રાજકોટ ભાજપમાં પ્રમુખની વરણીને લઇને ભડકો-વર્તમાન શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીને હટાવવા સિનિયર નેતાઓનો ખુલ્લો મોરચો
રાજકોટ ભાજપમાં શહેર પ્રમુખની પસંદગીને લઈને ભારે ઉહાપોહ મચ્યો છે. વર્તમાન પ્રમુખ મુકેશ દોશીના પુનઃવરણીનો વિરોધ કરીને અનેક વરિષ્ઠ નેતાઓએ ખુલ્લો મોરચો ખોલ્યો છે. દોશી સામે પૂર્વ મંત્રીઓ અને પૂર્વ મેયરોએ ફરિયાદ કરી છે જ્યારે કશ્યપ શુક્લના નામનું લોબિંગ કરી રહ્યા છે. ત્યારે ફરી એકવાર રાજકોટ ભાજપનો આંતરિક ક્લેશ સામે આવ્યો છે.
ભારતીય જનતા પાર્ટી દ્રારા શહેર અને જિલ્લાના પ્રમુખની વરણીનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયું છે.આ વખતે દર વર્ષની સરખામણીમાં પ્રમુખ પદના દાવેદારોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જો કે રાજકોટ શહેરમાં ભાજપના શહેર પ્રમુખના પદને પ્રતિષ્ઠાનો દાવ માનીને અનેક સિનીયરોએ પોતાનું લોબિંગ શરૂ કરી દીધું છે.રાજકોટમાં શહેર ભાજપ પ્રમુખ તરીકે મુકેશ દોશી રિપીટ થાય તેવી પ્રબળ શક્યતાઓ જોવાઇ રહી છે પરંતુ તેની વચ્ચે શહેરના પૂર્વ મંત્રીઓ,પૂર્વ મેયરો અને અનેક સિનીયર આગેવાનોએ ખુલ્લો મોરચો ખોલી દીધો છે અને શહેર પ્રમુખ તરીકે મુકેશ દોશીને રિપીટ ન કરવા માટે પ્રદેશ કક્ષાએ રજૂઆતો કરી છે.સંગઠનના એક હોદ્દાને ભાજપના અનેક સિનીયર નેતાઓએ શાખનો સવાલ બનાવી દીધો છે જેના કારણે રાજકોટનું રાજકારણ ગરમાયું છે.
બે પૂર્વ મંત્રી અને પૂર્વ મેયરોએ કરી ફરિયાદ,સિનીયરોએ મુકેશ દોશી સામે બાંયો ચડાવી
રાજકોટ ભાજપ પ્રમુખ તરીકે મુકેશ દોશીનો કાર્યકાળ 18 મહિના જેટલો જ થયો છે. જેના કારણે જ પાર્ટી મુકેશ દોશીને રિપીટ કરશે તેવી શક્યતાઓ જોવાઇ રહી હતી પરંતુ જ્યારે ભાજપ સંગઠન દ્રારા પ્રમુખ પદ માટે ઉમેદવારોની સેન્સ લેવામાં આવી ત્યારે મુકેશ દોશી સહિત 29 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી કરી હતી. જેમાં વિજય રૂપાણીની નજીકના લોકોની સંખ્યા નોંધપાત્ર રીતે જોવા મળી હતી અને મુકેશ દોશીના વિરોધ દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો. બીજા દિવસે જ્યારે સંકલનની બેઠક મળી ત્યારે અનેક નેતાઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો અને મુકેશ દોશી સામે બળાંપો કાઢ્યો. સ્થિતિ એ હદે બગડી કે ચૂંટણી અધિકારીએ વ્યક્તિગત સેન્સ લઇને સંકલન કરવું પડ્યું. વાત આટલેથી અટકતી નથી સેન્સ પ્રક્રિયા બાદ પણ ભાજપના સિનીયર આગેવાનોએ વર્તમાન બોડી સામે મોરચો સંભાળ્યો. પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ, પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, પૂર્વ મેયર બિના આચાર્ય, પૂર્વ મેયર રક્ષા બોળિયા, પૂર્વ મેયર જૈમન ઠાકર, જનક કોટક આ ઉપરાંત રૂપાણી જુથના કેટલાક નેતાઓ અને જીતુ મહેતા સહિતના સિનીયર આગેવાનોએ મુકેશ દોશી સિનીયર નેતાઓને સંકલનમાં ન લેતા હોવાની અને અયોગ્ય રીતે વહિવટ ચલાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. મુકેશ દોશીની સાથે વિરોધમાં રહેલા જુથે ભાજપના પ્રદેશ ઉપાધ્યાક્ષ ભરત બોઘરા સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી અને સંગઠન મહામંત્રી સુધી રજૂઆતો મોકલી હોવાનું સામે આવ્યુ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મુકેશ દોશીના નામનો એક ધારાસભ્ય અને એક સાંસદ સભ્યએ પણ વિરોધ કર્યો છે.
મુકેશ દોશી હટાવો,કશ્યપ શુક્લ લાવો જેવી સ્થિતિ ઉભી કરવામાં આવી ?
મુકેશ દોશીને જે જુથ દ્રારા વિરોધ થઇ રહ્યો છે તેઓ ભાજપના સિનીયર આગેવાન કશ્યપ શુક્લના નામને લઇને લોબીંગ કરી રહ્યા છે. હાલમાં ભાજપ શહેર પ્રમુખ તરીકે મુકેશ દોશી,કશ્યપ શુક્લ,ડૉ જૈમન ઉપાધ્યાય અને દેવાંગ માંકડનું નામ ચાલી રહ્યું છે. જો કે મુકેશ દોશીની સામેનું જુથ કશ્યપ શુક્લના નામનું લોબિંગ કરી રહ્યા છે. કશ્યપ શુક્લ હાલ પ્રદેશ ભાજપમાં જવાબદારી સંભાળી રહ્યા છે અને તેઓ પાસે બહોળો વહીવટી અનુભવ પણ છે. જે અલગ-અલગ જુથ વિરોધ કરી રહ્યા છે. તેઓને કશ્યપ શુક્લના નામથી કોઇ વાંધો ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે આખરી નિર્ણય ભાજપનું મોવડી મંડળ લેશે. મુકેશ અને કશ્યપની લડાઇમાં કોઇ ત્રીજી વ્યક્તિને જવાબદારી મળે તો પણ નવાઇ નહિ. ભાજપ હંમેશા સરપ્રાઇઝ આપવા માટે જાણીતું છે. પ્રમુખનો તાજ જેના પણ શિરે આવે પરંતુ રાજકોટ ભાજપમાં આંતરિક ઘુંઘવાટ કેવો છે તે આ ઘટનાક્રમ પરથી જોઇ શકાય છે.