાવાઓ નથી અને નિયમોની વિરુદ્ધ કંઇ નથી કર્યું.જે લોકો આક્ષેપ કરી રહ્યા છે તેને પણ પુછવું જોઇએ કે તેઓ ચૂંટણી સમયે જ આવા આક્ષેપો કેમ કરી રહ્યા છે ?
Published On - 10:10 pm, Tue, 5 November 24